ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત ગૃહરાજ્યની મુલાકાતે

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય પછી નવી સરકારમાં અમિત શાહને ગૃહમંત્રી તરીકેની જવાબદારી મળી છે, તેઓ બે દિવસના રાજ્યના પ્રવાસે 3 જુલાઈના રોજ આવી રહ્યા છે 
 

ગૃહમંત્રી બન્યા પછી અમિત શાહ પ્રથમ વખત ગૃહરાજ્યની મુલાકાતે

બ્રિજેશ દોષી/ અમદાવાદઃ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય પછી નવી સરકારમાં અમિત શાહને ગૃહમંત્રી તરીકેની જવાબદારી મળી છે, તેઓ બે દિવસના રાજ્યના પ્રવાસે 3 જુલાઈના રોજ આવી રહ્યા છે. બે દિવસ દરમિયાન તેઓ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે અને 4 જુલાઈના રોજ બપોર પછી દિલ્હી જવા રવાના થશે. અમિત શાહના ભવ્ય સ્વાગત માટે ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. 

આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મુખ્ય કાર્યક્રમ તેમના મતવિસ્તારના કાર્યકરોને મળવાનો છે, પરંતુ તેઓ ગૃહમંત્રી તરીકે આવી રહ્યા હોવાથી કેટલાક સરકારી કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. 

અમિત શાહના કાર્યક્રમ અંગે વિગતો આપતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 જુલાઈના રોજ બપોરે 2 કલાકે એરપોર્ટ પર પહોંચશે ત્યારે પાર્ટી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેમના આગમનને લઈને પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમિત શાહની હાજરીમાં રાજ્યની 26માંથી 26 બેઠક જીતવાની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. 

એરપોર્ટ પર સ્વાગત કાર્યક્રમ પછી અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા નિર્મિત ડી. કે. કોમ્યુનીટિ હોલ અને ઇન્કમટેક્સ ચાર રસ્તા પર બનેલા નવા ફ્લાયઓવરનું સાંજે 4 કલાકે લોકાર્પણ કરશે. ઉદ્ધાટન બાદ અમિત શાહ દિનેશ હોલ ખાતે કોર્પોરેશનના અધિકારીઓ અને લોકોને સંબોધન કરશે. 

3 જુલાઈના રોજ જ સાંજે 6 કલાકે જીએમડીસી ખાતે ગાંધીનગલ લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભા બેઠકના કાર્યકર્તાઓ દ્વારા એક અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે. અમિત શાહ ગાંધીનગરની 5 તલાટી ઓફિસનું પણ લોકાર્પણ કરવાના છે. 

4 જુલાઇના રોજ સવારે અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે અને સહપરિવાર ભગવાનના દર્શન કરશે. રથયાત્રાનો કાર્યક્રમ પુરો થયા પછી બપોર બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે.

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news