સુરતમાં પત્નીને ફોન પર અપાયા ત્રિપલ તલાક, ફરિયાદ ના નોંધાતા મહિલા થઇ નિરાશ

મુસ્લિમ મહિલાઓ માટેનું મહત્વનું એવા ત્રિપલ તલાકનાં બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. આ પહેલા સંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું. પરંતુ હજુ સુધી આ બિલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી સુરત શહેરની મહિલાને નિરાશ થવાનો વારો આવ્યો છે

સુરતમાં પત્નીને ફોન પર અપાયા ત્રિપલ તલાક, ફરિયાદ ના નોંધાતા મહિલા થઇ નિરાશ

તેજશ મોદી, સુરત: મુસ્લિમ મહિલાઓ માટેનું મહત્વનું એવા ત્રિપલ તલાકનાં બિલને રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. આ પહેલા સંસદના બંન્ને ગૃહમાં ઐતિહાસિક ત્રિપલ તલાક બીલ પસાર થઈ ગયું. પરંતુ હજુ સુધી આ બિલનો સત્તાવાર કાયદાનો અમલ પોલીસ ન કરી શકતી હોવાથી સુરત શહેરની મહિલાને નિરાશ થવાનો વારો આવ્યો છે. પત્નીને ફોન પર જ તલાક આપી દેનારા પતિ વિરૂધ્ધ સુરતના રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગયેલી મહિલાની ફરિયાદ ત્રિપલ તલાક કાયદા પ્રમાણે પોલીસ ન લઈ શકતાં મહિલાએ નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે.

શું છે સમગ્ર મામલો...
આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે, થોડા દિવસ અગાઉ તેનો પતિ તેને સતત માનસિક ત્રાસ આપતો હતો. મહિનાઓ સુધી પિયર જવા દેતો નહોતો. એક દિવસ પતિ તેને પિયર છોડવા આવ્યો હતો. બાદમાં સાંજે પતિએ જ્યારે પત્નીને ઘરે આવવા ફોન કર્યો તો મહિલાએ ઘરે આવવાની નાં પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા પતિએ ફોન કરી પત્નીને ત્રણ વખત તલાક આપી દીધા હતાં.

આ ઘટનાથી મહિલા હેબતાઈ ગઈ હતી, તેનો એક નાનો બાળક પણ છે, ઘટના બન્યા બાદ મહિલા પોતાના બાળક સાથે પોતાના પિતાના ઘરે રહે છે. ત્રિપલ તલાકનો કાયદો મંજુર થતાં મહિલાને આશા બંધાઈ હતી કે તેને ન્યાય મળશે, અને તેથી જ મહિલા ન્યાય મેળવવા માટે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ કરવા માટે પહોંચી હતી.

જોકે મહિલાએ જ્યારે પોતાની આપવીતી પોલીસને જણાવી તો પોલીસે પોતાની લાચારી બતાવતા કહ્યું કે આ નવા કાયદાને અમલ કરવાનું કોઈ પણ નોટિફિકેશન હજુ તેમની પાસે આવ્યું નથી, જેથી કઈ રીતે ફરિયાદ દાખલ કરી શકે. જોકે મહિલાના પતિ વિરૂધ્ધ ત્રિપલ તલાકની જગ્યાએ દહેજ ધારા હેઠળ ગુનો નોંધવાની પોલીસે તૈયારી દર્શાવી હતી. જો કે આ દહેજની ફરિયાદમાં પતિને આસાનીથી જામીન મળી જાય તેમ હોવાથી મહિલા અરજી આપીને જતી રહી હતી અને કાયદો અમલમાં આવે પછી ગુનો નોંધાવવાની વાત કરી હતી.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news