મોદીના કાર્યકાળમાં નહોતી એવી મનમાની 'દાદા'ના રાજમાં, ભાજપના નેતાઓ જ સરકારથી નારાજ

Bhupendra Patel: મંત્રીઓએ અને અધિકારીઓએ પણ ફોન બહાર મૂકીને જવું પડે છે. જે એક વિશ્વાસનો સવાલ છે. ભાજપ સરકાર કોઈ પણ સંજોગોમાં આ ઓનલાઈનની દુનિયામાં રિસ્ક લેવા માગતી નથી. કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વાત લિક કરવી એ સામાન્ય છે.

મોદીના કાર્યકાળમાં નહોતી એવી મનમાની 'દાદા'ના રાજમાં, ભાજપના નેતાઓ જ સરકારથી નારાજ

Gujarat Government: ગુજરાતમાં મોબાઈલ ફોન બહાર મૂકીને જવાનો મામલો ધીમેધીમે તુલ પકડી રહ્યો છે. જાહેરમાં કોઈ બોલવા તૈયાર નથી પણ ભાજપના નેતાઓ પાછળથી આ મામલે વિરોધ કરી રહ્યાં છે. ભાજપે 156 સીટો પર જીત્યા બાદ મનમાની પર ઉતરી હોય એવી ચર્ચાઓ હાલમાં ભાજપના નેતાઓમાં ચાલી રહી છે. ચીફ મિનિસ્ટર કાર્યાલય તરફથી સ્વર્ણિમ સંકુલના બ્લોક- ૧માં જે પ્રકારની કિલ્લેબંધી કરવામાં આવી છે તેનાથી ભાજપના મોટાભાગના સંસદસભ્યો અને ધારાસભ્યો નારાજ છે. ભાજપના ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા મુખ્યમંત્રીને મળવું હોય તો મોબાઇલ ફોન સિક્યોરિટી જવાન પાસે જમા કરાવવાનો નવો ફતવો સરકારને ભવિષ્યમાં ભારે પડે તેવી દહેશત છે. 

મંત્રીઓએ અને અધિકારીઓએ પણ ફોન બહાર મૂકીને જવું પડે છે. જે એક વિશ્વાસનો સવાલ છે. ભાજપ સરકાર કોઈ પણ સંજોગોમાં આ ઓનલાઈનની દુનિયામાં રિસ્ક લેવા માગતી નથી. કારણ કે સોશિયલ મીડિયાના જમાનામાં કોઈ પણ વાત લિક કરવી એ સામાન્ય છે. એટલે દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે તેમ ભાજપ સરકાર પગલાં ભરી રહી છે. 

સરમુખત્યારશાહી જેવો અનુભવ
આ શા માટે નિર્ણય લેવાયા એ ભાજપના નેતાઓ પણ સમજી શકતા નથી. હવે સચિવાલયમાં પ્રવેશ કરવો હોય તો ત્રણ પ્રકારના સલામતી લેયરને પાર કરવા પડી રહ્યાં છે. પાર્ટીના એક પૂર્વ સિનિયર મંત્રીએ તો ત્યાં સુધી બળાપો કાઢ્યો છે કે ૧૫૬ આવ્યા બાદ સરકારમાં એરોગન્સી વધી રહી છે. સરમુખત્યારશાહી જેવો અમને અનુભવ થઇ રહ્યો છે. અમે પાર્ટીના વિજય માટે મહેનત કરી છે પરંતુ સચિવાલયમાં અમારા માટે અને પ્રકારના નિયંત્રણો મૂકવામાં આવ્યા છે તે યોગ્ય નથી. કોઈ પણ નેતાએ મંત્રી કે મુખ્યમંત્રીને મળવું હોય એ તમામને આ નિયમો લાગુ પડે છે. એટલે ભાજપના નેતાઓને આ અપમાન જેવું લાગી રહ્યું છે. 

ગુજરાતના પનોતાપુત્ર એવા નરેન્દ્ર મોદી હાલમાં પીએમ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ૧૨ વર્ષ સુધી શાસન કર્યુ છે પરંતુ તેમણે ક્યારેય આવા નિયંત્રણો મૂક્યાં નથી. મોદીનો પ્રભાવ જ એવો હતો કે, તેમને કોઈ પણ પ્રકારના નિયંત્રણો મૂકવાની જરૂર જ નહોતી. એમની કરડાકી ભરી આંખથી ભાજપના નેતાઓ અને આઈએએસ અને આઈપીએસ સમજી જતા કે ક્યાં અટકવાનું છે. મોદી હંમેશાં બાબુશાહી પર પૂરો ભરોસો મૂકે છે એટલે જ મોદી દિલ્હી હોવા છતાં રજેરજની વિગતો મોદી સુધી ગુજરાતની પહોંચે છે. એનું મુખ્ય કારણ અમલદારશાહી છે. 

હાલમાં સરકારના આઈએએસ અધિકારીઓને પણ મોબાઈલ ફોન બહાર મૂકીને જવો પડે છે. ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાર્ટીના જ પ્રતિનિધિઓને શંકાની નજરથી જોવામાં આવી રહ્યાં છે. નેતાઓ એવો બળાપો કાઢી રહ્યાં છે કે આજદીન સુધી નહોતું થતું અને હવે એવું કયું સિક્રેટ કામ સ્વર્ણિમ સંકુલમાં થઇ રહ્યું છે કે કેબિનેટના મંત્રીઓ, સંસદસભ્યો, ધારાસભ્યો અને પાર્ટીના પદાધિકારીઓને મોબાઇલ ફોન બહાર મૂકીને આવવું પડી રહ્યું છે. 

ભાજપની આ અમારી સરકાર શું છૂપાવવા માગે છે તે સમજાતું નથી. સરકાર સામે સંગઠનની નારાજગી વધે તે પહેલાં આવા નિયંત્રણોથી પાર્ટીના નેતાઓને મુક્ત કરવાની નેતાઓ માગણી કરી રહ્યાં છે. ગુજરાતમાં હાલમાં ભૂપેન્દ્ર પટેલ સામાજિક કારણોસર કેટલાક દિવસો ગાંધીનગર સચિવાલયમાં જોવા નહીં મળે પણ આ મામલો ભાજપના નેતાઓને પણ કઠી રહયો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news