અરવલ્લીની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની પહેલ, અનોખી રીતે બાળકોનું કરે છે વેલકમ

શાળાઓનું વેકેશન ખુલતાજ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠે છે. પરંતુ જે બાળકો પહેલી વખત શાળાએ જતા હોય તેમજ જે બાળકોનું બદલાય તેવા બાળકો શાળામાં શરૂઆતના દિવસોમાં મૂંઝવણ અનુભવતા હોય છે.

અરવલ્લીની પ્રાથમિક શાળામાં શિક્ષિકાની પહેલ, અનોખી રીતે બાળકોનું કરે છે વેલકમ

સમીર બલોચ, અરવલ્લી: શિક્ષણની હરણ ફાળમાં ખાનગી સ્કૂલો ફૂલી ફાલી છે. ત્યારે સરકારી શાળાઓમાં બાળકોની ગેર હાજરી ઓછી થાય, ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને શાળામાં બાળકોની સંખ્યા વધે અને બાળકનું શિક્ષણ પ્રત્યે આકર્ષણ વધે તેમજ બાળક અને શિક્ષક વચ્ચે આત્મીયતા વધે તે માટે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલ કેનપુરકંપા પ્રાથમિક શાળાના શિક્ષિકાએ કરી છે અનોખી પહેલ.

શાળાઓનું વેકેશન ખુલતાજ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠે છે. પરંતુ જે બાળકો પહેલી વખત શાળાએ જતા હોય તેમજ જે બાળકોનું બદલાય તેવા બાળકો શાળામાં શરૂઆતના દિવસોમાં મૂંઝવણ અનુભવતા હોય છે. તેમને બદલાયેલા ધોરણ અને બદલાયેલા શિક્ષક સાથે કેવી રીતે તાલમેલ કરવો તે માટે શરૂઅતના દિવસોમાં ઘણું અઘરું લાગતું હોય છે. જેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડે છે. ત્યારે આ બધી વાતોથી ઉપર સારા અભિગમ સાથે જો બાળકોને શાળાએ આવકાર મળે તો બાળકો હોંશે હોંશે શાળામાં અભ્યાસ કરવા આવે.

ધનસુરા તાલુકાના કેનપુર કંપામાં આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ભાવનાબેન પટેલ દ્વારા આ વર્ષે શાળામાં બાળકોને આવકારવા માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે. ભાવના બેન પટેલ દ્વારા શાળામાં પ્રાર્થના પુરી થયા બાદ જ્યારે પ્રથમ વખત બાળકો કલાસરૂમમાં આવે ત્યારે તેમના બોર્ડ પર દોરેલા ચિત્રો પર બાળક આંગળી મૂકે ત્યારબાદ જે પ્રકારના ચિત્ર પર બાળક દ્વારા આંગળી મુકવામાં આવે તે પ્રકારે શાળાના વર્ગ શિક્ષક ભાવના બેન પટેલ દ્વારા બાળકને અવકારવામાં આવે છે.

જેમકે બોર્ડ પર દિલ, હાથ, હોઠ જેવા ચિત્રો દોરેલા હોય છે. જો બાળક તાળી આપતા ચિત્ર પર આંગળી મૂકે તો બાળકને તાળી આપી વેલકમ કરવામાં આવે છે. બાળક દિલ પર આંગળી મૂકે તો તેને પ્રેમથી ભેટવામાં આવે છે. આવી અનોખી રીતે બાળકને આવકારવાની પહેલ ભાવનાબેન પટેલ દ્વારા કરવામાં આવી છે. શાળા વેકેશન દરમ્યાન ભાવના બેન પટેલે જાપાન અને અરબના દેશોમાં બાળકોને શાળામાં કેવી રીતે આવકારવામાં આવે છે તે અંગેના કેટલાક વીડિઓ તેમને જોયા હતા.

તે વિડિઓના આધારે તેમને પ્રેરણા મળી કે તે પણ પોતાની શાળામાં એક અનોખી પહેલ કરે અને કંઈક અલગ અંદાજમાં બાળકોને આવકારે. જેથી ભાવનાબેન પટેલે તેમના વર્ગખંડમાં બાળકો સાથે આ અનોખી પહેલ શરૂ કરી છે. જેના કારણે બાળકોમાં પણ નવો માહોલ જોવા મળી રહ્યો છે. બાળકો પણ ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે અને શિક્ષક તેમજ શિક્ષણ કાર્ય પ્રત્યે બાળકોનું વલણ પારદર્શક અને કોઈ પણ પ્રકારના ડર કે ભય વગર શાળાએ આવી રહ્યા છે.

જેવી રીતે ભાવના બેન પટેલ દ્વારા બાળકોને શિક્ષણમાં રસ વધે અને શિક્ષકોનો ડર દૂર થાય તે માટે શરૂ કરવામાં આવેલી આ પહેલ હાલતો ખૂબ અવકારવામાં આવી રહી છે. સાથે સાથે શાળામાં બાળકોને શિક્ષણની સાથે પ્રાણી અને પ્રકૃતિ પ્રેમ વધે તેવા પ્રયત્નો પણ કરવામાં આવે છે. જેમાં શાળામાં બિલાડીને ખવડાવવાનું, કબૂતરોને દાણા નાખવા જેવી અનેક પ્રવૃત્તિઓ દ્વારા બાળકના સર્વાંગી વિકાસનું ધ્યાન રાખવામાં આવે છે. તેવામાં ભાવનાબેનની આ પહેલતો અન્ય શિક્ષકો માટે પ્રેરણા રૂપ છે.

 

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news