લવ અફેર્સના વીડિયો યુવકને ભારે પડ્યા! ગુજરાતમાં પોલીસે 23 દિવસમાં કોયડારૂપ હત્યાનો ગુનો ઉકેલ્યો!

લવ અફેર્સના વીડિયો બતાવીને બ્લેકમેલ કરતા મિત્રને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને પોતાની જ વાડીમાં દફનાવી દેનાર હત્યારા મિત્રોને જલાલપોર પોલીસે 23 દિવસોની મથામણ બાદ પકડીને જેલને હવાલે કરી, કોયડા રૂપ હત્યાનો ગુનો ઉકેલી નાંખ્યો છે. 

લવ અફેર્સના વીડિયો યુવકને ભારે પડ્યા! ગુજરાતમાં પોલીસે 23 દિવસમાં કોયડારૂપ હત્યાનો ગુનો ઉકેલ્યો!

ધવલ પરીખ/નવસારી: નવસારીના જલાલપોર પોલીસ મથકે ગત 24 ડીસેમ્બરે, અબ્રામા ગામે રહેતા અને રીક્ષા ચાલક નિસાર કાપડીયાએ તેમનો 21 વર્ષીય પુત્ર મોહમદ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. નિસારની ફરિયાદ નોંધાયા બાદ હરકતમાં આવેલી જલાલપોર પોલીસે મોહમદના મિત્રો સહિત તેના ફોન કોલ્સ, ગામના સીસીટીવી કેમરા વગેરેની તપાસ કરી, તો મોહમદને ચીખલી તાલુકાના એક ગામની યુવતી સાથે પ્રેમ સબંધ હતો. જેમાં યુવતીના મિત્ર અને સંબંધીને મોહમદે ગુમ થયાની રાતે ફોન કર્યાનું જાણતા જ પોલીસે બંનેને ઉઠાવીને પૂછપરછ કરી, પરંતુ પોલીસને હાથે કંઈ ચઢ્યું ન હતું. 

બીજી તરફ અબ્રામામાં જ રહેતો મોહમદનો મિત્ર માઝ ઈરફાન મોટરવાલા તેને 23 ડીસેમ્બરે ગામમાં લગ્ન પ્રસંગમાંથી ક્યાંક લઇ ગયો હતો અને એણે અબ્રામામાંથી અમલસાડ મુખ્ય માર્ગ પર એસ્સાર પેટ્રોલ પંપ પાસેથી મોહમદ કોઈ અજાણ્યા બુકાનીધારી સાથે બાઇક ઉપર જતો રહ્યો હોવાની વાત કરી હતી. પરંતુ પોલીસને તેની વાત ઉપર શંકા જવા સાથે જ મોહમદ કોની કોની સાથે વધુ ફરતો હોવાનું જાણી, પોલીસે મોહમદ, માઝ મોટરવાલા, ઇનાયત હારૂન તાઈ અને સાજીદ ગુલામહુસેન મુલ્લાના ફોન રેકોર્ડ ચકાસ્યા હતા. જેમાં ચારેયનું લોકેશન એક જ જગ્યાએનું નીકળતા પોલીસે ઇનાયત, સાજીદ અને માઝને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં માઝ ભાંગી પડતા મોહમદની હત્યાનો ભેદ ખુલી ગયો હતો.

મોહમદ કાપડિયા અને ઇનાયત તાઈ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. જેમાં મોહમદની મોબોલી બહેન સાથે ઇનાયતને પ્રેમ હતો. પરંતુ ઇનાયતનું કેરેક્ટર વ્યવસ્થિત ન હોવાથી મોહમદ તેની બહેનને તેની સાથે પ્રેમ સબંધ ન રાખવા અને લગ્ન ન કરવા સમજાવતો હતો. દરમિયાન મોહમદે ઇનાયતના ગામની જ કોઈ અન્ય યુવતી સાથે તેના અફેરનો વીડીયો બનાવી લીધો હતો. જેને પણ તેની બહેનને બતાવ્યો હતો. પરંતુ તેની બહેને લગ્ન બાદ ઇનાયત સુધરી જશે એવી આશા વ્યક્ત કરી હતી. દરમિયાન મોહમદની મોબોલી બહેન સાથે લગ્ન કરી ઇનાયત દુબઈ જતો રહ્યો હતો. પરંતુ બે વર્ષ અગાઉ તેની પત્નીનું અકાળે મોત થતા સમગ્ર ઇનાયત પરત નવસારી આવી ગયો હતો. બીજી તરફ મોહમદ ઇનાયતને પણ તેનો પ્રેમિકા સાથેનો વીડીયો બતાવી બ્લેક મેલ કરી રૂપિયા પડાવી રહ્યો હતો. સાથે જ અન્ય મિત્રોને પણ ઇનાયતનો વીડીયો બતાવ્યો હતો. જેથી ઇનાયતમાં મોહમદ માટે નફરતનો જ્વાળામુખી ભભૂકી રહ્યો હતો. જેથી ઇનાયાતે મોહમદની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. જેમાં સાજીદ અને માઝને સામેલ કર્યા હતા. 

પ્લાન મુજબ ગત 23 ડિસેમ્બરની રાતે માઝ, મોહમદને લગ્નમાંથી બોલાવી ગયો હતો અને બંને ચાલતા ચાલતા એસ્સાર પેટ્રોલ પંપ પાસે પહોંચ્યા હતા. જ્યાંથી ઇનાયત અને સાજીદ કારમાં મોહમદ તેમજ માઝને સાથે બેસાડી સરાવ ગામના તળાવે લઇ ગયા હતા. જ્યાં પ્લાન મુજબ મોહમદને દારૂ પીવડાવ્યા બાદ તેના પ્રેમમાં દુશ્મન બની રહેલા ચીખલીની પ્રેમિકાના મિત્ર અને સંબંધીને મોહમદના મોબાઈલ પરથી ફોન કરાવી, તેમને ગાળો ભાંડવા સાથે જોઈ લેવાની ધમકી અપાવી હતી. બાદમાં મોહમદ ગુસ્સામાં ગાળા ગાળી કરવા લાગતા ઇનાયાતે તેને લાત મારી હતી. જેમાં દારૂના નશામાં મોહમદે ઇનાયત સાથે પણ માથાકૂટ કરતા ઇનાયાતે કારમાં મુકેલ બેઝબોલની બેટથી તેના માથામાં બે પ્રાણઘાતક વાર કરી તેને ઢાળી દીધો હતો. જયારે સાજીદે રૂમાલથી મોહમદનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

બાદમાં તેના મૃતદેહને કારમાં નાંખી 2 કિમી દૂર અબ્રામાં ગામે આવેલી ઈનાયતની વાડીમાં જઈ, મૃતદેહને પ્લાસ્ટિક બેગથી લપેટી, 3 ફૂટ ઊંડો ખાડો ખોદી દફનાવી દીધો હતો. ત્યારબાદ બીજે દિવસે મોહમદની માતાએ ઇનાયતને ફોન કરી પૂછ્યું તો તેને શોધવાનો ડોળ કરી, માઝને બોલાવીને ખખડાવ્યો પણ હતો. સાથે જ મોહમ્મદના મોબાઈલમાંથી તેની માતાને વ્હોટ્સએપ મેસેજ કરીને પોલીસ ફરિયાદ નહી કરવા અને જો કરશે તો તેને હત્યા થશે એવો મેસેજ કરીને ધમકાવી પણ હતી. પરંતુ જલાલપોર પોલીસની કડક તપાસમાં ફૂલ પ્રૂફ પ્લાનિંગ સાથે હત્યા કરી દફનાવી દીધેલા મોહમદ કાપડીયાનો મૃતદેહ મળી આવ્યો હતો. 

જેને પોલીસે ગત રોજ આરોપી માઝ મોટરવાલાને સાથે રાખી SDM, DySP, FSL તેમજ સ્થાનિક ડોકટરોને સાથે રાખીને વીડીયો ગ્રાફી સાથે બહાર કાઢી, પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી. સાથે જ સરાવ ગામના તળાવમાંથી મોહમદનો મોબાઈલ ફોન, બેઝ સ્ટીક શોધી, હત્યામાં વપરાયેલી કાર સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. હત્યારા ઇનાયત તાઈ, સાજીદ મુલ્લા અને માઝ મોટરવાલાની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news