આંગણવાડીના ભૂલકાઓ પણ હવે યુનિફોર્મથી શોભશે! જામનગરમાં યોજાયો કીટ વિતરણનો કાર્યક્રમ

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને જિલ્લાના 24,889 વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો

આંગણવાડીના ભૂલકાઓ પણ હવે યુનિફોર્મથી શોભશે! જામનગરમાં યોજાયો કીટ વિતરણનો કાર્યક્રમ

મુસ્તાક દલ, જામનગરઃ જામનગરમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની 309 આંગણવાડીઓના 5041 તથા જિલ્લા પંચાયત હસ્તકની 888 આંગણવાડીઓના 19,848 બાળકો મળી સમગ્ર જિલ્લાના 3 થી 6 વર્ષની ઉંમરના કુલ 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રતીકરૂપે 12 બાળકોને યુનિફોર્મ તથા હાઈજીન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના 3 થી 6 વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જામનગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત હસ્તકની 888 તેમજ મહાનગર પાલિકા હસ્તકની 309 આંગણવાડીઓના 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવનાર છે. રાજય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ સાથે જ ફરી એકવાર પુરવાર થયું છે કે સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે.

આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનોની ઉત્તમ કામગીરીને બિરદાવતા રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવતા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યકર બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. બાળકના આરોગ્યની દેખભાળ, રસીકરણ, રેફરલ સેવા, પોષણ, શિક્ષણ વગેરે બાબતે આ બહેનો બાળક માટે માતા યશોદાની ભૂમિકા ભજવે છે અને તેથી જ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને માતા યશોદાના ખિતાબથી નવાજવામાં આવે છે. કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રતીકરૂપે હાઈજીનન કીટ તથા ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, મહાનગરપાલિકા કમિશનર વિજય ખરાડી તથા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ હાજર રહ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news