રોગાનથી ભરતગુંથણ સુધી..કચ્છે આજ સુધી સાચવ્યા છે ભાતીગળ કસબ

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, વરસે તો વાગડ ભલો પણ મારો કછડો બારે માસ...કચ્છે પોતાની કલાને સાચવીને રાખી છે. કચ્છ જાઓ એટલે તમને તેની ઝલક દરેક જગ્યાએ જોવા મળે. કચ્છની કલા ન માત્ર ભારત પરંતુ આખી દુનિયા સુધી પહોંચી છે. ત્યારે ચાલો જાણીએ કચ્છના એ કસબને...

રોગાનથી ભરતગુંથણ સુધી..કચ્છે આજ સુધી સાચવ્યા છે ભાતીગળ કસબ

ફાલ્ગુની લાખાણી,અમદાવાદઃ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કચ્છ ભાતીગળ વારસા અને સંસ્કૃતિનું પણ કેન્દ્ર છે. પરંપરાગત ભુંગાથી ભીંત ચિત્રો અને ભરતગુંથણ સુધી કચ્છે પોતાની કલાને સાચવીને રાખી છે. કચ્છ જાઓ એટલે તમને તેની ઝલક દરેક જગ્યાએ જોવા મળે. કચ્છની કલા ન માત્ર ભારત પરંતુ આખી દુનિયા સુધી પહોંચી છે. ત્યારે ચાલો જાણીએ કચ્છના એ કસબને...

માવજતથી બનતુ મુલાયમ મશરૂ
બહારથી રેશમી અને અંદરથી સુતરાઉ કાપડને મશરૂ કહેવામાં આવે છે. મશરૂનું વણાટકામ ધીરજ અને સૂઝબૂઝ માંગી લે તેનું કામ છે. સિલ્ક અને સુતરાઉ કપડાના ઉપયોગથી બનતું મશરૂની દેશ અને દુનિયામાં માંગ છે. મશરૂમાં આઠ પડ, 11 પડ અને 22 પડનું વણાટકામ થાય છે. મશરૂના કપડા ઉઠીને આવે છે અને પહેરનારને શોભી ઉઠે છે.

(તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

ઓબામા જે કલા પર ઓવારી ગયા તે રોગન
અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને 2014માં પ્રધાનમંત્રી મોદી એક ખાસ ભેટ આપી હતી. ટ્રી ઓફ લાઈફ નામની આ કલાકૃતિ કચ્છના કસબી અને પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રીએ બનાવી હતી. અને જે કસબ હતો તેનું નામ છે રોગન. રોગન એક પર્શિયન કળા છે. જેને કાપડ પર ઉતારતા સમયે કોઈ ભાત નથી પાડવામાં આવતી. સીધુ રંગોથી તેને કાપડ પર ઉતારવામાં આવે છે. એટલે જ તેને આર્ટ ફ્રોમ હાર્ટ કહે છે.

(તસવીર સૌજન્યઃ કચ્છ અજરખ ફેસબુક)
ઠંડીમાં હૂંફ અને ગરમીમાં શીતળતા આપે તે અજરખ
અજરખ કચ્છની વિશેષ ઓળખ છે. જેની બનાવટ ખૂબ જ ખાસ હોય છે. અજરખ ઠંડીમાં હૂંફ અને ગરમીમાં શીતળતા આપે છે. અજરખ સંપૂર્ણ કુદરતી રીતે બનતું કાપડ છે. તેમાં જડીબુટ્ટીઓ અને વૃક્ષમાંથી બનતી ડાઈનો ઉપયોગ કરવામાં આવે છે.

લુપ્ત થઈ રહેલી કળા નામદા
ઊનમાંથી બનતી વસ્તુઓને સૌ કોઈ પસંદ કરે છે. ઊનથી વસ્તુઓ બનાવવાની આવી જ એક કળા છે નામદા. જેમાં ઘેટાંના ઊનને વણવાના બદલી તેને હાથથી પલાળી ચોંટાડવામાં આવે છે. આ રીતે વસ્તુઓ બનાવવી ખૂબ જ ખાસ હુન્નર અને ખંત માંગી લે તેવી કળા છે. નામદા કળાના ગાલીચા, આસન, દુપટ્ટા બનાવવામાં આવે છે.

ભરતગુંથણ
મનમોહક રંગો અને અદ્ભૂત કારીગરી. આભલા, દોરાથી કરવામાં આવતું વર્ક એટલે ભરતગુંથણ. કચ્છની મહિલાઓને ભરતગુંથણનો કસબ વારસામાં મળે છે. કપડા પર પડતી ભાત જોઈને જ ખરીદવાનું મન થાય તેવી હોય છે. ખાસ કરીને રબારી કોમની મહિલાઓ ભરતગુંથણમાં નિષ્ણાંત હોય છે. હવે તો આ કળાને વિદેશ સુધી ખ્યાતિ મળી છે. કચ્છમાં બનેલી ભરતગુંથણના દુપટ્ટા, પર્સ, સ્ટોલ, ચણિયાચોળી વિદેશ સુધી જાય છે.

માનવજાતિનો ઈતિહાસ દર્શાવતું માટીકામ
માનવસભ્યતાની શરૂઆત થઈ ત્યારથી જ માટીના વાસણો ચલણમાં છે અને એમાં પણ જ્યારે કચ્છનો કસબ ભળે ત્યારે બેજોડ કૃતિઓ સર્જાય છે. કચ્છના ખાવડાનું માટીકામ પ્રખ્યાત છે. માટીના વાસણોને હાથની હૂંફથી આકાર આપવામાં આવે છે અને તેના પર કુદરતી રંગોથી ડિઝાઈન કરવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news