સાહસ જેના જેના રોમ રોમમાં વ્યાપેલું છે, તેવી ગુજરાતની એકમાત્ર પ્રજા એટલે કચ્છીઓ...

સાહસ જેના જેના રોમ રોમમાં વ્યાપેલું છે, તેવી ગુજરાતની એકમાત્ર પ્રજા એટલે કચ્છીઓ...

લોકોના મગજમાં જ્યારે પણ કચ્છની વાત આવે ત્યારે સૌથી પહેલા ભૂકંપ યાદ આવે. આ એ જ જિલ્લો છે, જેની પ્રજાએ હંમેશા તેનું સાહસ બતાવ્યું છે, પછી તે ભૂકંપની તારાજીમાંથી ફરીથી બેઠા થવાની વાત, કે પછી હજારો માઈલ દૂર દરિયો ખેડવાની વાત હોય. આજે વાત કરીએ આવા જ સાહસી જિલ્લાના સાહસિક લોકોની.

કચ્છની વિશેષતા
કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો કહેવાય છે. આ દ્રષ્ટિએ તે લોકસભાનો પણ સૌથી મોટો મત વિસ્તાર પણ છે. તે 45,652 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. કચ્છ એ ભાતીગળ જિલ્લો કહેવાય છે. અહીંના લોકોનો મિજાજ અનોખો છે. કચ્છીઓ અત્યંત ખમતીલી અને મહેનતુ પ્રજા કહેવાય છે. વતનપ્રેમ માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. મોટાભાગના કચ્છીઓ સાહસિક હોય છે. કચ્છી પ્રજા દરિયાખેડુ પ્રજા તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. મુંબઈમાં કચ્છીઓનો દબદબો છે. આજે પણ મુંબઈમાં મોટા શેખાવત (ચેરિટી) કચ્છી મહાજનો દ્વારા કરવામાં આવે છે. મુંબઈમા વસતા કચ્છીઓ તેમના વતન માટે કંઈ પણ કરવા તૈયાર રહે છે, જેનું મોટુ ઉદાહરણ ભૂકંપ છે. કચ્છ એટલે અડધા મુંબઈની ઈકોનોમી. મુંબઈમાં શેરબજાર, ઝવેરી બજાર, લોખંડ બજારમાં કચ્ચીઓનો દબદબો છે.  

Kandla Port Trust

કચ્છના ઉદ્યોગો
કચ્છના ઉદ્યોગો ગુજરાતના વિકાસની ધોરી નસ કહેવાય છે. લિગ્નાઈટ, બોક્સાઈટ, ચૂનો, બેન્ટોનાઈટ, જિપ્સમ જેવા ખનીજ, દરિયાઈ સંપત્તિ, પશુપાલન સંપત્તિ, ખેતીવાડી, બંદર વગેરેમાં કચ્છ જિલ્લો મોખરે રહ્યો છે. કચ્છમાં સૌથી મોટો ઉદ્યોગ મીઠાનો છે. રાજ્યનું 70 ટકા મીઠું કચ્છમાં પાકે છે અને તેની મોટાપાયે નિકાસ કરવામાં આવે છે. અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, ભચાઉ અને રાપરમાં મીઠાનો ઉદ્યોગ વિકાસ પામ્યો છે. આ જિલ્લામાં મીઠાના કારખાનાના 159 જેટલા લાયસન્સ ઈશ્યુ થયેલા છે, જેના પરથી તેનું ઉત્પાદન જાણી શકાય છે. ગુજરાતને મળેલા 1600 કિમી દરિયા કિનારામાંથી 360 કિમીનો દરિયો કચ્છ પાસે છે. તેથી અહીં માંડવી, મુન્દ્રા, જખૌ, તુણા અને કંડલા જેવા બંદરો વિકાસ પામ્યા છે. કંડલા ગુજરાતનું એકમાત્ર ઈન્ટરનેશનલ બંદર છે. ગાંધીધામ, કંડલા વગેરે શિપિંગ ઉદ્યોગો તરીકે ફેમસ છે. બંદરોને કારણે અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ ફુલ્યોફાલ્યો છે. કચ્છમાં પાનધ્રો, માતાના મઢ, ઉંમરસર ખાતે લિગ્નાઈટની ખાણો આવેલી હોવાથી અહીં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ વિકસ્યો છે. માંડવીમાં જહાડવાડો પણ આવેલો છે. જ્યાં લાકડાના નવા જહાજો ખરીદવાનું તેમજ સમારકામ થાય છે. 

ફરવાલાયક કચ્છ
હાલ કચ્છમાં ફરવાલાયક સ્થળની વાત કરીએ તો સૌથી પહેલુ નામ કચ્છના સફેદ રણનું આવે. પ્રવાસનમાં કચ્છ જિલ્લો ફૂલ્યોફાલ્યો છે. માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, લખપતનો કિલ્લો, આયના મહેલ, પ્રાગ મહેલ, વિજય વિલાસ પેલેસ, જેસલ તોરલ સમાધિ જેવા અનેક સ્થળો આવેલા છે. બિઝનેસના કામથી કચ્છ આવતા લોકોમાં આ સ્થળો અત્યંત લોકપ્રિય છે. તેમાં પણ વડાપ્રધાન મોદીએ જ્યારથી કચ્છના સફેદ રણનો પ્રચાર કર્યો છે, ત્યારથી હવે કચ્છ વિદેશી પ્રવાસીઓ માટે પણ આકર્ષણ બની ગયું છે. અહીં સફેદ રણમાં દર વર્ષે રણોત્સવ ઉજવાય છે. ઉદ્યોગો બાદ કચ્છ હવે પ્રવાસનમાં પણ અગ્રેસર બની ગયું છે. કચ્છમાં અનેક અભ્યારણ્યો પણ આવેલા છે. જેમાં ઘુડખર, કચ્છ રણ અભ્યારણ્ય, નારાયણ સરોવર ચિંકારા અભ્યારણ્ય, બન્ની ઘાસભૂમિ આરક્ષિત વિસ્તાર તથા છારી કળણ સંવર્ધન વિસ્તારો એ વાઈલ્ફલાઈફ પ્રેમીઓથી ધમધમતા રહે છે. કચ્છમાં ફરવા જેવા બે બીચ છે. એક માંડવી અને બીજો પિંગલેશ્વર. બંને ગુજરાતના ફેમસ બીચ છે.

કલાનો વિકાસ
કચ્છી કલાનો ચાહકવર્ગ આખા વિશ્વમાં ફેલાયેલો છે. કચ્છના અનેક ગામ એવા છે, જ્યાં મહિલાઓ ઘર-ઘર કચ્છી આર્ટવર્ક કરે છે. અહીંથી આ આર્ટવર્ક વિશ્વના અનેક દેશોમાં જાય છે. ભુજથી 8 કિમી આગળ એક નાનકડું ગામ આવેલું છે, નામ છે ભૂજોડી. આ ભૂજોડી ગામ એટલે કારીગરોનું ગામ. તેને કચ્છનું ટેક્સટાઇલ હબ કહેવાય છે, જ્યાં આવનારા લોકોને આ પ્રકારના કારીગર, વણકર અને બ્લોક પ્રિંટર્સ જોવા મળે છે. જ્યાંની કલાનો જોટો જડે તેમ નથી. 

ખાણીપીણી
કચ્છનું ફેમસ ફૂડ છે દાબેલી. દાબેલીની શોધ માંડવી પ્રાંતમાં થઈ હતી. આ ઉપરાંત સ્થાનિક લોકોમાં ખીરાભાત અને ચકરડા પકવાન પણ બહુ જ ફેમસ છે. કચ્છના રણોત્સવમાં પણ કચ્છી આઈમ્સ સર્વ કરવામા આવે છે. આ ઉપરાંત ગુલાબ પાક માટે પણ કચ્છ ફેમસ છે. 

કચ્છની બીજી પણ અનેક વિશેષતાઓ છે. કહેવાય છે કે, કચ્છનું નામ તેના કાચબા જેવા આકારને કારણે પડ્યું હશે. પ્રાચીન મહાનગર ધોળાવીરા, કે જે પુરાતન સિંધુ સંસ્કૃતિ વિકસી હતી ત્યારનું ગણાય છે. અહીં પ્રાચીન અશ્મીઓ મળી આવેલ છે. તો કચ્છ એ પાકિસ્તાનની બોર્ડર પર આવેલો જિલ્લો છે. કચ્છીઓનો દરિયાપારના કિસ્સાઓ પર તો પુસ્તકો લખાયા છે. કચ્છથી વહાણ માર્ગે આફ્રિકા, ઓમાન વગેરેની કચ્છીઓની સફર ઈતિહાસના પાનાંઓમાં અંકિત થયેલી છે.  

કચ્છમાં રાજકારણ
રાજનીતિમાં આઝાદીથી લઈને શરૂઆતમાં કોંગ્રેસનું વર્ચસ્વ હતું. કોંગ્રેસના ઘણા સ્થાનિક આગેવાનોએ કોંગ્રેસ વિચારધારાનો પાયો નાંખ્યો હતો. 1960 પછી કચ્છમાં સ્વતંત્ર પક્ષ અને ભારતીય જનસંઘના મૂળિયા વધુ ઊંડા થવા લાગ્યા. જેના પાછળ અનંતરાય દવેનો મોટો ફાળો હતો. જે સમય જતા ભાજપના નામે ઓળખાયા. આમ, ગુજરાતમાં કચ્છનો પહેલેથી જ ભાજપનો પ્રભાવ રહ્યો છે. 1990 પછી કચ્છ ભાજપનું ગઢ બની ગયું. આજે વિધાનસભાની પાંચ બેઠક પર ભાજપનો દબદબો છે. કચ્છની રાપર, અબડાસા, ભૂજ, માંડવી, અંજાર પર ભાજપનું શાસન છે. કચ્છનો ઝુકાવ હંમેશાથી સત્તાધારી પક્ષ તરફ રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news