ગર્લ્સ હોસ્ટેલમાં બની હોસ્પિટલ, કચ્છી માડુઓની ખરી ખુમારી જોવા મળી

ગુજરાતમાં જેવી કોરોનાની બીજી લહેરનો કહેર વરસવો શરૂ થયો કે કચ્છ જિલ્લામાં પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પરના ગામ નખત્રાણામાં કોવિડ-19 (Covid 19) પેશન્ટ માટે નવી સુવિધા શરૂ કરવાની તાત્કાલિક આવશ્યકતા ઊભી થઈ.

ગર્લ્સ હોસ્ટેલમાં બની હોસ્પિટલ, કચ્છી માડુઓની ખરી ખુમારી જોવા મળી

નખત્રાણા: ".. મારા માટે આ નવું જીવન છે, કદાચ ખુદાની પણ એવી જ ઈચ્છા હશે, કે માનવીય પ્રેમ સાથેની સારવાર મને કોરોના મુક્ત કરવામાં નિમિત્ત બને" આ શબ્દો છે, ગુજરાત (Gujarat) ના સરહદી જિલ્લા કચ્છના એકદમ છેવાડે પાકિસ્તાનને જોડતા સીમાવર્તી ગ્રામીણ વિસ્તાર દોલતપર ગામના અલીમહમદ ઈબ્રાહિમ કુંભારના!!

જોકે, નખત્રાણા (Nakhtrana) મધ્યે ઊભા કરાયેલા સામુદાયિક કોવિડ કેર (Covid Care) સેન્ટરમાં સારવાર લઈ રહેલા ગ્રામીણ વિસ્તારના અન્ય દર્દીઓ વાલુબેન કાનાભાઈ રબારી આ સેન્ટરના આરોગ્ય કર્મીઓને દિલથી આશીર્વાદ આપી રહ્યા છે. વાલુબેને કહ્યું હતું,‘આ કોવિડ સેન્ટર(Covid Care Center) માં ઉત્તમ વ્યવસ્થા છે, દર્દીઓને ભોજનથી લઈને સારવાર સુધી ખૂબ જ સારી વ્યવસ્થા છે.’

જ્યારે લક્ષ્મીચંદ માવજી રાજગોર પણ અહીં તેમની થયેલી સારવાર થી ખૂબ જ ખુશ છે. રાજગોરે કહ્યું હતું, ‘નખત્રાણા (Nakhtrana) ખાતેની આ કોવિડ-19 (Covid 19) માટેની હોસ્પિટલમાં દર્દીઓનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે ઉપરાંત સારામાં સારી સારવાર આપવામાં આવે છે. એટલું જ નહીં, અહીં દર્દીઓ માટે સવારથી રાત સુધી ચા-પાણી, નાસ્તો અને ભોજનની ખૂબ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે.’

વાત નખત્રાણા મધ્યે કન્યા છાત્રાલયમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરની છે. અહીં મુલાકાત લેતા એવું જ લાગે કે આ કોઈ કન્યા છાત્રાલય નથી પણ એક પૂર્ણ સ્વરૂપનું હેલ્થ કેર સેન્ટર છે. ગુજરાતમાં જેવી કોરોનાની બીજી લહેરનો કહેર વરસવો શરૂ થયો કે કચ્છ જિલ્લામાં પાકિસ્તાનને સ્પર્શતી સરહદ પરના ગામ નખત્રાણામાં કોવિડ-19 (Covid 19) પેશન્ટ માટે નવી સુવિધા શરૂ કરવાની તાત્કાલિક આવશ્યકતા ઊભી થઈ. કચ્છ (Kutch) ના દાતાઓનાં ઉદાર દાનથી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ સંચાલિત આ કોવિડ કેર સેન્ટર શરૂ થયું. ખાસ વાત એ છે કે, માત્ર એક અઠવાડિયામાં જ અહીં ૧૫૪ બેડ ધરાવતી હોસ્પિટલ ઊભી કરી દેવાઈ. જેમાં ૫૦ બેડ ઓક્સિજનની સુવિધા સાથેના છે.

અહીં વ્યવસ્થા સંભાળતા ડો. શાંતિલાલ સેંઘાણી અને ભરત સોમજીયાણી કહે છે કે, આજે કોરોનાની બીજી લહેરમાં જ્યારે દેશના મોટા શહેરો પણ દર્દીઓની સારવારમાં હાંફી રહ્યા છે, ત્યારે આ પ્રકારના સામુદાયિક કોવિડ કેર સેન્ટર (Covid Care Center) મોટી હોસ્પિટલો ઉપરનું ભારણ દૂર કરવામાં ખૂબ જ લાભદાયી પુરવાર થાય છે. અહીં સરકાર, વિવિધ સમાજો, ધારાસભ્ય સહિત તમામ પક્ષના રાજકીય આગેવાનો અને  લોકોએ એક થઈને કોરોના સામેની સારવારનો પડકાર ઝીલી પોતાનું યથાશક્તિ યોગદાન આપી રહ્યા છે.

પાકિસ્તાન (Pakistan) ની સરહદને અડીને આવેલા અંતરીયાળ તાલુકાઓ લખપત, અબડાસા ઉપરાંત નખત્રાણા તાલુકો એ ત્રણેય તાલુકાના ૪૨૫ ગામો માટે કોવિડ કેર સેન્ટર (Covid Care Center)  ઉભુ કરવું એ બહુ જ મોટો પડકાર હતો. કારણ કે, છેક અંતરિયાળ ગામોથી મુખ્ય શહેરો ભુજ (Bhuj) અને ગાંધીધામની કોવિડ હોસ્પિટલોમાં સારવાર માટે પહોંચવા બે થી ચાર કલાકનું અંતર કાપવું પડે. ત્યારે અત્યારની વ્યવસ્થા બિલકુલ નજદીક હોઈ દર્દીઓને ઝડપભેર સારવાર મળતાં તેમનું જીવન બચાવી શકાય છે. 

આ સામુદાયિક કોવિડ કેર સેન્ટરની બીજી પ્રભાવિત કરે તેવી વાત સ્થાનિક કારીગરો એ જ ઊભી કરેલ ઓક્સિજન લાઈન સાથે દર્દીઓને જરૂરી તમામ દવા સાથે સતત પૌષ્ટિક આહાર મળી રહે તે માટેની નિ:શુલ્ક વ્યવસ્થા છે. સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને ગોઠવાયેલ તબીબી સ્ટાફ સાથે સંસ્થાનો પેરા મેડિકલ સ્ટાફ અને સેવાભાવી કાર્યકરો હસતે ચહેરે દર્દીઓની સેવા માટે સમર્પિત છે. આ સુવિધા 30 લાખના ખર્ચે વિકસાવાઈ છે અને હજુ પણ દાતાઓ દાનનો અવિરત પ્રવાહ વહાવવા માટે તૈયાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news