આગામી સપ્તાહમાં રાજ્યભરમાં માધ્યમથી ભારે વરસાદની સંભાવના, જાણો હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદથી લોકોને થોડી રાહત મળી છે. છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. આ વચ્ચે હવામાન વિભાગે માહિતી આપી છે કે આગામી સપ્તાહથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 

આગામી સપ્તાહમાં રાજ્યભરમાં માધ્યમથી ભારે વરસાદની સંભાવના, જાણો હવામાન વિભાગની નવી આગાહી

ગાંધીનગરઃ ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યમાં ચોમાસાની પ્રવર્તમાન સ્થિતિ અને તેના માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કરાયેલી તૈયારીઓ અંગે સમીક્ષા કરી રાહત કમિશનરશ્રી દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

આગામી સપ્તાહથી ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. બેઠકમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિ.ના અધિકારી દ્વારા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૭૦ ટકા જેટલો પાણીનો સંગ્રહ થયો હોવાની માહિતી આ૫વામાં આવી હતી. 

સિંચાઇ વિભાગના અધિકારીએ રાજ્યના જળાશયો અંગે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી ૮૭ જળાશય હાઈએલર્ટ, ૧૬ જળાશય એલર્ટ અને ૧૫ જળાશય વોર્નિંગ પર છે. આમ, સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશય પૈકી ૧૧૯ જેટલા જળાશયો ૭૦ ટકાથી વધુ ભરાયેલા છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ. ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આજે રાજ્યમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે. પરંતું ફરીથી રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર પકડાશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું ગેસ્ટ પશ્ચિમ ભારત ઉપર અસર વર્તાવશે. જેનાથી દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ પડશે.  

તેમણે કહ્યું કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળશે. સાબરમતી નદી બે કાંઠે વહેતી થશે. તો તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news