વાપી ફાયરિંગ કેસમાં નવો વળાંક, ફરિયાદી પોતે જ નિકળ્યો આરોપી
વાપી પોલીસે ફાયરિંગ થયેલ દેશી તમંચો અને મેગેઝીન જપ્ત કર્યા છે અને ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતાં પોલીસે તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસને ગુમરાહ કરવાનો અને નિર્દોષ વ્યક્તિ પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી ફસાવી દેવાના કાવતરાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
Trending Photos
જય પટેલ, વાપી: દિવાળીની રાત્રે વાપી GIDC વિસ્તારમાં જાહેર રસ્તા પર લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ફરિયાદ બાદ વાપી પોલીસ દોડતી થઈ ગઈ હતી. પરંતુ હવે તેમાં નવો વળાંક આવ્યો છે. તપાસમાં આવેલા વિરોધાભાસી નિવેદન બાદ પોલીસે આકરી પૂછપરછ કરતાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. ફરિયાદીએ જે નિવેદન કર્યુ હતું તે પ્રમાણે હકીકતમાં કોઈ ફાયરિંગની ઘટના બની નહોતી. દિવાળીની રાત્રે ગેરકાયદેસર દેશી તમંચાની સાફ-સફાઈ વખતે અકસ્માતે ગોળી છૂટી હતી અને ગોળી સીધી લેબર કોન્ટ્રાક્ટરના પેટમાં વાગી હતી.
હાલ તો વાપી પોલીસે ફાયરિંગ થયેલ દેશી તમંચો અને મેગેઝીન જપ્ત કર્યા છે અને ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતાં પોલીસે તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસને ગુમરાહ કરવાનો અને નિર્દોષ વ્યક્તિ પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી ફસાવી દેવાના કાવતરાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
રાજ્ય સહિત સમગ્ર દેશભરમાં દિવાળીની રાત્રે લોકો દિવાળી મહોત્સવની ઉજવણીમાં મસ્ત હતા. જોકે દિવાળીની રાત્રે વાપી જીઆઇડીસી વિસ્તારમાં જાહેર રસ્તા પર એક લેબર કોન્ટ્રાક્ટર પર ફાયરિંગની થયાની પોલીસ ફરિયાદ દાખલ થતા વાપી જીઆઇડીસી પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે ફરિયાદીએ જણાવેલ વર્ણનના આધારે હુમલાખોરો સુધી પહોંચવા આકાશ-પાતાળ એક કર્યુ હતું અને દિવાળીની રાતથી નવા વર્ષની બપોર સુધી પોલીસ દોડતી રહી હતી.
પોલીસે ઘટનામાં ઊંડાણપૂર્વક તપાસ કરતાં પ્રથમ આખી ઘટના શંકા ઉપજાવેલ લાગી હતી. તેના પરિવારજનોએ જે તે વખતે પોલીસ સમક્ષ આપેલ નિવેદનમાં પણ વિરોધાભાસ જોવા મળ્યા હતા. જેથી આ ફાયરીંગ નું રહસ્ય શોધવા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. પોલીસને શરૂઆત માં ફરિયાદી ના આધારે તપાસ હાથ ધરી હતી. સાથે જ વિરોધાભાસી નિવેદનના આધારે પોલીસે પરિવારજનો ની આગવી ઢબે પૂછપરછ કરતા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ ગયું એક સનસનીખેજ રહસ્ય બહાર આવ્યું.
હકીકતમાં ફરિયાદીએ દિવાળીની રાત્રે જે જગ્યા પર ફાયરિંગ થયું હોવાનું પોલીસ સમક્ષ નિવેદન કર્યું હતું. તે જગ્યા પર હકીકતમાં કોઈ ફાયરિંગ થયું જ ન હતું. બન્ને ભાઈ દિવાળીની રાત્રે ઘરમાં રાખેલ એક ગેરકાયદેસર દેશી તમંચાની સાફ-સફાઈ કરી રહ્યા હતા. તે વખતે જ અકસ્માતે દેશી તમંચામાંથી ગોળી છુટી હતી અને ગોળી સીધી લેબર કોન્ટ્રાક્ટરના પેટમાં ઘૂસી ગઈ હતી. આમ દિવાળીની રાત્રે આખી રાત પોલીસને દોડતી રાખનાર આ પરિવારજનો અને ભોગ બનનાર કોન્ટ્રાક્ટર પોતે જ આરોપી નીકળ્યા હતા.
વાપી પોલીસે જે હથિયારથી ફાયરિંગ થયું હતું તે દેશીતમંચો અને મેગેઝીન જપ્ત કર્યા હતા અને હવે પોલીસે ખુદ ફરિયાદી પર જ ફરિયાદ દાખલ કરી છે. આમ ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતા હવે પોલીસે તેમના વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર રાખવાનો સાથે જ પોલીસને ગુમરાહ કરવાનો અને કોઈ નિર્દોષ વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ દાખલ કરી તેઓને ફસાવી દેવાના ષડયંત્ર અંગે જરૂરી કલમ હેઠળ ગુના સબબ ફરિયાદ દાખલ કરી છે. આમ ખુદ ફરિયાદી જ આરોપી સાબિત થયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે