સમગ્ર ગુજરાતમાં સરેરાશ 9 ઇંચ વરસાદથી જળબંબાકાર; અત્યાર સુધી પડવો જોઈએ એના કરતા 107 ટકા વધુ પડ્યો
Gujarat Monsoon 2023: ગુજરાતમાં 2 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત રહેશે. 3થી 7 જુલાઈ સુધી વરસાદની ગતિ ધીમી પડશે અને 8થી 12 જુલાઈ સુધી ભારે પવન સાથે વરસાદ પડશે.
Trending Photos
Gujarat Rainfall: ગુજરાતમાં રવિવારથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે અને રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, નવસારી, જામનગર, ભાવનગર, વલસાડ, મોરબી, કચ્છ, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને મહેસાણા સહિતના જિલ્લામાં વરસાદથી પાણી-પાણી થઈ ગયું છે. અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા. જામનગર, જૂનાગઢ, સુરતના મહુવા અને તાપીના વાલોદમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
જૂનાગઢમાં ધોધમાર વરસાદથી જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી. દોલતપરા નજીક હાઈ-વે પાણીમાં ગરકાવ થયો. બોટાદના બરવાળા પંથકમાં ધોધમાર વરસાદથી શેરીમાં પાણી ભરાયા. સાથે બરવાળાના મેઈન બજારમાં પણ પાણી ભરાયા. જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ રહેશે. તેમજ આવતીકાલે છુટા છવાયા વરસાદની સંભાવનાં છે. ત્યારે ઉ. ગુજરાત અને મ. ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદ પડ્યો છે.
કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડતા રસ્તા પાણી-પાણી થયા. તો મોરબીમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. સોસાયટી બેટમાં ફેરવાતા સ્થાનિકો પરેશાન થઈ ગયા. તો બોટાદના ગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ખેતરમાં પાણી ભરાયા. ઉત્તરગુજરાતના મહેસાણાના વડનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં સમીસાંજે ધોધમાર વરસાદ વરસ્યો...વરસાદ પડતાની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. અમદાવાદના શ્યામલ, શિવરંજની અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. જેથી વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એસજી હાઈવે, ઈસ્કોન, પ્રહલાદનગર, થલતેજ, માનસી સર્કલ, વસ્ત્રાપુર, સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી.
2 જુલાઈ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 2 જુલાઈ સુધી ભારે વરસાદ રહેશે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું અનિયમિત અને અનિશ્ચિત રહેશે. 3થી 7 જુલાઈ સુધી વરસાદની ગતિ ધીમી પડશે અને 8થી 12 જુલાઈ સુધી ભારે પવન સાથે વરસાદ પડશે. ભારે વરસાદથી દક્ષિણ અને ઉત્તર ગુજરાતની નદીમાં પુરની સ્થિતિ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. તો સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન સાથે વરસાદની આગાહી અંબાલાલે વ્યક્ત કરી છે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીઃ હવામાન વિભાગ
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. નવસારી, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ જામનગર, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, રાજકોટમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદની સંભાવનાં છે. સમગ્ર ગુજરાતમાં હાલ સરેરાશ 9 ઈંચ વરસાદ નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે