ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થયું, વરસાદના ચોથા રાઉન્ડ માટે તૈયાર રહો, આજની છે આગાહી
Gujarat Weather Forecast : રાજ્યમાં આજથી ફરી જામશે વરસાદી માહોલ... 2 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી... સૌરાષ્ટ્ર, કચ્છ સાથે દક્ષિણ ગુજરાતમાં થશે વરસાદ...
Trending Photos
Ambalal Patel Monsoon Prediction : છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં શાંત પડેલું ચોમાસું ફરી સક્રિય થઈ રહ્યું છે. રાજ્યમાં ફરી એકવાર ત્રણ દિવસ માટે વરસાદી માહોલ જામશે. શું છે ચોમાસાના નવા રાઉન્ડ પાછળના કારણો અને કયા જિલ્લા ફરી તરબોળ થઈ શકે છે તેવો સૌને સવાલ છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે બે દિવસ વરસાદની આગાહી કરી છે. આજથી વરસાદની ગતિમાં વધારો થશે. બે દિવસ પછી રાજ્યભરમાં વરસાદ રહેશે.
રાજ્યના તમામ ભાગોમાં મધ્યમથી ભારે વરસ્યા બાદ શ્રાવણમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. ખેડૂતો અને સામાન્ય લોકોની ઈંતેજારીનો અંત આવ્યો છે. હવામાન વિભાગનું માનીએ તો 19થી 21 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ફરી વરસાદ પોતાનું જોર બતાવશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, શનિવારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે રવિવારે વલસાડ, નવસારી, ડાંગ, છોટાઉદેપુર, નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે. જેની પાછળનુ કારણ છે બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ.
ગુજરાતમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી. અમુક જગ્યાએ માત્ર છુટોછવાયો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગનું માનીએ તો હાલ ભારે વરસાદની શક્યતા નહીવત્ છે. જો કે ઓગસ્ટમાં વરસાદ ખેંચાતા ચિંતામાં મૂકાયેલા ખેડૂતો માટે આ પરિબળ ખેડૂતો માટે ફાયદાકારક છે. કેમ કે બે ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદ પડતાં ખેતીને થશે, જ્યારે ભારે વરસાદ અગાઉ ખેતીને નુકસાન પહોંચાડી ચૂક્યો છે. ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાય)ના ભાગોમાં બે-ત્રણ દિવસમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. આજથી વરસાદની એક્ટિવિટીમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, રવિવારે લગભગ આખા ગુજરાત રિજનમાં વરસાદ રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 94 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, જે હાલની સ્થિતિએ 29 ટકા વધુ છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં તો વરસાદ સીઝનની 100 ટકાની સરેરાશને પાર કરી ગયો છે. જો કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હજુ પણ વરસાદ સરેરાશથી ઓછો છે. જો રાજ્યમાં ત્રણ દિવસ વરસાદ જામશે, તો સીઝનની 100 ટકા સરેરાશ પૂરી થઈ શકે છે. ત્યાર પછીનો વરસાદ બોનસ ગણાશે. જો કે આ માટે સાર્વત્રિક વરસાદ જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે