ઉત્તર ગુજરાતમાં કોંગો વાઇરસનો પગ પેસારો, પશુપાલકનું શંકાસ્પદ મોત થતાં ફફડાટ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીને સારવાર કરવા માટે દાખલ કરાયો હતો, દર્દીના મૃત્યુ પછી વધુ તપાસ માટે રિપોર્ટ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો
Trending Photos
હીતલ પારેખ/અતુલ તિવારી(અમદાવાદ): અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખેરાલુના એક દર્દી રબારી સોમાભાઈનું કોંગો વાઈરસથી શંકાસ્પદ મોત થયું છે. આગમચેતીના પગલા રૂપે દર્દીનો રિપોર્ટ વિસ્તૃત તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. રાજ્યમાં વર્ષે સરેરાશ બેથી ત્રણ મોત આ રોગથી થયા છે. સિવિલ હોસ્પિટલે જણાવ્યું છે કે, કોંગો વાઈરસથી ડરવાની જરૂર નથી. તેનો ઈલાજ શક્ય છે.
કોંગો વાઈરસ પ્રાણીઓમાંથી માનવ શરીરમાં ફેલાય છે. ગુજરાતમાં આ વાઈરસ જ્વલ્લે જ જોવા મળે છે. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ બેથી ત્રણ મોત આ રોગથી થાય છે. છેલ્લે 2017માં અમરેલીમાં કુલ 3 મૃત્યુ આ રોગના કારણે થયા હતા અને રાજ્યમાં કુલ 9 કેસ નોંધાયા હતા. રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આ બીમારીથી પ્રભાવિત દર્દીઓ વધુ જોવા મળે છે. ગુજરાતમાં કચ્છ અને અમરેલી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે.
ખેરાલુના દર્દીના મોત અંગે સિવિલ હોસ્પિટલના સત્તાધિશોએ જણાવ્યું કે, "આ દર્દીનો ઈલાજ ચાલી રહ્યો હતો. રાત્રે 2 વાગે ખેરાલુના આ દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું. સિવિલમાં કોંગો વાયરસ માટે દવાઓ ઉપલબ્ધ છે, ડરવાની જરૂર નથી. સ્વાઈન ફલૂ કે ટીબીની જેમ કોંગો વાઈરસ ફેલાતો નથી. દર્દીના મોત બાદ રિપોર્ટ તપાસ માટે મોકલવામાં આવ્યો છે. રિપોર્ટ મળ્યા પછી કોંગો વાઈરસથી મોત છે કે નહીં તે ચોક્કસપણે કહી શકાશે."
ઈતરડીના કરડવાથી થાય એ રોગ
ઈતરડીના કરડવાથી કોંગો વાયરસની અસર થતી હોય છે. સામાન્ય રીતે ગાય અને ભેંસની પૂંછડીના ભાગમાં ઈતરડી મળી આવે છે. ગુજરાતમાં સૌ પ્રથમ 2011માં કોંગો વાઈરસનો કેસ કોલાટ ગામમાં નોંધાયો હતો. રાજ્યમાં કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ, મહેસાણા અને વડનગરમાં કોંગો વાઈરસથી પ્રભાવિત દર્દીઓ જોવા મળ્યા છે. વર્ષ 2011થી દર વર્ષે રાજ્યમાં આ વાઈરસના કેસ નોંધાય છે.
આરોગ્ય, પશુપાલન અને ખેતીવાડી વિભાગ સાથે મળીને કરે છે કામ
આરોગ્ય વિભાગ દર્દીને શોધી તેની સારવાર કરે છે. પશુપાલન વિભાગ વાઈરસવાળી ગાયો અને ભેંસોની સારવાર કરવાનું કામ કરે છે. ખેતીવાડી વિભાગ લોકોમાં કોંગો વાઈરસની જાગૃતિ લાવવાનું કામ કરે છે. આ ઉપરાંત, દરેક જિલ્લામાંથી પ્રાણીઓના નમૂના લઈને વિસ્તૃત તપાસ કરવામાં આવતી હોય છે.
કોંગો વાઈરસના લક્ષણો
જે દર્દીને કોંગો વાઈરસનો ચેપ લાગ્યો હોય તેને ઝાડા-ઉલટી, સ્નાયુમાં દુખવો, તાવ આવતો હોય છે. જો આ રોગ ફાલાય તો શરીરના છિદ્રોમાંથી લોહી નીકળવા લાગે છે અને ત્વચા પર લાલ ચકામા પણ પડી જાય છે.
દર્દીના બચવાની શક્યતા વધુ
કોંગો વાઈરસનો ચેપ લાગ્યો હોય તો ડરી જવાની જરા પણ જરૂર નથી. આ રોગમાં જો નિદાન થઈ જાય તો દર્દીના બચવાની શક્યતા વધુ છે. દર્દીને સારવાર માટે 10 થી 15 દિવસની જરૂર પડે છે. લોહીના સંસર્ગથી આ વાઈરસ ફેલાતો જોવા મળે છે. અત્યાર સુધી આશરે 100 જેટલા દર્દીઓ કોંગો વાઈરસ શિકાર બન્યા છે. હાલ રાજ્યમાં કોંગો વાઈરસનો એક પણ દર્દી સારવાર હેઠળ નથી.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે