પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા PSI આત્મહત્યાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ
Trending Photos
જાવેદ સૈયદ/અમદાવાદ : લમણે રિવોલ્વર મૂકીને આત્મહત્યા કરનાર પીએસઆઈની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લેતા ડીજીપી દ્વારા આ તપાસને ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવી છે.
સીસીટીવી સામે આવ્યા
પીએસઆઈની આત્મહત્યાના પગલે એક સીસીસીટી સામે આવ્યા છે. આ સીસીટીવી પીઆઈ દેવેન્દ્રિસંહ રાઠોડે જે સમયે આત્મહત્યા કરી હતી તે સમયના છે. તે દિવસે બપોરે 1.00 વાગ્યે તેઓ ઘરે આવી ગયા હતા. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે, તેઓ આત્મહત્યા પહેલા દીકરીને ચોકલેટ અપાવવા લઈ ગયા હતા. ત્યારે તેઓ એકદમ સ્વસ્થ છે. ત્યાર બાદ તેઓ ઘરે આવ્યા હતા. ઘરે આવીને તેમણે પત્નીને તબિયત સારી ન હોવાનું જણાવ્યું હતું. તેના થોડા સમય બાદ 1.55 વાગ્યે તેમણે આપઘાત કર્યો હતો.
આ પહેલા સવારે આત્મહત્યા કરનાર પીએસઆઈના પત્ની ડિમ્પલ રાઠોડે કહ્યું કે, એન.પી. પટેલ મારા પતિને ખૂબ જ ખરાબ રીતે હેરાન કરતા હતા. એક મહિલા અને પુરુષના સંબંધ હોય તેવી રીતે પુરુષ સાથે પુરુષના સંબંધની માંગણી કરતા હતા. તે વારંવાર માગણી કરતા હતા અને જો માંગણી નહીં સંતોષે તો નોકરીને લાયક નહીં રહેવા દઉં, હું તારો પગાર ખાઈ જઈશ, બદનામ કરી દઇશ, તેવી ધમકી આપતા હતા.
કરાઈ પોલીસ એકેડમીમાં પીએસઆઈની તાલીમ લઈ રહેલા દેવેન્દ્રસિંહ રાઠોડની આપઘાત થી પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. આ ઘટનાથી તેમના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો. પરિવારે મૃતદેહ સ્વીકારવાનું ઈન્કાર કરીને હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. દોઢ વર્ષના તાલીમ બાદ 6 જાન્યુઆરીએ પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડનું પોસ્ટીંગ હતું. ત્યારે કરાઈના ડીવાયએસપી એન.પી.પટેલના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને પીએસઆઈએ ખાનગી રિવોલ્વરથી આપઘાત કરી લેતા અનેક તર્ક વિતર્ક સેવાઇ રહ્યા છે. ત્યારે ન્યાય માટે પરિવારે દેવેન્દ્રસિંહનો મૃતદેહ નહિ સ્વીકારવાનો નિર્ણય લઈને હોબાળો મચાવ્યો હતો અને ડીવાયએસપી વિરુદ્ધ ફરિયાદ નોંધીને તેમની ધરપકડની માંગ કરી.
પોલીસની તપાસ પર પરિવારે શંકા વ્યક્ત કરી છે. પરિવારે પોલીસ કમિશ્નર એ કે સિંઘ સાથે પણ મુલાકાત કરી અને પોલીસ કમિશ્નરે નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું છે. પરંતુ ડીવાયએસપી સામે પોલીસ ફરિયાદ નહિ નોંધતા પરિવારમાં પોલીસની કાર્યવાહીને લઈને રોષ વધ્યો હતો. રોષ બાદ હાલ બે જેટલી ટીમો કરાઈ એકેડમી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે. મૃતકના ભાઈએ સીએમ વિજય રૂપાણીને પત્ર લખી ન્યાયની માંગણી કરી છે. પોલીસે પીએસઆઈના પરિવારનું મોડી રાત્રે નિવેદન લીધું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે