'સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ': આ કોંગી નેતાના BJP પર સણસણતા આરોપ

આ જ હોસ્પિટલમાં ૨૦૨૨માં પણ આવી જ રીતે ઓપરેશનમાં મૃત્યુ થયું હતું, જો સરકારે તે વખતે કડક પગલા લીધા હોત તો આજે વધુ બે મોત ના થયા હોત. એક તરફ ગુજરાતમાં લોકો મેડીકલ માફિયાના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને બીજી તરફ રાજ્યના આરોગ્યમંત્રી મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં વ્યસ્ત છે.

 'સરકારની રહેમ નજર હેઠળ ગુજરાતમાં મેડિકલ માફિયા બેફામ': આ કોંગી નેતાના BJP પર સણસણતા આરોપ

ઝી બ્યુરો/અમદાવાદ: કડીના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ દાખલ થયા હતા અને ત્યારબાદ જે દુઃખદ ઘટના બની તેના પર વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા દ્વારા પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "સેવાના નામે ગોરખ ધંધાઓ ચાલી રહ્યા છે, મેડીકલ માફિયાઓ સેવાના નામે કૌભાંડો કરી રહ્યા છે તેનો દુર્ભાગ્યપૂર્ણ કિસ્સો આજે ગુજરાતમાં બન્યો છે. 

ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે?
કડી તાલુકાના બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલે જે મેડીકલ કેમ્પ કર્યો હતો, તેમાંથી 19 લોકોને પોતાની હોસ્પિટલમાં અમદાવાદ લઇ આવવામાં આવે છે, કોઇપણ પરિવારજનને જાણ કર્યા વગર એન્જીયોગ્રાફી કરવામાં આવે છે અને સાત દર્દીઓને એન્જીયોપ્લાસ્ટીના ઓપરેશન કરવામાં આવે છે. આજે દુખની બાબત છે કે એ સાત પૈકી બે દર્દીઓના મૃત્યુ થયા છે અને પાંચ લોકો આજે આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. મૃતકના પરિવારજનોને સંવેદના પાઠવીએ છીએ અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ. પણ સવાલ એ છે કે ગુજરાતમાં આવું વારંવાર કેમ થાય છે?

આયુષ્યમાન કાર્ડની યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો
વધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "આ જ હોસ્પિટલમાં 2022માં પણ આવી જ રીતે ઓપરેશનમાં મૃત્યુ થયું હતું, જો સરકારે તે વખતે કડક પગલાં લીધા હોત તો આજે વધુ બે મોત ના થયા હોત. ગુજરાતમાં અગાઉ અંધાપાકાંડ પણ થયો હતો. હાલમાં જે રીતે મેડીકલ માફિયાઓ બેફામ થયા છે અને સરકારની મિલીભગતને કારણે સરકારમાં બેઠેલા લોકોના છુપા આશીર્વાદના કારણે ગુજરાતમાં લોકો મેડીકલ સેવાના નામે લુંટાઈ તો રહ્યા છે, સાથે-સાથે સરકારની યોજનાઓ કે જેમાં માં કાર્ડની યોજના અને આયુષ્યમાન કાર્ડની યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડો થઇ રહ્યા છે.

આજની ઘટના આરોગ્યક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરનારી: અમિત ચાવડા
આ હોસ્પિટલના રજીસ્ટ્રેશનથી લઈને શરૂઆતથી આજદિન સુધીનો ઈતિહાસ જોઈએ તો તેમાં કોઈ સેવા કરનારા કે મેડીકલ લાઈનના લોકો નથી પણ ધંધાદારી લોકો દ્વારા આ સેવાના ક્ષેત્રને ધંધાનું ક્ષેત્ર બનાવી દેવામાં આવ્યું છે." અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, "આજની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, સરકારની- આરોગ્યક્ષેત્રની નિષ્ફળતાઓને ઉજાગર કરનારી છે. ગુજરાતમાં લોકો આવા મેડીકલ માફિયાના કૌભાંડોને કારણે મોતને ભેટી રહ્યા હોય, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.

અમિત ચાવડાએ ઉમેર્યું હતું કે, આરોગ્ય મંત્રીને વિનંતી છે કે જેટલી ચિંતા મહારાષ્ટ્રમાં પોતાના પક્ષને જીતાડવા કરો છો, જેટલી મહેનત ભાજપ માટે મહારાષ્ટ્રમાં કરો છો એટલી મહેનત ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે જે બદીઓ ચાલે છે, માફિયાઓ બેફામ બન્યા છે, કૌભાંડો ચાલે છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. તેના માટે એટલી ચિંતા કે મહેનત કરશો તો ગુજરાતના લોકોએ તમને સોંપેલી જવાબદારી સાચા અર્થમાં પરિપૂર્ણ કરો છો તેવું માનશે.

આ બનેલી ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. જે બે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને પુરતું વળતર મળવું જોઈએ. પાંચ લોકો જે સારવાર હેઠળ છે તેમના જીવની ચિંતા કરી યોગ્ય સારવાર મળવી જોઈએ. આખા પ્રકરણ માટે જવાબદાર લોકો તથા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. ભવિષ્યમાં કોઇપણ જગ્યાએ સેવાના નામે કૌભાંડો ચાલતા હોય ત્યાં આવી ઘટના ના બને તે ધ્યાનમાં રાખતા કાર્યવાહી કરવામાં આવે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news