રાજ્યભરમાં ઠેર-ઠેર કરાયું શસ્ત્રપૂજન, તો બોટાદમાં શસ્ત્રપૂજાની સાથે કરાઇ હેલ્મેટ પૂજા
પોલીસ કમિશનરે કહ્યું હતું કે આજના દિવસનું ખાસ મહત્વ છે, જેથી પૂજા કરવામાં આવી છે, નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામને અભિનંદન પણ આપ્યા હતાં.
Trending Photos
અમદાવાદ: વડોદરામાં દશેરા નિમિત્તે લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે શસ્ત્રપૂજા કરી હતી. પેલેસના ગાદી હોલમાં રાજપુરોહિતએ મહારાજા સમરજીતસિંહ અને મહારાણી રાધિકારાજે ગાયકવાડને પરિવાર સાથે શસ્ત્રપૂજા કરાવી હતી. વર્ષો પહેલા મહારાજા પોતાના પ્રજાની સેવા કરવા તેમજ દુશ્મનોથી લડવા શસ્ત્રોની પૂજા કરતા હતા તે પરંપરા હજી પણ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં જાળવી રાખવામાં આવી છે. પેલેસમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા, ત્યારબાદ ચામુંડા માતાની પૂજા કરવામાં આવી હતી સાથે જ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે રાજવી પરિવારના શસ્ત્રાગાર હોલમાં જઈ પૂજા અર્ચના કરી હતી. મહારાજાએ તમામ દેશવાસીઓને દશેરા પર્વની શુભકામના પાઠવી હતી.
બોટાદમાં આજે વિજયા દશમી નિમિતે ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન યોજાયું હતું. ત્યારે આ વખતે આર.ટી.ઓ ના નવા નિયમોને લઈને લોકોમાં હેલ્મેટ પહેરવા માટે જાગૃતતા આવે તે માટે હેલ્મેટ પૂજન પણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ એ પણ લોકોની રક્ષા કરતું હોય તેનું પણ પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
પાલનપુરના પ્રેરણાદાયી ગરબા, નવમા નોરતે ગરબે ઘૂમતા આપ્યો અનોખો સંદેશ
સુરત પોલીસ દ્વારા કરાઇ હથિયાર પૂજા
નવરાત્રીનો પવિત્ર તહેવાર પૂર્ણ થયો છે, જેના અંતિમ દિવસે લંકાપતિ દશાનંદ એવા રાવણનો ભગવાન શ્રીરામે વધ કર્યો હતો. જેના ભાગ રૂપે વર્ષોથી ક્ષત્રિયો પોતાના હથિયારની પૂજા કરે છે, ત્યારે દશેરાની પોલીસ દ્વારા પણ પૂજા કરવામાં આવી હતી. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ કમિશનર આર. બી. બ્રહ્મભટ્ટ દ્વારા હથિયારોનું પુજન કરવામાં આવ્યું હતું. વિધિપૂર્વક પોલીસકર્મીઓ દ્વારા લોકોની સુરક્ષા માટે ઉપયોગમાં લેવાતા હથિયારોની પૂજા કરીને પોલીસ કમિશનર બ્રહ્મભટ્ટે પોલીસ કર્મચારીઓને દશેરા પર્વની શુભકામના આપી હતી. પોલીસ કમિશનરે કહ્યું હતું કે આજના દિવસનું ખાસ મહત્વ છે, જેથી પૂજા કરવામાં આવી છે, નવરાત્રી દરમિયાન શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામને અભિનંદન પણ આપ્યા હતાં.
કયારેય શસ્ત્ર ચલાવવાની જરૂર ન પડે તેવી શાંતિ બનાવી રાખવા પ્રાર્થના
દશેરા નિમિત્તે વડોદરા પોલીસ દ્વારા પ્રતાપનગર પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. જેમાં વડોદરા પોલીસ કમિશનર અનુપનસિંહ ગહલૌતે શસ્ત્ર અને અશ્વ પૂજા કરી હતી. પોલીસ હેડકવાટર્સ ખાતે પોલીસ બેન્ડે સૂરાવલી સાથે પોલીસ કમિશનરનું સ્વાગત કર્યું હતું. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તેમના પરિવાર સાથે શસ્ત્ર પૂજામાં બેઠા હતા. મહારાજે સૌપ્રથમ ગણેશજીની પૂજા અર્ચના કરાવી અને ત્યારબાદ શસ્ત્ર પૂજાની શરૂઆત કરાવી હતી. શસ્ત્ર પૂજામાં પોલીસના તમામ ડીસીપી, એસીપી અને પ્રતાપ નગર હેડકવાર્ટસના પોલીસ જવાનો જોડાયા હતા. સાથે જ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનમાં પીઆઈઓને પણ શસ્ત્ર પૂજા કરવા અપીલ કરી છે. પોલીસ કમિશનરે પોતાના હાથેથી અશ્વને ગોળ ચણા ખવડાવ્યા હતા. સાથે જ માતાજીથી પૂજા અર્ચના કરી કયારેય શસ્ત્ર ચલાવવાની જરૂર ન પડે તેવી શાંતિ બનાવી રાખવા પ્રાર્થના કરી હતી. પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ જવાનોએ પુરી શ્રદ્ધા સાથે શસ્ત્રોની પૂજા કરી શસ્ત્ર પૂજાનુ મહત્વ સમજાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે