પોલીસને ધકકો મારી કેદી ફરાર, વડોદરાની ચોંકાવનારી ઘટના 

પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે

Updated: Jul 12, 2018, 05:49 PM IST
પોલીસને ધકકો મારી કેદી ફરાર, વડોદરાની ચોંકાવનારી ઘટના 

રવિ અગ્રવાલ/વડોદરા : હત્યાના પ્રયાસના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલી દેવાયેલો કાચા કામનો કેદી આજે સયાજી હોસ્પિટલના ઓ.પી.ડી. વિભાગમાંથી જાપ્તાના પોલીસ જવાનને ધક્કો મારી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે.

મળેલી માહિતી પ્રમાણે બાપોદ પોલીસ મથક દ્વારા તા. 2-5-017ના રોજ હત્યાના પ્રયાસના ગુનામાં પ્રિયકાંત ઉર્ફે ભયલુ કિશોર સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને કોર્ટ દ્વારા વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. પ્રિયકાંત ઉર્ફ ભયલુ સોલંકી સેન્ટ્રલ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો. કેદી પ્રિયકાંત સોલંકીએ બીમારીની ફરિયાદ કરતા આજે તેને જાપ્તા હેઠળ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો. તેની બીમારીને ધ્યાનમાં લઇ ઓ.પી.ડી.માં લઇ જવામાં આવ્યો હતો. ઓ.પી.ડી.માં કેદી પ્રિયકાંત સોલંકી જાપ્તાના પોલીસ જવાનને ધક્કો મારી ફરાર થઇ ગયો હતો. જાપ્તાની પોલીસે તેને પકડવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ, આરોપી હાથ લાગ્યો ન હતો. 

કેદી ફરાર થઇ જતાં જાપ્તાના જવાને રાવપુરા પોલીસને જાણ કરતા તુરતજ રાવપુરા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. આ સાથે ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી., પી.સી.બી. શાખાના અધિકારીઓ પોતાના સ્ટાફ સાથે હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને ફરાર થઇ ગયેલા કાચા કામના કેદી પ્રિયદર્શનને શોધવા માટે કવાયત શરૂ કરી હતી.
કાચા કામનો કેદી ચોક્કાસ કયાંથી ફરાર થઇ ગયો ? તેને ફરાર થવામાં જાપ્તાની પોલીસે મદદ કરી છે કે કેમ ? કે પછી કેદી પ્રિયકાંત મોકો મળતા જાતેજ ફરાર થઇ ગયો છે. તે અંગેની વિગતો મેળવવા માટે પોલીસે હોસ્પિટલ સ્થિત સીસીટીવી ફૂટેજ મેળવી તપાસનો દોર શરૂ કર્યો છે. આ સાથે પોલીસે બીજી ટીમ આરોપીના નિવાસ સ્થાને પણ રવાના કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. 

આ બનાવ અંગે અત્રે રાવપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહત્વની વાત છે કે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવાતા કેદીઓ અવારનવાર ફરાર થઈ જતા બનાવો બને છે તેમ છતાં પોલીસ કે હોસ્પિટલ તંત્ર કોઈ જ પ્રકારની ગંભીરતા નથી દાખવતું. આ સંજોગોમાં સયાજી હોસ્પિટલ હવે કેદીઓના ફરાર થવા માટે હોટસ્પોટ બની ગયું હોય તેમ લોકોને લાગી રહ્યું છે.

દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...