સુરત : એક વર્ષ બાદ જેલમાંથી છૂટેલા પરેશની હત્યા, નવીને મિત્રો સાથે મળીને જાહેરમાં રહેંસી નાંખ્યો

સુરત : એક વર્ષ બાદ જેલમાંથી છૂટેલા પરેશની હત્યા, નવીને મિત્રો સાથે મળીને જાહેરમાં રહેંસી નાંખ્યો
  • મૃતક પરેશ કોષ્ટી રત્ન કલાકાર હતો અને તે થોડા સમય પહેલા જ એક વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ જામીન પર જેલ બહાર આવ્યો હતો
  • ગુસ્સાયેલા નવીને પરેશના બંને પગમાં અને છાતી પર એમ ત્રણ ઘા માર્યા હતા

ચેતન પટેલ/સુરત :સુરતના ચોક બજાર પોલીસની હદમાં યુવાનની હત્યાના બનાવથી ચકચાર મચી છે. સોસાયટીમાં અજાણ્યા શખ્સો સાથે ઝઘડો થતા યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. વેડરોડ ત્રિવેણી સોસાયટીમાં પરેશ કોષ્ટી નામના યુવાનની હત્યા થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો. આ હત્યા નવીન નામના યુવક દ્વારા કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમજ હત્યારો નવીન મૃતકનો મિત્ર હોવાની વાત સામે આવી છે. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

આ પણ વાંચો : આ મહિલાએ કરેલી પોતાના મોતની ભવિષ્યવાણી સાચી પડી, બરાબર એ જ સમયે દેહ ત્યાગ કર્યો 

પરેશને મારવા નવીન આખા ગ્રૂપને લઈ આવ્યો 
સુરતમાં સતત હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે મરનાર મૃતક પરેશ એક વર્ષ જેલમાં રહીને આવ્યો હતો. તે તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. ઘટનાની વાત કરીએ તો, ગઈકાલે બપોરે ત્રણ વાગે નવીન નામના વ્યક્તિ સાથે પરેશની બોલાચાલી થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદમાં મોટા ઝઘડામાં પરિણમી હતી. જોકે સાથી મિત્રોએ વચ્ચે પડી બંનેને છૂટા પાડી ઘરે મોકલી દીધા હતા. ત્યાર બાદ નવીન એના માણસો સાથે 3:30 વાગે ત્રિવેણી સોસાયટી નજીકના ચાર રસ્તા ઉપર દોડી આવ્યો હતો. એના હાથમાં ચપ્પુ જોઈ પરેશ અને એના મિત્રોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે લાખ પ્રયાસો છતાં પરેશ નવીન સામે પકડાઈ ગયો હતો. 

No description available.

(પરેશને કેવી રીતે મોતને ઘાટ ઉતારાયો તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ)

જીવ બચાવવા પરેશ એક ઘરમાં ઘૂસ્યો હતો 
ગુસ્સાયેલા નવીને પરેશના બંને પગમાં અને છાતી પર એમ ત્રણ ઘા માર્યા હતા. આ દરમિયાન પરેશ જીવ બચાવી ત્યાંથી ભાગ્યો હતો અને એક ઘરમાં ઘુસી ગયો હતો. એટલું જ નહિ, પણ હુમલાખોર નવીન 7 માણસો સાથે આવ્યો હતો અને તેને શોધી કાઢીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 

(પરેશને ગુમાવ્યા બાદ તેના પરિવારજનોનો આક્રંદ)

પરેશ થોડા દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો
આરોપી નવીન સુરતમાં માથાભારે શખ્સની છાપ ધરાવે છે. તો મૃતક પરેશ કોષ્ટી રત્ન કલાકાર હતો અને તે થોડા સમય પહેલા જ એક વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ જામીન પર જેલ બહાર આવ્યો હતો. ત્યાર બાદ તે રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. મૃતક તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. જ્યારે તેની બહેન ધોરણ 10માં અભ્યાસ કરે છે. હાલમાં ચોક બજાર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી મેળવી વધુ તપાસ હાથધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news