મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા ભારે, યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો


લોકડાઉનને લીધે તેણે દુકાન બંધ કરી જુદીજુદી દુકાનોમાંથી કમિશનથી ઘરે મોબાઈલ ફોન લાવી રીપેરીંગ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, દોઢ મહિના પહેલા તેને ઘરખર્ચ માટે પૈસાની જરૂર પડતા તેણે મિત્ર જતીન દેસાઈ પાસે રૂ.1 લાખ ઉછીના લીધા હતા અને તે પૈકી રૂ.70 હજાર તેને પરત પણ કર્યા હતા. 

મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા ભારે, યુવકનું અપહરણ કરી માર મારવામાં આવ્યો

ચેતન પટેલ, સુરતઃ લૉકડાઉનમાં દુકાન બંધ થતા ઘરખર્ચ માટે મિત્ર પાસેથી ઉછીના પૈસા લેવા એક યુવકને ભારે પડ્યા છે. સુરતમાં એક યુવકે તેના મિત્ર પાસેથી 1 લાખ રૂપિયા ઉછીના લીધા હતા, ત્યારબાદ તેમાંથી 70 હજાર રૂપિયા પરત આપી દીધા હતા. પરંતુ 30 હજાર રૂપિયા બાકી હતી અને તે પણ થોડા દિવસમાં ચુકવી આપવાની વાત કહી હતી. પરંતુ આ યુવકનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. સાથે તેની પાસે રહેલા આઈફોન-આઈપેડ લૂંટી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. 

મૂળ અમરેલીના લાઠીના અડતાલલાનો વતની અને સુરતમાં વરાછા મારુતીચોક પાસે રહેતો 26 વર્ષીય હિરેન મોહનભાઈ પડસાળા અગાઉ મારુતીચોક પાસે સંતોષનગરમાં મોબાઈલ રીપેરીંગની દુકાન ધરાવતો હતો. પરંતુ લોકડાઉનને લીધે તેણે દુકાન બંધ કરી જુદીજુદી દુકાનોમાંથી કમિશનથી ઘરે મોબાઈલ ફોન લાવી રીપેરીંગ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, દોઢ મહિના પહેલા તેને ઘરખર્ચ માટે પૈસાની જરૂર પડતા તેણે મિત્ર જતીન દેસાઈ પાસે રૂ.1 લાખ ઉછીના લીધા હતા અને તે પૈકી રૂ.70 હજાર તેને પરત પણ કર્યા હતા. 

જોકે, ત્રણ ચાર દિવસ પહેલા જતીને તેને ફોન કરી બાકી રૂ.30 હજાર માંગતા હિરેને તેને 10-15 દિવસમાં પૈસા આપવાનો વાયદો કર્યો હતો. તે દિવસે જ હિરેનને રોનક ઉર્ફે પરીએ ફોન કરી જતીને તેના પૈસા માટે મને હવાલો આપ્યો છે કહી પૈસા માંગતા હિરેને હું જતીન સાથે વાત કરી લઈશ કહી ફોન કાપી નાખ્યો હતો. હિરેન ગત બપોરે મોબાઈલ ફોન રીપેર કરવા લઈ પોદાર આર્કેડ બાઈક પર જતો હતો ત્યારે કિરણ ચોક પાસે એક સફેદ આઈ-20 માં આવેલા પિયુષ ઉર્ફે પી.પી એ હું રોનક ઉર્ફે પરીનો માણસ છું કહી તેને બળજબરીથી કારમાં બેસાડયો હતો અને યોગીચોક યોગીનગરના ગેટની બાજુમાં આવેલી રોનક ઉર્ફે પરીની ઓફિસમાં લઈ ગયો હતો. 

ઓફિસનો દરવાજો બંધ કરી ત્યાં હાજર રોનક ઉર્ફે પરી, રાહુલ બોરડા, મૌલીક ભુવા, રાજેશ બાલધા અને અન્યોએ પૈસા હમણાં જ જોઈએ છે કહી તેને માર માર્યો હતો. ત્યાર બાદ સાંજે 5.30 વાગ્યે પિયુષ ઉર્ફે પી.પી તેને એક્ટીવા પર વચ્ચે બેસાડી પાછળ રાહુલ સાથે અને અન્ય એક્ટીવા પર મૌલીક અને અન્ય એક સાથે સરદાર ફાર્મની પાછળ કોમ્યુનિટી હોલ અને બાજુમાં આવેલા ખુલ્લા પોપડામાં લઇ ગયા હતા. ત્યાં પણ તમામે તેને માર મારી સાયકલની દુકાન પાસે લઈ જઈ હવા ભરવાની પાઇપ વડે, પટ્ટા વડે માર માર્યો હતો. ત્યાંથી થોડે દૂર પાનના ગલ્લા પાસે લઈ જઈ કચરાપેટીનો ડબ્બો ઉપાડી માર્યા બાદ તેને મારતા મારતા ફરી રોનક ઉર્ફે પરીની ઓફિસે લઈ ગયા હતા. 

ત્યાં ફરી માર મારી તેની પાસેથી રૂ.30 હજારનો આઈફોન અને રૂ.10 હજારનું એરપોડ બળજબરીથી કાઢી લીધું હતું. ત્યાંથી નજર ચૂકવી ભાગેલા હિરેને સ્મીમેર હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ  સરથાણા પોલીસ મથકમાં રોનક ઉર્ફે પરી ભનુભાઈ હિરપરા, પિયુષ ઉર્ફે પી.પી., રાહુલ રમેશભાઈ બોરડા, મૌલીક સુરેશભાઈ ભુવા, રાજેશ વિનુભાઈ બાલધા, જતીન  દેસાઇ અને અન્યો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ પીઆઈ એમ.કે.ગુર્જર કરી રહ્યા હતા. દરમિયાન સરથાણા પોલીસે બાતમી ના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news