દુલ્હન બનેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, વેલેન્ટાઈન ડેએ પ્રેમીને મળવા ઓરિસ્સાથી આવી હતી, પણ
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :સુરતના ઉધના બીઆરસી સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી અને વર્ષોથી બંધ જે.બી.ખરવર મિલના અવાવરું મકાનમાંથી નવોઢા જેવી લાગતી મહિલાની લાશ મળી હતી. ત્યારે આખરે આ હત્યાનો ભેદ ખૂલ્યો છે. મહિલાના પ્રેમીએ જ તેની હત્યા કરી હતી. ઉધના પોલીસે ગણતરીના કલાકોમાં મહિલાની ઓળખ કરી તેના પ્રેમીને પકડી પાડ્યો છે. તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેની સગાઈ થતા એક પુત્રીની માતા એવી તેની પ્રેમિકા ગંજામથી સુરત આવી હતી. તેને વતન પરત મોકલતી વેળા ઝઘડો થતા તેણે હત્યા કરી દીધી હતી.
સુરતના ઉધના બીઆરસી સ્વામિનારાયણ મંદિરની સામે આવેલી અને વર્ષોથી બંધ જે.બી. ખરવર મિલના અવાવરું મકાનમાંથી નવોઢા જેવી લાગતી મહિલાની હત્યા કરેલી લાશ ગત સવારે મળી આવી હતી. 35 થી 40 વર્ષની અને ઓરિસ્સા નિવાસી જેવી લાગતી મહિલાને બંધ મિલમાં ગતરાત્રે લાવી મોઢા પર પથ્થર મારી હત્યા કરાઈ હતી. હત્યાના આશંકાને આધારે ઉધના પોલીસે તેની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે મહિલાની લાશ પાસેથી મળેલા બંધ સીમકાર્ડના આધારે તપાસ કરી હતી. જેમાં તેની ઓળખ ઓરિસ્સા ગંજામની સુદોષના બબુલા નાહક તરીકે થઈ હતી.
આ પણ વાંચો : જયરાજસિંહનું દર્દ છલકાયું, ‘ટેક્સીનું મીટર ફેરવે તેમ મારી 37 વર્ષની કારકિર્દી ઝીરો કરી નાંખી’
પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, દિવાળી અગાઉ પાંડેસરા વિસ્તારમાં એક ઓરડીમાં 14 વર્ષની પુત્રી સાથે એકલી રહેતી સુદોષનાને મળવા રોજ સત્યનારાયણ મુરલી શેટ્ટી નામનો યુવક આવતો હતો. પોલીસે તેની અટકાયત કરી હતી. પોલીસે પુછપરછ કરતા સત્યનારાયણે સુદોષનાની હત્યા કર્યાની કબૂલાત કરી હતી. સત્યનારાયણ અને સુદોષના ઓરિસ્સાના ગંજામમાં આજુબાજુના ગામમાં રહે છે, બંને વચ્ચે અઢી વર્ષથી પ્રેમ સંબંધ હતો અને તેથી જ દિવાળી અગાઉ સત્યનારાયણ તેને અને તેની પુત્રીને સુરત લાવ્યો હતો અને રૂમ અપાવ્યો હતો. સુદોષના સ્થાનિકોને કહેતી હતી કે તેનો પતિ પાગલ છે અને તેથી તેને છોડાવીને અહી લાવ્યો છે. જોકે, દોઢ મહિના બાદ તે પુત્રી સાથે પરત વતન ચાલી ગઈ હતી. દરમિયાન, થોડા દિવસ અગાઉ સત્યનારાયણની સગાઈ થયાની જાણ સુદોષનાને થઈ હતી. તેણે ગામથી સત્યનારાયણને ફોન કરી હું પ્રેગ્નેન્ટ છું. સુદોષનાએ ઈમોશનલ બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. સત્યનારાયણે તેને દાદ નહીં આપતા તે વેલેન્ટાઈન ડેના દિવસે રાત્રે 8 વાગ્યે ટ્રેનમાં સુરત આવી સીધી સત્યનારાયણના ઘરે પહોંચી હતી. ત્યાં સુદોષનાએ મગજમારી કરતા સત્યનારાયણ તેને સમજાવી ઘરની બહાર લાવ્યો હતો.
સત્યનારાયણે રાત્રે કોઈક જગ્યાએ રહેવાની વ્યવસ્થા કર્યા બાદ સવારે પરત ઓરિસ્સા મોકલવા સમજાવી તેની સાથે પરિચિત રીક્ષાવાળા સાથે નીકળ્યો હતો. જોકે, રસ્તામાં સુદોષના રીક્ષામાંથી કૂદી જવાની ધમકી આપતી હોય અને બંને ઝઘડો કરતા હોય રીક્ષા ચાલકે તેમને દક્ષેશ્વર મંદિર પાસે ઉતારી દીધા હતા. ત્યાંથી ચાલતા ચાલતા તેઓ બંધ મિલ પાસે પહોંચ્યા હતા. સત્યનારાયણે તેને શાંતિથી બેસી વાત કરવા કહ્યું હતું અને બંને મિલની અંદર ગયા હતા. પણ ત્યાં ફરી સુદોષનાએ ઝઘડો કરી તેને બે ઝાપટ મારતા સત્યનારાયણે ઉશ્કેરાઈને ત્યાં પડેલા પથ્થર મોઢા પર મારી પતાવી દીધી હતી. પોલીસે હાલ સત્યનારાયણની વધુ પુછપરછ હાથ ધરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે