પાનની પીચકારી મારનાર સામે ગુજરાતના આ શહેરમાં થશે પોલીસ ફરિયાદ, પણ ગલીએ ગલીએ વેચાતા માવાનું શું!
Surat Police Action On Spitting In Public : સુરત પોલીસ દ્વારા વર્ષ 2025 માં મોટું એક્શન હાથ ધરાશે... સુરતમાં જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે હવેથી પોલીસ FIR થશે
Trending Photos
Surat News : જાહેરમાં થૂંકનારા પર ગુજરાતના એક શહેરમાં મોટી કાર્યવાહી કરવાની પોલીસે પહેલ કરી છે. સુરત શહેરમાં જાહેર રસ્તા પર થૂંકનારા લોકો સામે હવે પોલીસ FIR થશે. ગુજરાતમાં જાહેરમાં થૂંકનારાની સીધી વ્યાખ્યા એટલે પાન-માવો ખાનારા. ગુજરાતમાં પાનની પીચકારી મારનારા પર કાર્યવાહી કરવાની વાત આવે છે, તો ગુજરાતના દરેક શહેર અને ગામમાં ગલીએ ગલીએ અને નાકા પર બનેલા પાનના ગલ્લાઓનું શું, જ્યાં આ બધી સામગ્રી બેરોકટોક વેચાય છે. ગુજરાતમાં જ્યાં મેડિકલ સ્ટોર પણ રાતે ખુલ્લા મળતા નથી, ત્યાં પાનના ગલ્લા મોડી રાત કે ક્યારેક વહેલી સવાર સુધી ખુલ્લા મળે છે. આ ઉપરાંત ગુજરાતમાં સ્વચ્છતાના નાટકો તો કરાય છે, પરંતું પાનની પીચકારી મારવા માટે કોઈ જાહેર સુવિધા સરકાર દ્વારા ઉભી કરવામાં આવી નથી. એક તરફ ગુજરાતમાં માવા ખાનારો વર્ગ એટલો મોટો છે કે વાત ન પૂછો. પરંતું બીજી તરફ માવા ખાનારે થૂંકવા ક્યાં જવું. જો પીચકારી મારવા કોઈ સુવિધા નથી, તો પાન ગલ્લાઓનું શું કામ.
માવો ખાશે તો થૂંકશે પણ ખરા, પરંતું થૂંકવુ ક્યાં એ તો સરકારે કહ્યું જ નથી
પ્રધાનમંત્રી સ્વચ્છતા અભિયાનનો નારો આપે છે. પરંતુ તેમના જ ગૃહ રાજ્યમાં પાન-મસાલા થૂંકીને રસ્તા, ઈમારતો, દીવાલોને લાલ કરનારા અસંખ્ય લોકો છે. સુરતમાં એક મોટી જાહેરાત કરાઈ છે કે, હવેથી જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે થશે પોલીસ FIR કરવામાં આવશે. પરંતું ગુજરાતમાં પાન-મસાલાનું દૂષણ બંધ થાય એમ નથી. યુવા વર્ગમાં આ વ્યસન વધી રહ્યું છે. માવો ખાશે તો થૂંકશે પણ ખરા, પરંતું થૂંકવુ ક્યાં એ તો સરકારે કહ્યું જ નથી. ગુજરાતમાં વરિયાળીને મુખવાસની જેમ માવો ખવાય છે. ત્યારે હવે સમય આવી ગયો છે કે, આ વ્યસનને ડામી દેવામાં આવે.
વર્ષ 2025 થી સુરત પોલીસ કડકાઈ અપનાવવાનું નક્કી કરી લીધું છે. ટ્રાફિક સહિતના નિયમોનું કડક પાલન કરવું પડશે. જો નહીં કરો તો પોલીસ કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરતમાં જાહેર રસ્તા પર સ્પીટિંગ કરનારા લોકો સામે હવેથી પોલીસ FIR થશે. શહેર પોલીસ પાલિકા સાથે સંકલન સાંધી કાર્યવાહી કરશે. સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારાને પોલીસ શોધી કાઢીને FIR દાખલ કરવામાં આવશે.
આ ઉપરાંત સુરત શહેર પોલીસ 45 દિવસ બાદ હેલ્મેટના નિયમની પણ ચુસ્ત અમલવારી કરાવશે. 45 દિવસ સુધી વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા અપીલ કરાશે. શાળા કોલેજો સહિતની સંસ્થાઓમાં હેલ્મેટ અંગે જાગૃતતા અભિયાન ચલાવાશે. ત્યાર બાદ હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલનો સામે ચુસ્ત અમલવારી થકી કડક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક સિગ્નલ તોડનારા લોકો સામે પણ પોલીસ FIR થશે. લાલ સિગ્નલ થયા બાદ પણ સિગ્નલ તોડી વાહન હંકારતા ચાલકો સામે ગુનો દાખલ કરાશે.
સુરત પોલીસે તૈયાર કર્યો રોડમેપ
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ માહિતી આપી છે. સુરત પોલીસે વર્ષ 2025 રોડમેપ તૈયાર કર્યો છે. રાજ્યગૃહ મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ રોડમેપ તૈયાર કરાયો છે. જેમાં ટ્રાફિકની વ્યવસ્થાને વધુ સુદઢ બનાવવા અંગેની દિશામાં પણ પ્રયાસ કરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે