ગુજરાતની નવી કેબિનેટમાં સુરતનો દબદબો, એક કેબિનેટ અને ત્રણ લોકોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા

ભાજપે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની નવી સરકારની રચના કરી લીધી છે. નવી સરકારમાં સુરતનું પ્રતિનિધિત્વ વધી ગયું છે. આમ આદમી પાર્ટી અને પાટીદારોને ધ્યાનમાં રાખતા સુરતમાંથી ચાર લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. 

Updated By: Sep 16, 2021, 05:39 PM IST
ગુજરાતની નવી કેબિનેટમાં સુરતનો દબદબો, એક કેબિનેટ અને ત્રણ લોકોને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા

સુરતઃ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ કર્યો છે. પહેલા મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી હતી. હવે પાર્ટીએ જૂના તમામ મંત્રીઓને પડતા મુકીને નવી કેબિનેટ બનાવી છે. આજે ગાંધીનગરમાં 10 કેબિનેટ સહિત કુલ 24 મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા છે. નવી કેબિનેટમાં તમામ સમાજ, વિસ્તાર સહિત અનેક સમીકરણોનું ધ્યાન રાખવામાં આવ્યું છો. તો હવે નવી કેબિનેટમાં સુરતનો પણ દબદબો જોવા મળ્યો છે. 

સુરતથી ચાર મંત્રીને મળ્યું કેબિનેટમાં સ્થાન
ગુજરાતની નવી સરકારમાં સુરતનો દબદબો વધ્યો છે. સુરતથી એક કેબિનેટ અને ત્રણ ધારાસભ્યોને રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. નવા મંત્રીમંડળમાં પુર્ણેશ મોદીને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. તો મજૂરાથી ધારાસભ્ય અને યુવા નેતા હર્ષ સંઘવીને રાજ્યકભાના મંત્રી (સ્વતંત્ર હવાલો) બનાવવામાં આવ્યા છે. ઓલપાડથી ધારાસભ્ય મુકેશ પટેલ અને કતારગામના વિનુ મોરડીયાને પણ નવી કેબિનેટમાં સ્થાન મળ્યું છે. મહત્વનું છે કે આ પહેલા સુરતથી સાંસદ દર્શના જરદોષને કેન્દ્રની સરકારમાં રાજ્યકભાના મંત્રી બનાવ્યા હતા. આમ જોઈએ તો સુરતનો દબદબો વધી રહ્યો છે. 

આ પણ વાંચોઃ Gujarat New Cabinet: ગુજરાતની નવી કેબિનેટમાં મુખ્યમંત્રી સહિત 7 પાટીદાર નેતાઓને મળ્યું સ્થાન

આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયાસ
મહત્વનું છે કે થોડા મહિના પહેલા રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું હતું. આપને ગુજરાતમાં સૌથી વધુ સફળતા સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં મળી હતી. સુરતમાં આમ આદમી પાર્ટીએ 27 સીટો જીતીને ગુજરાતની રાજનીતિમાં આગળ વધવાનું સપનું જોયું છે. સુરતમાં આદના 27 નેતાઓ જીતીને કોર્પોરેટર બની ગયા છે. હવે આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ વાતને ધ્યાનમાં રાખી ગુજરાતની નવી કેબિનેટમાં સુરતનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું છે. 

પાટીદારોનો પણ ગઢ છે સુરત
મહત્વનું છે કે સુરતને પાટીદારોનો ગઢ માનવામાં આવે છે. સુરતમાં અનેક સીટો પર પાટીદારો જીત-હાર નક્કી કરતા હોય છે, તેવામાં ભાજપે આ વખતે કુમાર કાનાણીને પડતા મુકી પાટીદાર નેતા વિનુ મોરડીયાને મંત્રી બનાવ્યા છે. તો આલપાડના મુકેશ પટેલને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. 

આ પણ વાંચો- નવી કેબિનેટમાં 15 મંત્રી કરોડપતિ, 7 મંત્રીઓની ઉંમર 50 વર્ષથી નીચે, જાણો ગુજરાતની નવી કેબિનેટને

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube