કેતન ઇનામદારના ભાઈ સહિત ત્રણ લોકોએ પિતા-પુત્ર સાથે કરી મારામારી, પિતાની આંખ ફૂટતા બચી

આ ઘટનામાં અનિલભાઈનો પુત્ર દુકાનમાં ટેપ વગાડતો હતો ત્યારે ટેપ ધીમું વગાડવાના મામલે મારામારી કરી હતી. અનિલભાઈનો પુત્ર દુકાનેથી ભાગી છૂટ્યો પણ દુકાન બંધ કરવા ગયેલા અનિલભાઈને પણ માર માર્યો હતો.

કેતન ઇનામદારના ભાઈ સહિત ત્રણ લોકોએ પિતા-પુત્ર સાથે કરી મારામારી, પિતાની આંખ ફૂટતા બચી

ઝી ન્યૂઝ/વડોદરા: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના ભાઈ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાવલીના દુકાનદારને માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેતન ઇનામદારના ભાઈ સંદીપ ઈનામદાર અને અન્ય ત્રણ ઈસમોએ મારામારી કરી હતી. જેમાં અનિલ પ્રેમશંકર મિસ્ત્રી અને તેમના પુત્રને માર માર્યો હતો. 

આ ઘટનામાં અનિલભાઈનો પુત્ર દુકાનમાં ટેપ વગાડતો હતો ત્યારે ટેપ ધીમું વગાડવાના મામલે મારામારી કરી હતી. અનિલભાઈનો પુત્ર દુકાનેથી ભાગી છૂટ્યો પણ દુકાન બંધ કરવા ગયેલા અનિલભાઈને પણ માર માર્યો હતો. આ ઘટના બાદ સંદીપ ઈનામદાર, ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદ પર ગડદા પાટુંનો માર મારવાનો આક્ષેપ લાગ્યો છે. અનિલ મિસ્ત્રીને આંખના ભાગે પટ્ટાનું બેલ્ટ વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમણે વડોદરામાં આંખની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. એટલું જ નહીં, આ લોકોએ માર મારી ગાળો બોલી મારી નાખવાની પણ ધમકી આપી હતી. અનિલ મિસ્ત્રીએ સાવલી પોલીસ મથકમાં સમગ્ર વિવાદ મામલે ફરિયાદ નોંધાવી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સાવલીમાં ભાલાવાડી ખડકીમાં અનિલકુમાર પ્રેમશંકર મિસ્ત્રી (ઉં.વ.56) રહે છે અને છૂટક સુથારી કામ તેમજ કન્સ્ટ્રક્શનનું કામ કરીને ગુજરાન ચલાવે છે અને પત્ની હિનાબહેન, મોટા પરિણીત પુત્ર પાર્થ તેના પરિવાર તેમજ નાના પુત્ર ચિંતન ઉર્ફ ચિન્ટુ (ઉં.23) સાથે રહે છે. બે માસ પહેલાં સાવલી ખાતે આવેલી સાંઇ હોસ્પિટલની નીચે ભાડાની દુકાન રાખીને પાર્થ તેમજ ચિંતન ઉર્ફ ચિન્ટુ ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તા.8 માર્ચના રોજ ધૂળેટીના દિવસે 10:30 વાગ્યાના સુમારે ચિંતન ઉર્ફ ચિન્ટુએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, આપણી દુકાને સંદિપ મહેન્દ્રભાઇ ઇનામદારે મારી સાથે મારામારી કરી છે. હું દુકાન ખુલ્લી મૂકીને ભાગી ગયો છું. તમે દુકાન બંધ કરી દેજો. ટેપનો અવાજ ધીમો કરવા બાબતે માર માર્યો હતો.

પુત્ર ચિંતને રડમસ અવાજે ફોન કરતા પિતા અનિલભાઇ મિસ્ત્રી તુરંત જ એક્ટિવા લઇને દુકાને પહોંચ્યા હતા. તે વખતે હું કઇ બોલુ તે પહેલા જ સંદિપ મહેન્દ્રભાઇ ઇનામદાર, ચિંતન બારોટ, ચેતન વાળંદ અને હિરેન વાળંદે અપશબ્દો બોલીને મારવાનું શરૂ કરી દીધું હતું. જેમાં ચેતન વાળંદે તેનો બેલ્ટ કાઢીને મારવાનું શરૂ કર્યું હતું. બેલ્ટનું બક્કલ ડાબી આંખ અને કાન ઉપર વાગતા ઇજા પહોંચી હતી. ચારેય વ્યક્તિઓ દ્વારા મારવામાં આવેલા મારમાં બંને પગ અને હાથ ઉપર પણ ઇજા પહોંચી હતી. દરમિયાન પુત્ર ચિંતન તેમજ બચાવવા માટે આવેલા સ્થાનિક લોકો હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news