ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ

Updated By: Nov 21, 2020, 12:00 PM IST
ઘરે ઘરે રંગોળી કરીને વીરપુરમાં જલારામ જયંતી ઉજવાઈ
  • વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.
  • ભક્તોને ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા મંદિર અને જલારામ બાપાના પરિવાર દ્વારા અપીલ કરાઈ

નરેશ ભાલિયા/વીરપુર :સંત શિરોમણી જલારામ બાપાની આજે 221 મી જન્મ જયંતી છે. ત્યારે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. જલારામ ભક્તો દ્વારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ભક્તોને ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવા મંદિર અને જલારામ બાપાના પરિવાર દ્વારા અપીલ કરાઈ છે. તો બીજી તરફ મંદિરમાં દર્શન કરવા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. નોંધણી કરાવી, થર્મલ સ્કેનિંગ, સેનેટાઈઝર જેવા પગલાં બાદ જ મદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. 

આ પણ વાંચો : માલવણ હાઈવે ગંભીર અકસ્માત, કારમાં સવાર 5 લોકો જીવતા ભડથુ થયા 

ભક્તોને ઘરે ઉજવણી કરવા અપીલ 
આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરના ગાદીપતિ પૂજ્ય રઘુરામબાપાએ લોકોને પોતપોતાના ઘેર જ રહીને પૂજ્ય જલારામબાપાની જન્મ જયંતી ઉજવવા અનુરોધ કર્યો છે. સૌ ભક્તોએ મંદિરે પહોંચી પૂજ્ય જલારામબાપાના દર્શન કરી નવું વર્ષ કોરોના મુક્ત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરી હતી.

ભક્તો ક્યાં ક્યાંથી પહોંચ્યા
જલારામ બાપાના ભક્તો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. ત્યારે આજે તેમની 221મી જન્મજયંતી હોઈ દેશના ખૂણેખૂણેથી ભક્તો વીરપુર આવ્યા છે. જલારામ બાપાની જન્મજયંતીએ પદયાત્રા કરીને આવનારા ભક્તોનો વર્ગ મોટો છે, ત્યારે આજે સવારથી જ મંદિરમાં માથુ ટેકવવા પહોંચ્યા હતા. હજી પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી.

આ પણ વાંચો : કરફ્યૂમાં વાહન ન મળતા હાથમાં બેગો ઉઠાવી ચાલતા નીકળ્યા મુસાફરો, રીક્ષાચાલકોએ ત્રણ ગણું ભાડું માંગ્યું 

વીરપુર ગામમાં લોકોએ ઘરે ઘરે રંગોળી કરી 

આ વર્ષે વીરપુરમાં કોરોના મહામારીમાં ઉજવણી પર બ્રેક લાગી છે. ત્યારે આજે વીરપુરની અંદર ગામમાં લોકોએ ઘરે ઘરે રંગોળી કરીને જયંતીની ખાસ બનાવી છે. દરેક ઘરની બહાર આકર્ષક રંગોળી જોવા મળી રહી છે. જયંતીને લઈને વીરપુરવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધ્યા છે.