ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!

ઈસરો દ્વારા સોમવારે લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન-2ના નિર્માણ બજેટની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે અને સાથે જ ભારતીય વૈજ્ઞાનિકોની આટલી મોટી ઉપલબ્ધી પર ગર્વ પણ થશે 
 

ચંદ્રયાન-2: હોલિવૂડ ફિલ્મ અવેન્જર્સ કરતાં પણ ઘણા ઓછા બજેટમાં પૂર્ણ થયું સમગ્ર મિશન...!

નવી દિલ્હીઃ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંસ્થાન (ઈસરો) દ્વારા સોમવારે બપોરે 2.43 કલાકે ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દેવાયું હતું. આ ચંદ્રયાન 48 દિવસની સફર પૂરી કર્યા પછી ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ઉતરાણ કરશે. ઈસરો તેની મદદથી ચંદ્રની સપાટી અને ત્યાંના વાતાવરણનો અભ્યાસ કરશે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, એક હોલિવૂડની ફિલ્મના બજેટ કરતાં પણ અત્યંત ઓછી કિંમત રૂ.978 કરોડના ખર્ચે ચંદ્રયાન-2 તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય વૈજ્ઞાનિકોની આટલી મોટી ઉપલબ્ધી જાણીને તેમને તેમના પર ગર્વ થશે. 

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, ચંદ્રયાન-2ના નિર્માણ પાછળ જે કુલ ખર્ચ થયો છે તે તાજેતરમાં જ આવેલી હોલિવૂડની ફિલ્મ 'અવેન્જર્સઃ એન્ડ ગેમ' કરતાં પણ ઓછો છે. માત્ર અવેન્જર્સ જ નહીં પરંતુ હોલિવૂડની અનેક ફિલ્મોના મસમોટા બજેટ કરતાં તદ્દન ઓછા ખર્ચે ઈસરોના વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-2 મિશન પાર પાડ્યું છે. આ લોન્ચિંગ સાથે જ ચંદ્ર પર પહોંચનારા અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. 

ચંદ્રયાન-2 પાછળ થયો 978 કરોડનો ખર્ચ 
ચંદ્રયાન-2ના લોન્ચ પાછળ ઈસરોએ કુલ 978 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ચંદ્રયાન-2 603 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને તેને લઈ જનારું રોકેટ GSLV Mk-III રૂ.375 કરોડની કિંમતનું છે. એટલે કે 978 કરોડને ડોલરમાં ફેરવીએ તો 142 મિલિયન ડોલરનો ખર્ચ ભારતને આવ્યો છે. ભારતનું ચંદ્રયાન-2 મિશન દુનિયાના અન્ય દેશો દ્વારા કરવામાં આવેલા મિશનની સરખામણીએ અત્યંત સંસ્તું છે અને તેને સંપૂર્ણપણે સ્વદેશમાં જ તૈયાર કરાયું છે. એટલે કે, તેમાં એક પણ વિદેશી વસ્તુનો ઉપયોગ કરાયો નથી. 

અવેન્જર્સ એન્ડ ગેમ બની છે અધધ રૂ. 2,443 કરોડમાં
તાજેતરમાં જ આવેલી અને વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ 'અવેન્જર્સઃ એન્ડ ગેમ' અધધ રૂ.2,443 કરોડ (356 મિલિયન ડોલર)ના ખર્ચે બની હતી. અવેન્જર્સ શ્રેણીની તમામ ચાર ફિલ્મોનો ખર્ચ ચંદ્રયાન-2 મિશન કરતાં વધુ છે. પ્રથમ ફિલ્મ 'ધ અવેન્જર્સ' 220 મિલિયન ડોલર, બીજી ફિલ્મ 'અવેન્જર્સઃ ઈન્ફિનિટી વોર' 316 મિલિયન ડોલર અને ત્રીજી ફિલ્મ 'અવેન્જર્સઃ એજ ઓફ અલ્ટ્રોન' 365 મિલિયન ડોલરના ખર્ચે બની હતી. 

અન્ય હોલિવૂડ ફિલ્મોનું બજેટ પણ ચંદ્રયાન-2 કરતાં મોટું 
માત્ર અવેન્જર્સ શ્રેણી જ નહીં પરંતુ હોલિવૂડની અન્ય ફિલ્મોનું બજેટ પણ ભારતના ચંદ્રયાન-2 મિશન કરતાં ઘણું મોટું રહ્યું છે. 'પાઈરેટ્સ ઓફ કેરેબિયનઃ ઓન સ્ટેરન્જર ટાઈડ્સ' 379 મિલિયન ડોલરના ખર્ચે બની હતી. આ ઉપરાંત 'પાઈરેટ્સ ઓફ કેરેબિયનઃ એડ વર્લ્ડ એન્ડ' અને 'જસ્ટિસ લીગ' 300 મિલિયન ડોલરના ખર્ચે બની હતી. આ કિંમતમાં તો ભારતના બે ચંદ્રયાન મિશન તૈયાર થઈ જાય. 

'પાઈરેટ્સ ઓફ કેરેબિયન'ની તમામ શ્રેણીઓ ઉપરાંત હેરી પોટરની તમામ સીરીઝ, 'હંગર ગેમ્સઃ મોકિંગજે' નો ભાગ-1 અને ભાગ 2 સહિતની હોલિવૂડની અનેક ફિલ્મોનું બજેટ પણ ભારતના ચંદ્રયાન-2 કરતાં મોટું હતું. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news