PM મોદીએ જિનપિંગને જે પથ્થર બતાવ્યો તેનું છે ઐતિહાસિક મહત્વ, સાત હાથી પણ જેને હલાવી શક્યા નહતાં

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. અહીંથી બપોરે તેઓ નેપાળ જવા રવાના થઈ જશે. તામિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠકોનો દોર ચાલુ છે. 

PM મોદીએ જિનપિંગને જે પથ્થર બતાવ્યો તેનું છે ઐતિહાસિક મહત્વ, સાત હાથી પણ જેને હલાવી શક્યા નહતાં

ચેન્નાઈ: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસના ભારત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. અહીંથી બપોરે તેઓ નેપાળ જવા રવાના થઈ જશે. તામિલનાડુના ઐતિહાસિક શહેર મહાબલીપુરમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગ વચ્ચે અનૌપચારિક બેઠકોનો દોર ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને મહાબલીપુરમના મંદિરો અને દક્ષિણ ભારતીય સંસ્કૃતિથી રૂબરૂ કરાવ્યાં હતાં. બંને નેતાઓની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ છે. આ દરમિયાન એક તસવીર લોકો માટે કુતૂહલ બની ગઈ છે જેમાં પીએમ મોદી અને શી જિનપિંગ હાથમાં હાથ રાખીને ઊચો કરી રહ્યાં છે અને પાછળ એક વિશાળકાય પથ્થર છે. જે ખુબ જ ખતરનાક  રીતે આગળ ઝૂકેલો છે. આ પથ્થર પાછળ મોટો ઈતિહાસ છૂપાયેલો છે. 

વાત જાણે એમ છે કે 250 ટનનો આ પથ્થર કૃષ્ણા બટર બોલ કહેવાય છે. જે છેલ્લા લગભગ 1300 વર્ષથી ભૂકંપ, ત્સુનામી, વાવાજોડા સહિત અનેક પ્રકારની કુદરતી આફતો આવવા છતાં અડીખમ તેના સ્થાને જોવા મળે છે. એટલું જ નહીં આ પથ્થરને હટાવવા માટે ઘણા માનવીય પ્રયત્નો પણ થયા છે પરંતુ નિષ્ફળ રહ્યાં. દુનિયાભરમાંથી લોકો મહાબલીપુરમ પહોંચે છે અને આ પ્રાકૃતિક પથ્થરથી બનેલો કૃષ્ણા બટર બોલ બધા માટે આશ્ચર્યનું કેન્દ્ર બને છે. 

— ANI (@ANI) October 11, 2019

કૃષ્ણા બટર બોલ અથવા તો વાનિરાઈ કાલ (આકાશના ભગવાનનો પથ્થર) એક પહાડી પર આવેલો છે. 20 ફૂટ ઊંચા અને 5 મીટર પહોળા આ પથ્થરનું વજન લગભગ 250 ટન છે. આ વિશાળકાય પથ્થર પહાડી પર ખુબ જ ઓછી જગ્યામાં અડીખમ ઊભો છે. તેને જોઈને કોઈને પણ એમ જ લાગે કે આ ગમે ત્યારે પડશે. આ જ કારણે જોખમ ઉઠાવનારા લોકો જ તેની નીચે બેસે છે. આ પથ્થર લગભગ 45 ડિગ્રીના ઢાળ પર છેલ્લા 1300 વર્ષથી મહાબલીપુરમમાં અડીખમ છે. 

પથ્થર પર ગુરુત્વાકર્ષણ શક્તિ બેઅસર જોવા મળે છે. અહીંના સ્થાનિક લોકોનું માનવું છે કે કાં તો ઈશ્વરે આ પથ્થરને મહાબલીપુરમમાં રાખ્યો હતો, તેઓ સાબિત કરવા માંગતા હતાં કે તેઓ કેટલા શક્તિશાળી છે અથવા તો પછી સ્વર્ગમાંથી આ પથ્થર આવ્યો હતો. આ બાજુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પથ્થર પોતાના પ્રાકૃતિક સ્વરૂપમાં છે. ભૂવૈજ્ઞાનિકોનું માનવું છે કે ધરતીમાં આવેલા પ્રાકૃતિક ફેરફારના કારણે આ પ્રકારના અસમાન્ય આકારના પથ્થરનો જન્મ થયો છે. 

ભગવાન કૃષ્ણનું માખણ
આ બધા વચ્ચે હિન્દુ ધર્મમા એવું પણ  કહે છે કે ભગવાન કૃષ્ણ છાશવારે પોતાની માતાના માટલામાંથી માખણ ચોરી કરતા હતાં અને તે પ્રાકૃતિક પથ્થર હકીકતમાં શ્રીકૃષ્ણ દ્વારા ચોરી કરાયેલા માખણનો ઢગલો છે જે સુકાઈ ગયું છે. કૃષ્ણા બટર બોલ જોઈને એવું લાગે કે તે ગમે ત્યારે પડી શકે છે પરંતુ આ પત્થરને હટાવવા માટે છેલ્લા 1300 વર્ષથી અનેક પ્રયત્નો થયા જે નિષ્ફળ ગયાં. પહેલીવાર સન 630થી 668 વચ્ચે દક્ષિણ ભારત પર શાસન કરનારા પલ્લવ શાસક નરસિંહ વર્મને તેને હટાવવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે આ પથ્થર સ્વર્ગમાંથી પડ્યો છે આથી મૂર્તિકાર તેને સ્પર્શી શકે નહીં. પલ્લવ શાસકનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો. 

જુઓ LIVE TV

સાત હાથી પણ હટાવી શક્યા નથી
વર્ષ 1908માં બ્રિટિશ શાસન દરમિયાન મદ્રાસના ગવર્નર આર્થર લાવલેએ તેને હટાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. લાવલેને એવો ડર હતો કે જો આ વિશાળકાય પથ્થર પડ્યો અને કસ્બામાં પહોંચી ગયો તો અનેક લોકોના જીવ જઈ શકે છે. તેને હટાવવા માટે ગવર્નર લાવલેએ સાત હાથીઓની મદદથી હટાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ પથ્થર જરાય ટસનો મસ ન થયો. આખરે ગવર્નર લાવલેએ હાર સ્વીકારવી પડી. હવે આ પથ્થર સ્થાનિક લોકો અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news