એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ઘરમાં ઘૂસી સગીરાને જીવતી સળગાવી
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સગીરાને એના જ ઘરમાં ઘૂસીને જીવતી સળગાવી દેતાં તેણીની હાલત ગંભીર થવા પામી છે. સગીરા 90 ટકાથી વધુ દાઝી જતાં હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
Trending Photos
આઝમગઢ : એક તરફી પ્રેમનો રૂવાડાં ઉભાં કરી દેનારો કિસ્સો ઉત્તરપ્રદેશમાં સામે આવ્યો છે. પ્રેમને પામવા માટે પાગલ પ્રેમીએ સગીરાને જીવતી સળગાવી દેતાં ચકચાર મચી જવા પામી છે. સગીરા 90 ટકા કરતાં વધુ દાઝી હોવાથી સારવાર માટે દાખલ કરાઇ છે. જોકે હાલત ગંભીર હોવાનું તબીબો જણાવી રહ્યા છે. જ્યારે આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ ઉભો થતાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
સપા પ્રમુખ મુલાયમસિંહ યાદવના ગઢ એવા આઝમગઢમાં ખળભળાટ મચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલે દલિત સગીરાને એના જ ઘરમાં ઘૂસીને પામવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેણી તાબે ન થતાં છેવટે આગને હવાલે કરી દેતાં ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને યુવકને પકડી લીધો હતો. રોષે ભરાયેલા લોકોએ આ યુવકને બરોબરનો મેથીપાક પણ ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો.
સગીરા 90 ટકા કરતાં વધુ દાઝી જતાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જોકે એની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. તો બીજી તરફ લોકોએ ફટકારતાં યુવક પણ ઘાયલ થતાં એને પણ હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને બંનેની સારવાર એક જ હોસ્પિટલમાં ચાલી રહી છે.
ચકચારી આ કિસ્સ નિજામાબાદના ફરીહા ગામનો છે. પરિવારજનોનું કહેવું છે કે, આ યુવક લાંબા સમયથી એમની પુત્રીને હેરાન પરેશાન કરતો હતો. તે વારંવાર ફોન કરીને પરેશાન કરતો હતો. ઘટનાના દિવસે તો એ એકદમ ઘરમાં ઘૂસી આવ્યો હતો અને નંબર લેવા માટે એની સાથે છેડછાડ કરવા લાગ્યો હતો. સગીરાએ જ્યારે છેડછાડનો વિરોધ કર્યો તો એને જીવતી સળગાવી હતી. આગની જ્વાળાઓમાં લપેટાયેલી સગીરા એકાએક ઘરની બહાર દોડી આવતાં હોબાળો મચી ગયો હતો અને લોકો એકઠા થઇ જતાં આ યુવકને પકડી લીધો હતો અને મેથીપાક ચખાડ્યો હતો.
આ ઘટનાને પગલે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાતાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગંભીર હાલતમાં તેણીને વારાણસી રિફર કરવામાં આવી છે. યુવક અને સગીરા બંને અલગ અલગ જુથના હોવાથી ગામમાં સ્થિતિ વધુ ન વણસે એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આરોપી યુવક પણ આ જ ગામનો રહેવાસી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે