ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ

ખેડૂતોની સમસ્યાઓને લઈને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પગપાળા કૂચ કરી આવેલા ભારતીય ખેડૂત સંગઠનની 15માંથી 5 માગણીઓને મોદી સરકારે સ્વીકારી લીધી છે.

ખેડૂતોના પ્રતિનિધિ મંડળે કૃષિ ભવનમાં અધિકારીઓ સાથે કરી મુલાકાત, 5 માગણીઓ સ્વીકારાઈ

નવી દિલ્હી: ખેડૂતોની સમસ્યાઓને લઈને ઉત્તર પ્રદેશના સહારનપુરથી દિલ્હી પગપાળા કૂચ કરી આવેલા ભારતીય ખેડૂત સંગઠનની 15માંથી 5 માગણીઓને મોદી સરકારે સ્વીકારી લીધી છે. ત્યારબાદ ખેડૂતોએ હાલ આંદોલન ખતમ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી આવેલા ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળે કૃષિ ભવનમાં જઈને કૃષિ મંત્રાલયના અધિકારીઓ સાથે મુલાકાત કરી અને પોતાની વાત રજુ કરી હતી. ત્યારબાદ ખેડૂતોએ પોતાનું આંદોલન હાલ પૂરતું ખતમ કરવાની વાત કરી. જો કે ભારતીય કિસાન સંગઠનના પ્રમુખ પુરન સિંહે કહ્યું કે આંદોલન ખતમ થયું નથી. આ અસ્થાયી વ્યવસ્થા છે. અન્ય માગણીઓને લઈને અમે 10 દિવસ પછી વડાપ્રધાનને મળીશું. જો સરકાર માગણીઓ સ્વીકારશે તો આંદોલન બંધ નહીં તો સહારનપુરથી ફરીથી શરૂ કરીશું. 

અત્રે જણાવવાનું કે ખેડૂતોને દિલ્હીમાં ઘૂસતાની સાથે જ બોર્ડર પર રોકી દેવામાં આવ્યાં હતાં. ખેડૂતો મોટી સંખ્યામાં દિલ્હી બોર્ડર પર ઘરણા પર બેસી ગયા હતાં. તેમની માગણી હતી કે સરકાર તેમની સાથે વાત કરે અથવા તો પછી તેમને દિલ્હીના કિસાન ઘાટ જવા દે. ત્યારબાદ ખેડૂતોના 11 સભ્યોના પ્રતિનિધિમંડળને દિલ્હી પોલીસની ગાડીમાં કૃષિ મંત્રાલય લઈ જવામાં આવ્યાં. ત્યાં તેમણે પોતાની વાત રજુ કરી. 

જુઓ LIVE TV

ખેડૂતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેમની માગણીઓ પર વિચાર કરવામાં આવશે. ખેડૂતો તરફથી ત્યાં ગયેલું 11 સભ્યોનું પ્રતિનિધિમંડળ મુલાકાત બાદ સંતુષ્ટ છે. 5 માગણીઓ માની લેવાઈ છે. પાક વીમો, નદીઓ સંબધિત સમસ્યાઓ તેમાં સામેલ છે. એક ખેડૂત નેતાએ એવું નિવેદન આપ્યું છે કે હવે ખેડૂતો શાંતિપૂર્ણ રીતે પાછા જતા રહેશે. 

— ANI (@ANI) September 21, 2019

અત્રે જણાવવાનું કે હજારોની સંખ્યામાં ખેડૂતોએ કરજમાફી અને બાકી લેણી રકમ સહિત 12 માગણીઓને લઈને દિલ્હી તરફ કૂચ કરી હતી. હજારો ખેડૂતો ટ્રેક્ટર અને ટ્રોલી તથા પગપાળા દિલ્હી-યુપી બોર્ડર પહોંચ્યા હતાં. ખેડૂતો પોતાની માગણીને લઈને દિલ્હીના ખેડૂત ઘાટ જવાની જીદ પર અડી ગયા હતાં. ખેડૂતોને રોકવા માટે વોટર કેનન, ફાયર બ્રિગેડ, રેપિડ એક્શન ફોર્સ, સહિત મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરાયા હતાં. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમની વાત સાંભળવા નથી માંગતી. તેઓ છેલ્લા 12 દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે પરંતુ તેમની સાથે વાત કરવા કોઈ આવ્યું નથી. આથી હવે તેમની પાસે કિસાન ઘાટ સુધી યાત્રા કાઢવા સિવાય કોઈ રસ્તો બચ્યો નથી. 

ખેડૂતોના નેતા પૂરન સિંહે જણાવ્યું હતું કે કૃષિ મંત્રાલયની સાથે ખેડૂતોની વાર્તા નિષ્ફળ ગયા બાદ દિલ્હી તરફ કૂચ કર્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો. અમે ઈચ્છીએ છીએ કે અમારી માગણીઓ તરફ દેશનું ધ્યાન જાય.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news