પાક વેચ્યા બાદ મળ્યા રૂ.4, ગુસ્સે ભરાયેલા ખેડૂતે કૃષિ મંત્રીને મોકલ્યો મનીઓર્ડર, પત્નીએ બંગડીઓ મોકલી

ખેડૂતની પત્નીએ કૃષિ મંત્રીની ધર્મ પત્નીને બંગડીઓ સાથે એક પત્ર પણ લખીને મોકલ્યો છે, જેમાં તેણે મહારાષ્ટ્રમાં ડૂંગળીના ભાવમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે ખેડૂતોને જે મુશ્કેલી પડી રહી છે તેનું વર્ણન કર્યું છે 

પાક વેચ્યા બાદ મળ્યા રૂ.4, ગુસ્સે ભરાયેલા ખેડૂતે કૃષિ મંત્રીને મોકલ્યો મનીઓર્ડર, પત્નીએ બંગડીઓ મોકલી

પુણે/જુન્નર (હેમંત ચોપડે): મહારાષ્ટ્રમાં ડૂંગળીના ભાવને લઈને ખેડૂતોની મુશ્કેલી ઘટવાનું નામ લેતી નથી. પુણેના એક ખેડૂતને 1,484 કિલો ડૂંગળી વેચવાના બદલામાં માત્ર રૂ.4 મળ્યા હતા. બાકીના રૂપિયા ડૂંગળીના માર્કેટયાર્ડમાં જ વપરાઈ ગયા. ગુસ્સે થયેલા ખેડૂતે રૂ.50નો ખર્ચ કરીને બાકી બચેલા આ રૂ.4 પણ કૃષિમંત્રી રાધા મોહન સિંહને મનીઓર્ડર કરીને મોકલી આપ્યા છે. તેની સાથે જ ખેડૂતની પત્નીએ કૃષિ મંત્રીની ધર્મપત્નીને બંગડીઓ સાથે એક પત્ર પણ મોકલ્યો છે, જેમાં તેણે મહારાષ્ટ્રમાં ડૂંગળીના ભાવમાં આવેલા ધરખમ ઘટાડાને કારણે ખેડૂતોને પડી રહેલી પારાવાર મુશ્કેલીનું વર્ણન કર્યું છે.

પુણેના શિરૂર તાલુકાના ટાકલી હાજી ગામમાં રહેતાસંજય બાહરતે એ બાબતથી નારાજ છે કે જે ડૂંગળીની ખેતી માટે તેણે બે-ત્રણ મહિના સુધી પરસેવો પાડ્યો, તે ડૂંગળીના પાકના તેને માત્ર રૂ.4 મળ્યા છે. તેણે જણાવ્યું કે, 1484 કિલો ડૂંગળીના તેને માત્ર રૂ.4 મળ્યા છે. આથી તેણે ગુસ્સે થઈને આ બાકીના રૂ.4 પણ કેન્દ્રીય કૃષિ મંત્રી રાધા મોહન સિંહને મનીઓર્ડર મારફતે મોકલી આપ્યા છે. 

ખેડૂત દ્વારા રજૂ કરાયેલા હિસાબ મુજબ, તેને 1458 કિલો ડૂંગળીના બદલામાં રૂ.2,362 મળ્યા હતા. જેમાં તેને ડૂંગળીને માર્કેટયાર્ડ સુધી લાવવાનો ખર્ચ રૂ.1,280 થયો હતો. હમાલીનો ખર્ચ તેને રૂ.108 આવ્યો, તોલવાના રૂ.61.44 આપ્યા. વાહનમાંથી ડૂંગળી ઉતારવા માટે તેણે રૂ.16નો ખર્ચ કર્યો અને બારદાન માટે રૂ.869નો ખર્ચ થયો. સાથે જ અન્ય ખર્ચ માટે તેણે 31 પૈસા પણ ચૂકવ્યા. 

આમ, આ રીતે તેના દ્વારા કુલ રૂ.2,358નો ખર્ચ કરી દેવાયા બાદ તેના હાથમાં માત્ર રૂ.4 આવ્યા. સંજયની પત્ની મનીષા બારહતેએ જણાવ્યું કે, રૂ.4માં ચાર લોકોના પરિવારનું ગુજરાન કેવી રીતે ચાલે. બાળકોની ફી, ઘરનો ખર્ચ, વિજળી, પાણીનું બિલ આ બધું અમે ક્યાંથી લાવીએ? 

ખેડૂતની પત્નીએ જણાવ્યું કે, કેન્દ્રીય કૃષિ મંત્રીએ આ અંગે જવાબ આપવો જોઈએ. આ માત્ર અમારી જ નહીં પરંતુ લગભગ ડૂંગળી પકવતા દરેક ખેડૂતની આવી જ હાલત છે. સરકારે ખેડૂતોની મુશ્કેલી સમજીને તેનો ઉકેલ લાવવો જોઈએ, જેથી તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news