નદીઓ ગાંડીતૂર...પૂરનો પ્રકોપ...અનેક રાજ્યોમાં આકાશી આફત...જાણો ગુજરાતનું શું થશે
Weather Update: ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે.
Trending Photos
Weather Update: નેપાળને અડીને આવેલાં ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત છે તો અસમમાં અનેક વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી ન ઓસરતાં લોકોની હાલત કફોડી બની ગઈ છે. તેની વચ્ચે હવે મેઘરાજાએ દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં કોહરામ મચાવવાનું શરૂ કર્યું છે ત્યારે કયા રાજ્યમાં કેવો જોવા મળ્યો મેઘકહેર? જાણો વિગતવાર આ રિપોર્ટમાં...
ભારતમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. પૂર્વ, ઉત્તર, દક્ષિણ સહિત તમામ દિશાઓમાં મેઘમહેર હવે મેઘકહેરમાં ફેરવાઈ ગઈ છે. બિહારના અરરિયામાં પૂરના પાણીના ભારે પ્રવાહ અને તંત્રની ઘોર બેદરકારીએ રાજ્યના વધુ એક બ્રિજનો ભોગ લીધો છે. આ પુલ જિલ્લાના ગોપાલપુરથી મઝુઆના રસ્તાને જોડતો હતો. આ પુલે જળસમાધિ લઈ લેતાં અનેક ગામડાઓનો સંપર્ક કપાઈ ગયો છે.
- આકાશી આફતનો કહેર
- દેશના અનેક રાજ્યોમાં મેઘકહેર
- ઉત્તરથી દક્ષિણ સુધી જળપ્રલય
- નદીઓ ગાંડીતૂર, લોકો હેરાન-પરેશાન
- અનરાધાર વરસાદ, મુશ્કેલી અપાર
- અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
ઉપરવાસમાં વરસી રહેલાં ભારે વરસાદથી ઉત્તર પ્રદેશની હાલત ખરાબ થઈ ગઈ છે. જેમાં ગોરખપુરમાં રાપ્તી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે નદીકાંઠાના વિસ્તારના ગામડાઓમાં નદીના પાણી ફરી વળ્યા છે પરિણામે સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પ્રશાસને હોડીની મદદથી પૂરગ્રસ્ત ગામડાઓમાં ઈન્સ્પેક્શન કર્યુ છે. ઉત્તર પ્રદેશના પીલીભીતમાં શારદા અને દેવહા નદીના પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા છે પરંતુ તેના પાણીએ નીચાણવાળા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. લોકોના ઝૂંપડા, મકાન, ખેતરો, ઘરવખરીને મોટું નુકસાન થયું છે. જેના કારણે તેઓ હવે સરકાર પાસે સહાયની માગણી કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશમાં પણ હવે મેઘસવારી આવી પહોંચી છે. જેના કારણે શિપ્રા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. નદીના જળસ્તરમાં વધારો થતાં નદીકાંઠે આવેલાં મંદિરો, તમામ વિસ્તારો જળમગ્ન બની ગયા છે અને હજુ પણ નદીમાં પાણી વધે તેવી શક્યતા હોવાથી તંત્ર અલર્ટ મોડમાં છે.
કર્ણાટકના અનેક વિસ્તારોમાં આફતનો વરસાદ તૂટી પડ્યો છે. જેના કારણે શિવમોગા અને હસન વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ ગયા હતા. તો ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતાં રસ્તાઓ બંધ થઈ ગયા. અનરાધાર વરસાદથી અનેક જગ્યાએ લેન્ડસ્લાઈડ થતાં લોકોની હાલાકીમાં વધારો થયો છે.
તમિલનાડુના કોઈમ્બતુરમાં આકાશમાંથી અનરાધાર પાણી વરસતાં નોયલ નદી, ચુન્નામ્બુ કલવઈ ચેકડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. ચેકડેમ નવા નીરથી છલકાતાં રમણીય દ્રશ્યો સર્જાયા હતા. હવામાન વિભાગે દેશના 9 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. એટલે મેઘો જુલાઈમાં પૂરબહારમાં ખીલ્યો છે. જેના કારણે ધરતી તો લીલીછમ બની જશે પરંતુ લોકોની મુશ્કેલીમાં અપાર વધારો થશે તે નક્કી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં પણ હાલ વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં હાલ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જેને પગલે તંત્ર દ્વારા અનેક જિલ્લાઓમાં રેસ્ક્યુ ટીમોને પણ અલર્ટ કરવામાં આવી છે. સ્થાનિક પ્રશાસનની સાથોસાથ રાજ્ય સરકાર પણ તેની ચિંતા કરી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે