જવાનોની શહાદત પર ફારુક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-'બંને તરફથી થાય છે ફાયરિંગ'

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

જવાનોની શહાદત પર ફારુક અબ્દુલ્લાનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું-'બંને તરફથી થાય છે ફાયરિંગ'

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પાકિસ્તાન તરફથી થઈ રહેલા ફાયરિંગમાં કેપ્ટન સહિત ચાર જવાનોની શહાદતના સવાલ પર ફારુકે કહ્યું કે બંને તરફથી શસ્ત્રવિરામનો ભંગ થઈ રહ્યો છે. ફાયરિંગ બંને તરફથી થઈ રહ્યું છે. આથી કોઈ એક પર દોષનો ટોપલો ઢોળવો ખોટી વાત છે. ફારુકે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં હાલાત બગડતા જાય છે, હાલ યુદ્ધ જેવી સ્થિતિ બની છે. પંચાયતની ચૂંટણીઓ ટાળવી પડી છે. યુદ્ધથી કાશ્મીરમાં ક્યારેય હાલાત સુધરશે નહીં. ભારતે પાકિસ્તાન સાથે વાતચીતનો સીલસીલો શરૂ કરવો જોઈએ. તેમણે કહ્યું કે કારગીલ યુદ્ધ બાદ તત્કાલિન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના પરવેઝ મુશરર્ફને વાતચીત માટે બોલાવ્યાં હતાં. 

ફારુક અબ્દુલ્લાએ આ અગાઉ પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યાં છે. ગત વર્ષ 23 ડિસેમ્બરના રોજ જમ્મુ અને કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું હતું કે પીએમ મોદી પોતે ભોજન કરવા માટે પાકિસ્તાન ગયા હતાં...ચત્યારે કોઈએ તેમના વિરુદ્ધ કાવતરું કર્યું? જ્યારે તેમણે ભોજન કર્યું. આ સાથે જ તેમણે એમ પણ ક્હ્યું હતું કે પાકિસ્તાન કોઈ કાવતરું કરતું નથી. ફારુકે તો એટલે સુદ્ધા કહી નાખ્યું કે પીઓકે ભારતનો ભાગ ક્યારેય બની શકશે નહીં. 

ગત વર્ષે ફારુકે કહ્યું હતું કે જો કેન્દ્ર કશ્મીરના લોકોના મન જીતવા માંગતું હોય તો તેણે રાજ્યની સ્વાયત્તા બહાલ કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો આજે અમે વિલય અને સ્વાયત્તતાની શરત પર વાત કરીએ તો શું અમારા પર ગદ્દાર અને રાષ્ટ્રવિરોધી હોવાનો આરોપ લગાવવો જોઈએ? અમારી વફાદારી માટે શું આ જ ભેટ છે? અમે પ્યારથી ભારત સાથે આવ્યાં, પરંતુ તમે અમારા પ્રેમને ક્યારેય સમજ્યો નહીં અને અમારી પાસે જે કઈ હતું તે લઈ લીધુ. પછી તમે પૂછો છો કે અમે તમને કેમ નથી અપનાવતા.

તેમણે કહ્યું કે યાદ રાખો, જમ્મુ, કાશ્મીર અને લદ્દાખ તમને ત્યાં સુધી નહીં અપનાવે જ્યાં સુધી તમે લોકોના મન જીતવાની કોશિશ નહીં કરો. જો તમે અમારા બધાના મન જીતવા માંગતા હોવ તો અમને અમારી સ્વાયત્તતા પાછી આપો. આ નિવેદન અબ્દુલ્લાએ શેર એ કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાની પાર્ટીના પ્રતિનિધિઓના સત્રને સંબોધતી વખતે આપ્યું હતું. 

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી અને પૂંછ જિલ્લામાં રવિવારે નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા કરાયેલા આડેધડ ફાયરિંગમાં સેનાના એક અધિકારી સહિત ચાર જવાનો શહીદ થયાં તથા 3 અન્ય લોકો ઘાયલ થયા હતાં. રક્ષાવિભાગના એક સૂત્રના જણાવ્યાં મુજબ પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર રાજૌરીના ભિંબર ગલી સેક્ટરમાં કોઈ પણ ઉશ્કેરણી વગર નાના હથિયારો, સ્વચાલિત હથિયારો અને મોર્ટારથી રવિવારે સાંજે હુમલો કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news