ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ, સમગ્ર દુનિયાની તેના પર નજર, લોન્ચિંગથી લઈને લેન્ડિંગની વિગતો જાણો
Trending Photos
નવી દિલ્હી: ભારત 15 જુલાઈના રોજ એટલે કે આવતી કાલે એક વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. સોમવારે સમગ્ર દુનિયાની નજર ભારત પર હશે. કારણ કે ભારતનું અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) 15મીના રોજ પોતાના ચંદ્રયાન-2 અભિયાનની શરૂઆત કરશે. વહેલી સવારે 2:51 કલાકે ઈસરો ચંદ્રયાન 2ને ચંદ્ર પર જવા માટે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2ને ઈસરો પોતાના બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3થી ચંદ્ર પર મોકલશે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી થશે. લોન્ચના 52 દિવસો બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ઈસરોનું આ ખુબ જ મહત્વકાંક્ષી મિશન છે. આવો આપણે જાણીએ લોન્ચિંગથી લઈને ચંદ્રની સપાટી પર ઉતરવા સુધીની તમામ પ્રક્રિયા અંગે.
16 દિવસ સુધી પૃથ્વીની કક્ષામાં રહેશે
સોમવારે વહેલી સવારે 2:51 કલાકે ચંદ્રયાન 2ને ભારતના સૌથી શક્તિશાળી રોકેટ GSLV MK-3 દ્વારા લોન્ચ કરાશે. લોન્ચિંગ બાદ ચંદ્રયાન પૃથ્વીની કક્ષામાં પહોંચશે. 16 દિવસ સુધી તે પૃથ્વીની પરિક્રમા કરીને ચંદ્ર તરફ આગળ વધશે. આ દરમિયાન ચંદ્રયાનની વધુમાં વધુ ગતિ 10 કિમી/પ્રતિ સેકન્ડ અને ઓછામાં ઓછી ગતિ 3 કિમી પ્રતિ કલાક હશે.
21 દિવસ બાદ ચંદ્રની કક્ષામાં પહોંચશે
16 દિવસ બાદ ચંદ્રયાન 2 પૃથ્વીની કક્ષામાંથી બહાર નીકળશે. આ દરમિયાન ચંદ્રયાન 2 રોકેટથી અલગ પડશે. 5 દિવસ બાદ ચંદ્રયાન-2 ચંદ્રની કક્ષામાં પહોંચશે. આ દરમિયાન તેની ગતિ 10 કિમી પ્રતિ સેકન્ડ અને 4 કિમી પ્રતિ સેકન્ડ રહેશે.
27 દિવસ સુધી ચંદ્રની કક્ષામાં સતત ચક્કર મારશે
ચંદ્રની કક્ષામાં પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રમાની ચારેબાજુ સતત ગોળ ગોળ ચક્કર લગાવીને તેની સપાટી તરફ આગળ વધશે. ચંદ્રમાની કક્ષામાં 27 દિવસો સુધી ચક્કર કાપ્યા બાદ ચંદ્રયાન તેની સપાટી નજીક પહોંચશે. આ દરમિયાન તેની મહત્તમ ગતિ 10 કિમી/પ્રતિ સેકન્ડ અને ન્યૂનતમ સ્પીડ 1 કિમી /પ્રતિ સેકન્ડ રહેશે.
જુઓ LIVE TV
ઓર્બિટરથી લેન્ડર અલગ થશે
ચંદ્રની સપાટી નજીક પહોંચ્યા બાદ ચંદ્રયાન ચંદ્રના દક્ષિણ ધ્રુવની સપાટી પર ઉતરણ કરશે. પરંતુ આ પ્રક્રિયામાં 4 દિવસ લાગશે. ચંદ્રની સપાટી નજીક પહોંચતા જ લેન્ડર (વિક્રમ) પોતાની કક્ષા બદલશે. ત્યારબાદ તે સપાટીની તે જગ્યાને સ્કેન કરશે જ્યાં ઉતરણ કરવાનું છે. લેન્ડર ઓર્બિટરથી અલગ પડશે અને છેલ્લે ચંદ્રની સપાટી પર ઉતરી જશે.
છેલ્લે લેન્ડિંગ બાદ લેન્ડર રોવરને રિલીઝ કરશે
લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવરને રિલીઝ કરશે. રોવર નીકળવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. ત્યારબાદ તે વૈજ્ઞાનિક પરિક્ષણો માટે ચંદ્રની સપાટી પર નીકળી પડશે. તેની 15 મિનિટની અંદર જ ઈસરોને લેન્ડિંગની તસવીરો મળવાની શરૂ થઈ જશે.
લોન્ચના કુલ 52 દિવસો બાદ ચંદ્ર પર હશે રોવર, 14 દિવસ સુધી એક્ટિવ રહેશે
આમ અલગ અલગ તબક્કાઓ હેઠળ લોન્ચના 52 દિવસ બાદ (16+5+27+4) ચંદ્રયાન ચાંદની સપાટી પર પહોંચી જશે. ચંદ્રની સપાટી પર પહોંચ્યા બાદ લેન્ડર અને રોવર 14 દિવસ સુધી એક્ટિવ રહેશે. રોવર આ દરમિયાન 1 સેન્ટીમીટર/સેકન્ડની ગતિથી ચંદ્રની જમીન પર ચાલશે અને તેના તત્વોનો અભ્યાસ કરશે તથા તસવીરો મોકલશે. ત્યાં તે 14 દિવસોમાં કુલ 500 મીટર કવર કરશે. ઓર્બિટર ચંદ્રમાની કક્ષામાં 100 કિમીની ઊંચાઈ પર તેની પરિક્રમા કરતું રહેશે. ઓર્બિટર ત્યાં એક વર્ષ સુધી એક્ટિવ રહેશે.
લોકોમાં પણ ખુબ ઉત્સાહ
ભારતના આ મોટા મિશન ચંદ્રયાન-2ના લોન્ચિંગને જોવા માટે લોકોમાં પણ ખુબ ઉત્સાહ છે. તેને લાઈવ જોવા માટે અત્યાર સુધી 7134 લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ખાસ પ્રકારે બનાવવામાં આવેલી એક ગેલેરીમાં બેસીને લોકો આ લોન્ચિંગ નિહાળી શકે છે. તેમાં કુલ 10 હજાર લોકોની બેસવાની ક્ષમતા છે. ઈસરોની યોજના છે કે ધીરે ધીરે દર્શકોની સંખ્યા વધારવામાં આવશે.
કાનપુર આઈઆઈટીએ કરી ખુબ મદદ
ચંદ્રયાન-2 અભિયાન માટે કાનપુર આઈઆઈટીએ ઈસરોને મહત્વપૂર્ણ મદદ કરી છે. 2009માં કાનપુર આઈઆઈટી અને ઈસરો વચ્ચે બે એએમયુ સાઈન થયા હતાં. જેમાં પહેલો એએમયુ ચંદ્રયાન 2 માટે મેપ બનાવવાનો અને બીજો એએમયુ રસ્તો બતાવવાનો હતો. જેને કાનપુર આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ બનાવીને ઈસરોને સોંપ્યો હતો.
આઈઆઈટી કાનપુરમાં ભણાવતા પ્રોફેસર કેએ વેંકટેશ અને પ્રોફેસર આશીષ દત્તાએ મળીને અનેક વર્ષોની મહેનતથી આ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. પ્રોફેસર આશીષ દત્તા કહે છે કે અંતરિક્ષ પ્રોજેક્ટ ચંદ્રયાન-2 ચાંદ પર પહોંચતાની સાથે જ મોશન પ્લાનિંગનું કામ શરૂ થઈ જશે.
વિદેશી મીડિયાએ પણ બિરદાવ્યું
વિદેશી મીડિયાએ ભારતના બીજા મૂન મિશન ચંદ્રયાન-2ને હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમથી પણ ઓછું ખર્ચાળ ગણાવ્યું છે. વિદેશી મીડિયા અને વૈજ્ઞાનિક જર્નલ્સમાં ચંદ્રયાન-2ના ખર્ચને હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમના બજેટના અડધાથી ઓછું ગણાવ્યો છે. ભારત આ મિશનની સફળતાની અંતરિક્ષ અભિયાનમાં અમેરિકા, રશિયા અને ચીનના સમૂહમાં આવી જશે.
સ્પૂતનિકે કહ્યું કે 'ચંદ્રયાન-2નો કુલ ખર્ચ લગભગ 12.4 કરોડ ડોલર છે જેમાં 3.1 કરોડ ડોલર લોન્ચનો ખર્ચો છે અને 9.3 કરોડ ડોલર ઉપગ્રહનો ખર્ચ છે. આ ખર્ચો એવેન્જર્સ બનાવતા લાગેલા ખર્ચના અડધાથી પણ ઓછો છે. આ ફિલ્મનું અંદાજે બજેટ 35.6 કરોડ ડોલર છે.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે