UPમાં કોંગ્રેસના 4 નેતાઓને બાદ કરતા તમામની ડિપોઝીટ જપ્ત, એકને તો NOTA કરતા પણ ઓછા મત
લોકસભા ચૂંટણીમાં આવેલી મોદી સુનામીએ દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને વેરવિખેર કરી નાખ્યો. રાજકારણનો સૌથી મોટો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી જૂની પાર્ટીની હાલત સૌથી ખરાબ રહી.
Trending Photos
નવી દિલ્હી: લોકસભા ચૂંટણીમાં આવેલી મોદી સુનામીએ દેશના મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસને વેરવિખેર કરી નાખ્યો. રાજકારણનો સૌથી મોટો ગઢ ગણાતા ઉત્તર પ્રદેશમાં દેશની સૌથી જૂની પાર્ટીની હાલત સૌથી ખરાબ રહી. અહીં કોંગ્રેસને ફક્ત એક બેઠક મળી. યુપીમાં કોંગ્રેસના ફક્ત 4 ઉમેદવારો જ પોતાની ડિપોઝીટ બચાવી શક્યા બાકીના ઉમેદવારોની તો ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ.
રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં ચૂંટણીમાં ઉતરેલી કોંગ્રેસ રાહુલ ગાંધીની સાથે સાથે પ્રિયંકા ઉપર પણ પરિણામને લઈને ખુબ આશાવાદી હતી. પરંતુ સ્થિતિ તો એવી ખરાબ ઊભી થ ઈ કે દિગ્ગજ નેતાઓ હાર્યા. રાહુલ ગાંધી પોતાની પરંપરાગત બેઠક અમેઠી પણ ગુમાવી બેઠા. સોનિયા ગાંધીએ રાયબરેલીની બેઠક જીતીને નાક બચાવ્યું. કોંગ્રેસની આટલી ખરાબ હાલત ઈમરજન્સી સમયે થઈ હતી. તે વખતે 1977માં પાર્ટીને યુપીમાં એક પણ બેઠક મળી નહતી.
યુપીમાં ફક્ત ચાર ઉમેદવારોની ડિપોઝીટ બચી
આખા પ્રદેશમાં કોંગ્રેસના ફક્ત 4 ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શક્યાં. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઈમરાન મસૂદ અને શ્રીપ્રકાશ જયસ્વાલ સામેલ છે. રાયબરેલીમાં સોનિયાને 5,34,918 મત મળ્યાં જે કુલ મતોના 55.8 ટકા હતાં. અમેઠીમાં રાહુલ ગાંધીને 4,13,394 મત (43.86%), કાનપુરથી શ્રીપ્રકાશ જયસ્વાલને 3,13,003 મત (37.13%), સહારનપુરથી ઈમરાન મસૂદને 2,07,068 મત (16.81%) મળ્યાં.
જુઓ LIVE TV
દિગ્ગજોની પણ ડિપોઝીટ થઈ ડૂલ, એકને તો નોટાથી પણ ઓછા મતો મળ્યા
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બર, પૂર્વ વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, જિતિન પ્રસાદ ઉપરાંત નિર્મળ ખત્રી, નસીમુદ્દીન સિદ્દીકી, અને અજય રાય જેવા દિગ્ગજ નેતાઓ પોતાની ડિપોઝીટ બચાવવામાં નિષ્ફળ ગયા. 10 સીટો તો એવી છે તે જ્યાં કોંગ્રેસના ઉમેદવારોને કુલ મતોના 2 ટકાથી પણ ઓછા મતો મળ્યાં. ભદોહીમાં તો કોંગ્રેસની ટિકિટ પર લડી રહેલા અખિલેશને નોટાથી પણ ઓછા મતો મળ્યાં.
80માંથી 67 બેઠકો પર કોંગ્રેસે લડી ચૂંટણી
80 લોકસભા સીટોવાળા યુપીમાં કોંગ્રેસ 67 બેઠકો પર ચૂંટણી લડી. બાકીની 13 માંથી કેટલીક બેઠકો એવી હતી કે પાર્ટીએ બીજાને સમર્થન કર્યું. કેટલીક જગ્યાઓ પર ઉમેદવારના નામાંકન રદ થઈ ગયાં. આ સીટોમાં પીલીભીત, મુઝફ્ફરનગર, મૈનપુરી, મછલીશહેર, કન્નૌજ, ફિરોઝાબાદ, એટા, ચંદોલી, બાગપત, બાંસગાવ, બલિયા, આઝમગઢ, આંબેડકરનગર સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે