PM Modi-JK Leaders Meeting: પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પહેલા ફારુક અબ્દુલ્લાએ આપ્યું નિવેદન

જમ્મુ અને કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થનારી બેઠક અગાઉ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા ફ્રન્ટ તરફથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. 

Updated By: Jun 24, 2021, 03:09 PM IST
PM Modi-JK Leaders Meeting: પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક પહેલા ફારુક અબ્દુલ્લાએ આપ્યું નિવેદન
ફાઈલ ફોટો

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થનારી બેઠક અગાઉ રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે.  જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ થયા બાદ પહેલીવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ અને કાશ્મીરના 8 પક્ષોના 14 નેતાઓ સાથે વાતચીત કરશે. આ બેઠક દિલ્હીમાં પીએમ નિવાસસ્થાને બપોરે 3 વાગે યોજાશે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા પોતાના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી ગયા છે. ગુરુવારે જમ્મુમાં ડોગરા ફ્રન્ટ તરફથી જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. 

ફારુક અબ્દુલ્લાનું નિવેદન
પીએમ મોદી સાથે બેઠક પહેલા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે હું બેઠકમાં ભાગ લેવા માટે જઉ છું. મારી માગણીઓ હું ત્યાં રજુ  કરીશ અને પછી હું મીડિયા સાથે વાત કરીશ. મહેબૂબા મુફ્તી તેમની પાર્ટીના પ્રમુખ છે. મારે શાં માટે તેમણે શું કહ્યું તેના પર વાત કરવી જોઈએ. 

ફારુક અબ્દુલ્લા અને ઉમર અબ્દુલ્લા વચ્ચે બેઠક
નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા પોતાના દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચી ગયા છે. અહીંથી તેઓ પ્રધાનમંત્રી સાથેની બેઠકમાં સામેલ થવા રવાના થશે. પીએમ સાથે બેઠક પહેલા ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં ફારુક અબ્દુલ્લાને મળવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. 

મહેબૂબા મુફ્તી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન
મહેબૂબા મુફ્તીએ હાલમાં જ જમ્મુ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાતચીત કરવાની વકીલાત કરી હતી. જેના વિરોધમાં ગુરુવારે સવારે ડોગરા ફ્રન્ટના લોકોએ અહીં વિરોધ પ્રદર્શન કર્યું. મહેબૂબા વિરુદ્ધ નારેબાજી કરી અને તેમને તિહાડ જેલમાં મોકલવાની માગણી કરી. 

અત્રે જણાવવાનું કે આ પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે આજે બપોરે 3 વાગે પીએમ મોદીની જમ્મુ અને કાશ્મીરના રાજકીય નેતાઓ સાથે મહત્વની બેઠક થવાની છે. આ બેઠકમાં ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત અન્ય નેતાઓ સામેલ થવાના છે. 

આ ઉપરાંત યુનાઈટેડ જમ્મુ નામના સંગઠન દ્વારા પણ જમ્મુમાં પ્રદર્શન કરવામાં આવ્યું. આ પ્રદર્શન મોદી સરકાર વિરુદ્ધ કરાયું જેમાં જમ્મુ અને કાશ્મીરને લઈને બેઠકમાં ગુપકાર સંહઠનના નેતાઓને બોલાવવા અને જમ્મુ ક્ષેત્રના સંગઠનને ન બોલાવવાના વિરોધમાં કરાયું  હતું. 

PM Modi સાથે J&Kના નેતાઓની આજે બેઠક, LoCથી લાલ ચોક સુધી હાઈ અલર્ટ

અત્રે જણાવવાનું કે તાજેતરમાં જ્યારે શ્રીનગરમાં ગુપકાર સંગઠનની બેઠક થઈ હતી ત્યારબાદ મહેબૂબા મુફ્તીએ મીડિયા સાથે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના મુદ્દે સરકારે દરેક સાથે વાત કરવી જોઈએ, પાકિસ્તાન સાથે પણ વાત કરવી જોઈએ. જો કે બાદમાં જ્યારે તેઓ દિલ્હી માટે રવાના થયા ત્યારે તેમણે કહ્યું કે તેઓ પ્રધાનમંત્રી સાથે વાત કરવા જઈ રહ્યા છે અને આવામાં ખુલ્લા મનથી જ ચર્ચા કરશે.  

કાશ્મીરી નેતાઓ સાથે બેઠક પહેલા પીએમ મોદીને મળવા પહોચ્યા અમિત શાહ
જમ્મુ અને કાશ્મીર પર થનારી મહત્વની બેઠક અગાઉ કેન્દ્રીય મંત્રી અમિત શાહ પ્રધાનમંત્રી આવાસે પહોંચ્યા છે. કાશ્મીરી નેતાઓ સાથે બેઠક અગાઉ આ બેઠક મહત્વની છે. આ બાજુ પેન્થર્સ પાર્ટીના ભીમ સિંહે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે તેઓ પોતાની વાત રજુ કરશે  અને કહેશે કે જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળે. આ સાથે જ વિધાનસભા ચૂંટણી કરાવવી જોઈએ. તેમણે કહ્યું કે મહેબૂબા મુફ્તી પોતાની રાજનીતિ બચાવવા માટે પાકિસ્તાનનું નામ લે છે, અમે તેમને મહત્વ આપતા નથી. 

કોંગ્રેસ અને  ભાજપનું અલગ અલગ મંથન
પીએમ સાથે બેઠક પહેલા જમ્મુ અને કાશ્મીરના ભાજપના નેતાઓએ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી અને પોતાની રણનીતિ પર ચર્ચા કરી. પાર્ટી હેડક્વાર્ટરમાં થયેલી આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ, જમ્મુ અને કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવિન્દ્ર રૈના, પૂર્વ ડેપ્યુટી સીએમ કવિન્દ્ર ગુપ્તા, અને નિર્મલ સિંહ સામેલ થયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થનારી બેઠક પહેલા આજે સવારે જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના નેતાઓની પણ બેઠક થઈ. ગુલામ નબી આઝાદ, જી એ મીર, તારાચંદની દિલ્હીમાં બેઠક થઈ અને પીએમ સાથે થનારી બેઠકનો એજન્ડા નક્કી કરાયો. 

દિલ્હી પહોંચ્યા નેતાઓ
પીએમ મોદી દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. બુધવારથી જ દિલ્હી પહોંચવાનું શરૂ થઈ ગયું હતું. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી પણ સામેલ રહ્યા. ફારુક અબ્દુલ્લા પણ દિલ્હી પહોંચ્યા છે. 

આ નેતાઓ થશે બેઠકમાં સામેલ
નેશનલ કોન્ફરન્સમાંથી ફારુક અબ્દુલ્લા, અને ઉમર અબ્દુલ્લા, કોંગ્રેસમાંથી ગુલામ નબી આઝાદ, ગુલામ અહેમદ મીર, તારાચંદ, પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તી, ભાજપના નિર્મલ સિંહ, કવિન્દ્ર ગુપ્તા, અને રવિન્દ્ર રૈના, પીપલ કોન્ફરન્સના મુઝફ્ફર બેગ, અને સજ્જાદ લૌન, પેન્થર્સ પાર્ટીના ભીમ સિંહ, સીપીઆઈએમ ના એમવાય તારીગામી, જેકે અપની પાર્ટીના અલ્તાફ બુખારી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube