અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાવી રહ્યા છીએ, કોઈ આટલી જુની કાર પણ નથી ચલાવતું: IAF ચીફ

ધનોઆએ વધુમાં જણાવ્યું કે, "દુનિયામાં કદાચ જ કોઈ દેશ હશે જે આટલા જુના યુદ્ધ વિમાન વાપરતો હોય. કારણ એટલું જ છે કે ભારતીય વાયુસેના પાસે મિગ-21ના વિકલ્પ તરીકે બીજું કોઈ વિમાન જ નથી
 

અમે 44 વર્ષ જૂના મિગ-21 ઉડાવી રહ્યા છીએ, કોઈ આટલી જુની કાર પણ નથી ચલાવતું: IAF ચીફ

નવી દિલ્હીઃ જૂના થઈ ગયેલા ભારતીય હવાઈદળના વિમાન મિગ-21 અંગે મહેણું મારતા વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ. ધનોઆએ જણાવ્યું કે, "વાયુસેના આજે પણ 44 વર્ષ જુના મિગ-21 વિમાન ઉડાવી રહી છે. આટલા વર્ષ સુધી તો કોઈ પોતાની કાર પણ ચલાવતું નથી. વાયુસેનાના મિગ-21 વિમાન ચાર દાયકાથી વધુ જુના થઈ ગયા છે, પરંતુ આજે પણ મિગ-21 વાયુસેનાની કરોડરજ્જુ ગણાય છે."

ધનોઆએ વધુમાં જણાવ્યું કે, "દુનિયામાં કદાચ જ કોઈ દેશ હશે જે આટલા જુના યુદ્ધ વિમાન વાપરતો હોય. કારણ એટલું જ છે કે ભારતીય વાયુસેના પાસે મિગ-21ના વિકલ્પ તરીકે બીજું કોઈ વિમાન જ નથી. આવી વિપરિત પરિસ્થિતિઓ છતાં ભારતીય વાયુસેના સંપૂર્ણ તાકાત સાથે અને આ જુના વિમાનના ભરોસે સરહદની સુરક્ષા કરે છે, સાથે જ દુશ્મનના પડકારને પણ જવાબ આપે છે."

— ANI (@ANI) August 20, 2019

ભારતીય વાયુસેનાના પ્રમુખે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની હાજરીમાં દિલ્હી એરફોર્સના ઓડિટોરિયમમાં આ વાત જણાવી હતી. અહીં વાયુસેનાના આધુનિકીકરણ અને સ્વદેશીકરણ અંગે એક સેમિનારનું આયોજન કરાયું હતું. રાજનાથ સિંહે જણાવ્યું કે, ભારતીય વાયુસેના એક સક્ષમ વાયુસેના છે, તાજેતરમાં જ બાલાકોટમાં વાયુસેનાએ જે પ્રકારના સાહસનું પ્રદર્શન કર્યું છે તેનાથી આખી દુનિયા ચકિત થઈ છે. 

એરચીફ માર્શલ બી.એસ. ધનોઆએ પોતાની વાત રજૂ કરતા વધુમાં જણાવ્યું કે, "અમે સ્વદેશી ટેક્નોલોજીની મદદથી જુના થઈ ગયેલા યુદ્ધના ઉપકરણોને બદલવાની રાહ જોઈ શકીએ નહીં. સાથે જ સુરક્ષા માટેના દરેક ઉપકરણો વિદેશી આયાત કરવા એ પણ સમજદારી ન કહેવાય."

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વાયુસેનાના લગભગ 500થી વધુ મિગ-21 યુદ્ધ વિમાન દુર્ઘટનાનો ભોગ બની ચુક્યા છે. વાયુસેનાને અત્યારે 42 સ્ક્વાડ્રનની જરૂર છે, જેની સામે તેની પાસે 31 સ્ક્વાડ્રન છે. ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવેલા રાફેલ વિમાન આવતા મહિને સપ્ટેમ્બરમાં આવશે. ભારતે ફ્રાન્સ પાસેથી 36 રાફેલ ખરીદ્યા છે, જેની ડિલીવરી 2022 સુધીમાં થશે. આ ઉપરાંત, વાયુસેનાએ વધુ 114 યુદ્ધ વિમાન ખરીદવા માટેનું ટેન્ડર બહાર પાડ્યું છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news