શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે ફડણવીસ અને શાહની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે, "બાલા સાહેબને વચન આપ્યું હતું કે, હું શિવસેનાનો મુખ્યમંત્રી બનાવીશ. શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે મારે ફડણવીસ અને અમિશ શાહના આશિર્વાદની જરૂર નથી. તેમના સાચા-ખોટાના પ્રમાણપત્રની જરૂર નથી."

શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે ફડણવીસ અને શાહની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રાજીનામું આપી દેવાયા પછી શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકાર પરિષદ સંબોધી હતી. ઠાકરેએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે, અમારે શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ કે ભાજપના અધ્યક્ષ શાહના આશિર્વાદની જરૂર નથી. મને એ વાતનું દુખ છે કે શિવસેના પર ખોટા આરોપો લગાવાયા છે. 

શિવસેનાના વડા ઠાકરેએ જણાવ્યું કે, "થોડા સમય પહેલા મેં કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્રકાર પરિષદ સાંભળી. તેમણે પત્રકાર પરિષદમાં પોતાના કાર્યો ગણાવ્યા છે. વિકાસનું કામ તેમણે એકલા કર્યું નથી, અમે પણ સાથે હતા. દુખ છે કે ખોટા આરોપો લગાવ્યા છે. લોકસભા ચૂંટણી સમયે અમિત શાહ અને ફડણવીસ મારી પાસે આવ્યા હતા. હું દિલ્હી ગયો ન હતો. ચર્ચા શરૂ થઈ ત્યારે નાયબ મુખ્યમંત્રી પદની વાત થઈ તો મેં કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી પદ લેવા માટે લાચાર નથી."

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે, "બાલા સાહેબને વચન આપ્યું હતું કે, હું શિવસેનાનો મુખ્યમંત્રી બનાવીશ. શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે મારે ફડણવીસ અને અમિશ શાહના આશિર્વાદની જરૂર નથી. તેમના સાચા-ખોટાના પ્રમાણપત્રની જરૂર નથી."

ઉદ્ધવ ઠાકરેએ વધુમાં કહ્યું કે, "અમે ફડણવીસને મિત્ર ગણ્યા હતા એટલા માટે ટેકો આપ્યો હતો. ભાજપ મિત્ર નથી અને તેણે જુઠ્ઠું બોલવાનું બંધ કરવું જોઈએ. અમે ક્યારેય પીએમ મોદી કે અમિત શાહની અંગત રીતે ટીકા કરી નથી. જેમણે અમારી ઉપર જુઠ્ઠું બોલવાના આરોપ લગાવ્યા હોય તેવા લોકો સાથે અમે શા માટે વાતચીત કરીએ. અમે ખોટા લોકો સાથે સમય પસાર કર્યો તેના માટે માફી માગું છું. અમે માત્ર ફડણવીસના કારણે જ ગઠબંધન ચાલુ રાખ્યું હતું. મહારાષ્ટ્રમાં સરકારની રચના માટે દરેકની પાસે વિકલ્પો ખુલ્લા જ છે."

ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદમાં દુષ્યંત ચૌટાલાની એક ઓડિયો ક્લિપ સંભળાવી હતી, જેણે હરિયાણાની ચૂંટણીમાં સીધા જ વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. આ ક્લીપમાં દુષ્યંત બોલી રહ્યો છે કે, "બે ગુજરાતી હવે આપણને રાષ્ટ્રવાદ શિખવાડશે." ઉદ્ધવે કહ્યું કે, આજે ભાજપે આ જ દુષ્યંતને ગળે લગાવ્યો છે. 

આ સાથે જ ઉદ્ધવે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, "ભાજપ જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચના કરવા માટે મહેબુબા મુફ્તીની પીડીપી સાથે ગઠબંધન કરી શકે છે. તેઓ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના જન્મદિવસની પાર્ટીમાં પણ હાજરી આપી શકે છે."

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news