શિયાળામાં ખાસ બનાવો 'સ્વાસ્થ્યવર્ધક' અને ચટાકેદાર લીલી હળદર-આદુનું અથાણું
શિયાળાની ઋતુ હોય અને તાજા, લીલા શાકભાજી ખાવાનુ કેવી રીતે ચૂકી શકાય. આ જ એવી ઋતુ છે જ્યારે તમે ભરપૂર લીલા શાકભાજી ખાવાની મજા માણી શકો છો. ઘણા એવા શાકભાજી છે જે બારેમાસ ખાવા નથી મળતા પણ તમે અત્યારે તેને ખરીદી અને સ્ટોર પણ કરી શકો છે અને સ્ટોર કરવાની સર્વશ્રેષ્ઠ રીત છે અથાણું બનાવીને.
Trending Photos
કુંતલ સોલંકી, અમદાવાદ: શિયાળાની ઋતુ હોય અને તાજા, લીલા શાકભાજી ખાવાનુ કેવી રીતે ચૂકી શકાય. આ જ એવી ઋતુ છે જ્યારે તમે ભરપૂર લીલા શાકભાજી ખાવાની મજા માણી શકો છો. ઘણા એવા શાકભાજી છે જે બારેમાસ ખાવા નથી મળતા પણ તમે અત્યારે તેને ખરીદી અને સ્ટોર પણ કરી શકો છે અને સ્ટોર કરવાની સર્વશ્રેષ્ઠ રીત છે અથાણું બનાવીને. સામાન્ય રીતે તમે કેરી, કેરડા અને ગુંદાના અથાણા ઉનાળામાં બારેમાસ ભરવા માટે બનાવતા જ હોવ છો. પણ આજે તમને કંઈક હટકે અથાણાની રેસિપી જણાવીએ છીએ અને આ રેસિપી છે.
અતિલાભદાયી હળદર અને આદુના અથાણાની. જી હાં શિયાળામાં પુષ્કળ માત્રામાં આવતી લીલી હળદર, આંબા હળદર અને આદુના ગુણ ભરપૂર છે અને આ જ ગુણના કારણે તે રોજે રોજ જમવાની થાળીમાં પિરસવામાં આવે છે. કાચી હળદરને લીંબુ અને મીઠું નીચોવીને તમે રોજ ખાવ છો પણ એક વખત આ અથાણાની રેસિપી ટ્રાય કરવા જેવી છે. તો નોંધી લો આ ખાસ રેસીપી અને ઘરે બનાવો લીલી હળદર, આદુનું ચટાકેદાર અથાણું.
લીલી હળદર, આદુનું અથાણું બનાવવાની રીત
200 ગ્રામ કાચી હળદર
100 ગ્રામ આદુ
2 મોટા લીંબુ
10 લીલા મરચાં (તીખાશ સ્વાદ મુજબ)
અથાણું બનાવવાની તમામ સામગ્રીને ધોઈને કોરી કરી દેવી, જો તમે હળદરનો રંગ હાથમાં આવે તેવું ન ઈચ્છતા હોવ તો પ્લાસ્ટિકના ગ્લોવ્ઝ પહેરી લો અથવા હાથમાં થોડુ તેલ લગાવી લો. હળદર અને આદુની છાલ કાઢવા માટે ચપ્પુનો ઉપયોગ ના કરતાં કરતાં કારણ કે તેનાથી છાલની સાથે હળદર અને આદુની માત્રા પણ નીકળશે. તેથી ચમચીની મદદથી બંનેની છાલ કાઢો. બાદમાં હળદર અને આદુની મધ્યમ આકારની લાંબી સ્લાઈસ કટ કરો. લીલા મરચાના પણ ચાર કટકા કાપો.
અથાણામાં નાખવાના મસાલાની રીત અને માપ
4 નાની ચમચી વરિયાળી
2 ચમચી મેથીનાં દાણા
1 નાની ચમચી કાળા મરી
તમામ સામગ્રીને નાના પેન કે કડાઈમાં ધીમા તાપે સેકો. તમામ વસ્તુઓ સેકવાથી એ ફાયદો થશે કે તેમાં રહેલો ભેજ દૂર થાય. એક મિનિટ જેવી તમામ સામગ્રીને સેકીને ગેસ બંધ કરી ઠંડી થવા દો.
અથાણામાં કેવી રીતે મિક્સ કરશો સામગ્રી?
એક પેન કે કડાઈને ધીમા તાપે ગરમ થવા મૂકો. (તમારા માપ મુજબ) 1થી 3 ચમચી જેટલું સરસિયાનું તેલ નાખો. આ ગરમ હૂંફાળા તેલમાં 1 નાની ચમચી આખી રાઈ નાખવી. રાઈ ફૂટી જાય એટલે તેલને થોડુ ગરમ થવા દઈ બાદમાં ગેસ બંધ કરીને તેલને ઠંડુ થવા દો. ચપટી હિંગ નાખ્યા બાદ તેમાં કાપેલી હળદર, આદુ, મરચાનું તમામ મિશ્રણ નાખી દેવુ. બાદમાં તેમાં 2 ચમચી મીઠું અને 2 ચમચી રાઈના ફાડિયા નાખવા. આ બધુ મિશ્રણ થઈ જાય પછી અગાઉ તૈયાર કરેલો વરિયાળી, મેથીના દાણા અને કાળા મરીવાળા પાવડરનું મિશ્રણ નાખવું અને મિક્સ કરવું. બાદમાં બે લીંબુનો રસ મિક્સ કરી હલાવી દેવો. બાદમાં અથાણું ઠંડુ થાય એટલે કાચની બરણીમાં સ્ટોર કરી શકાય છે. અને 3થી 4 દિવસમાં અથાણામાં તમામ મસાલા બેસી જશે તેથી તેને બાદમાં જમવામાં ઉપયોગમાં લઈ શકાશે. જો તમે વધુ લાંબા સમય માટે અથાણું ટકાવી રાખવા માગતા હોવ તો તેમાં લીંબુની જગ્યાએ સિરકો એટલે કે વિનેગર પણ વાપરી શકો છે. અથવા અથાણું ડૂબી જાય તેટલું તેલ નાખીને પણ બરણીમાં સ્ટોર કરી શકો છો.
હળદર ફાયદા
હળદર અને આદુ શિયાળાની વિવિધ બિમારીઓમાં સારુ રક્ષણ પૂરું પાડે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી 14 પ્રકારની બિમારીઓથી બચી શકાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આયુર્વેદના તમામ ઔષધમાં એકમાત્ર હળદર એવી છે જેના પર અત્યાર સુધી 56 હજાર જેટલા રિસર્ચ અને પ્રયોગ થયા છે. રસોડાની શામ સમી લીલી હળદર અતિ ગુણકારી છે.
આદુના ફાયદા
આદુને સામાન્ય રીતે ચામાં નાખીને પીવામાં આવે છે. આદુ પીવાથી એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ અને એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટી બોડી સ્વસ્થ રહે છે. ખાસ કરીને ઉધરસ, ગળાની ખરાશ અને કફ જમા થયો હોય તો આદુ ખૂબ જ ફાયદાકારક છે.
હવે તમે જ વિચારો જો આદુ અને હળદર બંને તમે એક સાથે લીલા ખાઓ તો તેના અનેક ફાયદા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે