INDvsSA: મયંકની બેવડી સદી બાદ અશ્વિન-જાડેજાની ધમાલ, આફ્રિકા 39/3

ભારતે 7 વિકેટ પર 502 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવી 39 રન બનાવી લીધા છે.

Updated By: Oct 3, 2019, 05:35 PM IST
INDvsSA: મયંકની બેવડી સદી બાદ અશ્વિન-જાડેજાની ધમાલ, આફ્રિકા 39/3
photo (@Bcci)

વિશાખાપટ્ટનમઃ ભારત અને આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝનો પ્રથમ મુકાબલો વિશાખાપટ્ટનમના એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 7 વિકેટ પર 502 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો. જેના જવાબમાં આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે 3 વિકેટ ગુમાવી 39 રન બનાવી લીધા છે. આફ્રિકા ભારતના સ્કોર કરતા હજુ 463 રન પાછળ છે. દિવસની રમત બંધ રહી ત્યારે ડીન એલ્ગર 27 અને ટેમ્બા બાવુમા 2 રન બનાવી ક્રીઝ પર હતા. 

આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. એડન માર્કરમ (5)ને અશ્વિને બોલ્ડ કરીને પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ત્યારબાદ ડી બાર્યન (4)ને અશ્વિને સાહાને હાથે કેચ કરાવીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ડેન પીટ્ડને જાડેજાએ બોલ્ડ કર્યો હતો. ભારત તરફથી અશ્વિનને બે તથા જાડેજાને એક સફળતા મળી હતી. 

ભારતે 502/7 રન પર દાવ ડિકલેર કર્યો
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં સાત વિકેટના નુકસાન પર 502 રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. ભારત માટે મયંક અગ્રવાલે સૌથી વધુ 215 અને રોહિત શર્માએ 176 રનનું યોગદાન આપ્યું હતું. મયંકે પોતાની ઈનિંગમાં 371 બોલનો સામનો કર્યો તો રોહિતે 244 બોલનો સામનો કર્યો હતો. બંન્નેએ પોતાની ઈનિંગમાં 23-23 ચોગ્ગા અને 6-6 છગ્ગા ફટકાર્યા હતા. મયંકે પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. 

ચેતેશ્વર પૂજારા 6, વિરાટ કોહલી 20, રહાણે 15, વિહારી 10 અને સાહા 21 રન બનાવી આઉટ થયા હતા. મયંક-રોહિતે પ્રથમ વિકેટ માટે 317 રનની ભાગીદારી કરી હતી. જાડેજા 30 અને અશ્વિન 1 રન બનાવી અણનમ રહ્યાં હતા. આફ્રિકા તરફથી કેશવ મહારાજે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ફિલાન્ડર, મુથુસામી, ડીન એલ્ગરને એક-એક સફળતા મળી હતી. 

INDvsSA: મયંક અગ્રવાલે ફટકારી બેવડી સદી, કરી સહેવાગની બરોબરી

317 રનના સ્કોર પર ભારતને પ્રથમ ઝટકો લાગ્યો હતો. રોહિત શર્મા બેવડી સદી ચુક્યો અને 176 રને આઉટ થયો હતો. રોહિતે મયંક સાથે પ્રથમ વિકેટ માટે 317 રનની ભાગીદારી કરી હતી. આ ભારત માટે ટેસ્ટમાં પ્રથમ વિકેટ માટે ત્રીજી સૌથી મોટી ભાગીદારી છે. પૂજારા 17 બોલનો સામનો કરી 6 રન પર આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન કોહલી પણ 20 રન બનાવી આઉટ થયો હતો. અગ્રવાલ 215 અને રહાણે 15 રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. 

રહાણે ચોથા બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. કેશવ મહારાજે તેની વિકેટ ઝડપી હતી. રહાણેએ મયંક સાથે 54 રનની ભાગીદારી કરી હતી. અગ્રવાલને એલ્ગરે આઉટ કર્યો હતો. વિહારી પણ છગ્ગો ફટકારવાનો પ્રયાસમાં આઉટ થયો હતો. સાહા 21 રન બનાવી આઉટ થયો. તેણે ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.