કોલકત્તાને 27 રને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સે જીતી આઈપીએલ ટ્રોફી


ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીની આગેવાનીમાં ફરી કમાલ કર્યો છે. આઈપીએલમાં સૌથી મોટી ઉંમરની ટીમે ટ્રોફી પર કબજો કરી લીધો છે. ધોનીની ટીમ ચોથી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ચેમ્પિયન બની છે. 

કોલકત્તાને 27 રને હરાવી ચેન્નઈ સુપર કિંગ્સે જીતી આઈપીએલ ટ્રોફી

દુબઈઃ  મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે આઈપીએલ-2021 ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સને 27 રને પરાજય આપી ચોથી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. 2020માં લીગ રાઉન્ડમાં બહાર થઈ જનાર ધોનીની ટીમે આ વખતે કમાલ કરી દીધો છે. ચેન્નઈ સુપર કિંગ્સ 2018 બાદ ફરી વિજેતા બન્યું છે. આ પહેલા ચેન્નઈની ટીમ 2010, 2011, 2018માં આઈપીએલની ટ્રોફી જીતી ચુકી છે. ચેન્નઈ સુપર કિંગ્સ 9મી વખત આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. જેના જવાબમાં કોલકત્તાની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન બનાવી શકી હતી. 

રાહુલ ત્રિપાઠી આઉટ
રાહુલ ત્રિપાઠીના રૂપમાં ચેન્નઈને સાતમી સફળતા મળી છે. રાહુલ ત્રિપાઠી બે રન બનાવી શાર્દુલનો શિકાર બન્યો છે. 

જાડેજાને એક ઓવરમાં મળી બે સફળતા
રવિન્દ્ર જાડેજાએ ફાઇનલ મેચમાં પોતાની પ્રથમ સફળતા મેળવી છે. જાડેજાએ દિનેશ કાર્તિકને 9 રન આઉટ કરીને ચેન્નઈને પાંચમી સફળતા અપાવી છે. આ સાથે કોલકત્તાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી છે. ત્યારબાદ જાડેજાએ શાકિબ (0)ને આઉટ કરી ટીમને છઠ્ઠી વિકેટ અપાવી છે. 

અડધી સદી ફટકારી ગિલ આઉટ
શુભમન ગિલે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ ગિલ અડધી સદી પૂરી કર્યા બાદ વધુ ટકી શક્યો નહીં. ગિલને 51 રનના સ્કોરે દીપક ચાહરે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. ગિલે 43 બોલનો સામનો કરતા છ ચોગ્ગા ફટકાર્યા હતા. 

નારાયણ બે રન બનાવી આઉટ
કોલકત્તાને ત્રીજો ઝટકો લાગ્યો છે. ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલ સુનીલ નારાયણ માત્ર બે રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો છે. 

શાર્દુલે એક ઓવરમાં ઝડપી બીજી વિકેટ
શાર્દુલ ઠાકુરે 11મી ઓવરમાં ચેન્નઈને બે સફળતા અપાવી છે. શાર્દુલે પહેલા વેંકટેશ અય્યર અને ત્યારબાદ નીતિશ રાણાને શૂન્ય રને આઉટ કરી ચેન્નઈની મેચમાં વાપસી કરાવી છે. 

કોલકત્તાએ પ્રથમ વિકેટ ગુમાવી
કોલકત્તા નાઇટ રાઇડર્સને 91 રનના સ્કોર પર પ્રથમ સફળતા મળી છે. વેંકટેશ અય્યર 32 બોલમાં 50 રન બનાવી કેચઆઉટ થયો છે. 

કોલકત્તાની સારી શરૂઆત
ચેન્નઈએ આપેલા પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને બંને ઓપનરોએ સારી શરૂઆત અપાવી છે. કોલકત્તાએ 5.4 ઓવરમાં પોતાના 50 રન પૂરા કરી લીધા હતા. પાવરપ્લેમાં કોલકત્તાએ વિના વિકેટે 55 રન બનાવ્યા છે. વેંકટેશ 31 અને ગિલ 22 રને બેટિંગ કરી રહ્યો છે.

કોલકત્તાને જીતવા માટે મળ્યો રનનો લક્ષ્ય
આઈપીએલ-2021 ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા છે. કોલકત્તાને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ મળ્યો છે. કોલકત્તા તરફથી ફાફ ડુ પ્લેસિસે 59 બોલમાં 86 રન બનાવ્યા હતા. ગાયકવાડે 32 રનનું યોગદાન આપ્યું હતું. રોબિન ઉથપ્પાએ 15 બોલમાં 31 અને મોઇન અલીએ 20 બોલમાં અણનમ 37 રન બનાવ્યા હતા. 

ચેન્નઈનો સ્કોર 100ને પાર
ચેન્નઈ સુપર કિંગ્સે 12 ઓવરમાં પોતાનો સ્કોર 100ને પાર પહોંચાડી દીધો છે. ફાફ અને રોબિન ઉથપ્પા ક્રિઝ પર છે. 

ડુ પ્લેસિસની અડધી સદી
ફરી ફાફ ડુ પ્લેસિસે મહત્વની મેચમાં ટીમની કમાન સંભાળી છે. સીનિયર ખેલાડી ફાફે માત્ર 35 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં ફાફની પાંચમી અડધી સદી છે. 

નારાયણને મળી પ્રથમ સફળતા
ચેન્નઈ સુપર કિંગ્સને 61 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો છે. રુતુરાજ ગાયકવાડ 27 બોલમાં 32 રન બનાવી આઉટ થયો છે. 

પાવરપ્લે ચેન્નઈના નામે
ચેન્નઈ સુપર કિંગ્સને બંને ઓપનરો રુતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે મજબૂત શરૂઆત અપાવી છે. ચેન્નઈએ 6 ઓવરમાં વિના વિકેટે 50 રન બનાવી લીધા છે. 

બંને ટીમમાં કોઈ ફેરફાર નહીં
ફાઇનલ મેચમાં એમએસ ધોની અને ઇયોન મોર્ગને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યા નથી. બંને ટીમ સેમ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરી છે. 

કોલકત્તાએ ટોસ જીત્યો
આઈપીએલ ફાઇનલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સે ટોસ જીતીનો લીધો છે. કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ધોનીની ટીમ પ્રથમ બેટિંગ કરશે.

પ્લેઇંગ ઇલેવન
કોલકત્તા નાઇટ રાઇડર્સઃ શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નીતિશ રાણા, દિનેશ કાર્તિક, ઇયોન મોર્ગન, શાકિબ-અલ-હસન/આંદ્રે રસેલ, સુનીલ નારાયણ, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરૂણ ચક્રવર્તી.

ચેન્નઈ સુપર કિંગ્સઃ  ફાફ ડુ પ્લેસિસ, રુતુરાજ ગાયકવાડ, રોબિન ઉથપ્પા, મોઇન અલી, અંબાતી રાયડુ, એમએસ ધોની, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, દિપક ચાહર, શાર્દુલ ઠાકુર, જોશ હેઝલવુડ. 

ત્રીજી ફાઇનલ રમી રહી છે કેકેઆર
કોલકત્તા નાઇટરાઇડર્સની ટીમ પોતાની ત્રીજી ફાઇનલ રમી રહી છે. આ પહેલા તેણે 2012 અને 2014માં ફાઇનલ માટે ક્વોલિફાઈ કર્યું હતું અને બંને વખત ટ્રોફી પર કબજો કર્યો હતો. તો ચેન્નઈની ટીમ પોતાની નવમી ફાઇનલ રમવા ઉતરી છે. 

ચેન્નઈએ આ પહેલા 2008, 2010, 2011, 2012, 2013, 2015, 2018, 2019 માં ફાઇનલમાં જગ્યા બનાવી હતી. છેલ્લા આઠ ફાઇનલમાં તેને પાંચ વખત હાર મળી તો ત્રણ વખત ટીમ ચેમ્પિયન બની હતી. આ પાંચ ફાઇનલમાં એક હાર કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે મળી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news