IND vs BAN: વિશ્વકપમાં પ્રથમ વિકેટ માટે ભારતની સૌથી મોટી ભાગીદારી, રાહુલ-રોહિત છવાયા
ભારતીય ઓપનિંગ જોડીએ અહીં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ-2019મા બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 180 રનની ભાગીદારી કરી, જે વિશ્વકપની કોઈપણ એડિશનમાં તેની સૌથી મોટી ભાગીદારી છે.
Trending Photos
બર્મિંઘમઃ ભારતે વિશ્વકપની કોઈપણ સિઝનમાં પ્રથમ વિકેટ માટે પોતાની સૌથી મોટી ભાગીદારી બનાવી લીધી છે. ભારતીય ઓપનિંગ જોડીએ અહીં ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા આઈસીસી વિશ્વ કપ-2019મા બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ વિકેટ માટે 180 રનની ભાગીદારી કરી, જે વિશ્વ કપની કોઈપણ એડિશનમાં તેની સૌથી મોટી ભાગીદારી છે. આ રેકોર્ડ ભાગીદારીમાં રોહિત શર્માએ 90 બોલ પર 100 અને રાહુલના 85 બોલ પર 71 રનનું યોગદાન રહ્યું.
વિશ્વ કપમાં પ્રથમ વિકેટ માટે ભારતની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ રોહિત શર્મા અને શિખર ધવનના નામે હતો, જે તેણે 2015ના વિશ્વકપમાં હેમિલ્ટનમાં આયર્લેન્ડ વિરુદ્ધ બનાવ્યો હતો. રોહિત અને શિખરે તે મેચમાં પ્રથમ વિકેટ માટે 174 રનની ભાગીદારી કરી હતી. વર્લ્ડ રેકોર્ડની વાત કરીએ તો તે શ્રીલંકાના ઉપુલ થરંગા (133) અને તિલકરત્ને દિલશાન (144)ના નામે છે. આ જોડીએ 2011 વિશ્વ કપમાં પ્રથમ વિકેટ માટે ઝિમ્બાબ્વે વિરુદ્ધ 282 રન જોડ્યા હતા. તે મેચમાં બંન્ને બેટ્સમેનોએ સદી ફટકારી હતી.
રોહિતની રેકોર્ડ સદી આ મેચમાં રોહિતે પોતાની 26મી વનડે સદીની મદદથી ઘણા ખાસ રેકોર્ડના લિસ્ટમાં પોતાનું નામ સામેલ કરાવ્યું હતું. ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન રોહિતે આઈસીસી વિશ્વ કપની એક ટૂર્નામેન્ટમાં ચાર સદી ફટકારનાર કુમાર સાંગાકારાના રેકોર્ડની બરોબરી કરી લીધી છે.એકદિવસીયમાં 26મી સદીની મદદથી હાલના વિશ્વકપમાં ડેવિડ વોર્નર (516)ને પછાડીને સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. રોહિતના નામે હવે 544 રન છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે