IND vs NZ: ભારતનું ICC ટ્રોફી જીતવાનું સપનું રોળાયું!, ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજય
ICC T20 World Cup: ન્યૂઝીલેન્ડ સામે કરો યા મરો મુકાબલામાં ભારતીય બેટરોના કંગાળ પ્રદર્શનને કારણે ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર સાથે હવે વિરાટ કોહલીનું સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું પણ લગભગ રોળાય ગયું છે.
Trending Photos
દુબઈઃ ફરી ભારતીય ક્રિકેટ ટીમનું આઈસીસી ટ્રોફી જીતવાનું સપનું લગભગ સમાપ્ત થઈ ગયું છે. આઈસીસી ટી20 વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે 'કરો યા મરો' મુકાબલામાં ભારતીય ટીમનો 8 વિકેટે શરમજનક પરાજય થયો છે. આ હાર સાથે ભારતનું સેમીફાઇનલમાં પહોંચવાનું સપનું લગભગ રોળાય ગયું છે. હવે ભારતના હાથમાં પોતાનું ભાગ્ય રહ્યું નથી. હવે આઈસીસી ટી20 વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે પોતાની બાકી ત્રણ મેચ જીતવી પડશે આ સાથે અન્ય ટીમોના પરિણામ પર પણ નિર્ભર રહેવું પડશે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 20 ઓવરમાં 7 વિકેટે માત્ર 110 રન બનાવી શકી હતી. જેના જવાબમાં ન્યૂઝીલેન્ડે 14.3 ઓવરમાં બે વિકેટે 111 રન બનાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો.
ડેરિલ મિશેલની શાનદાર ઈનિંગ
ભારતે આપેલા 111 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડ ટીમને 24 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. માર્ટિન ગુપ્ટિલ 20 રન બનાવી જસપ્રીત બુમરાહનો શિકાર બન્યો હતો. ન્યૂઝીલેન્ડે પાવરપ્લેમાં 1 વિકેટે 44 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિચેલે શાનદાર બેટિંગ કરી હતી. તેણે 35 બોલમાં 4 ચોગ્ગા અને 3 સિક્સ સાથે 49 રન બનાવ્યા હતા. મિચેલ બુમરાહનો શિકાર બન્યો હતો. કેન વિલિયમસન 33 અને કોન્વે 2 રન બનાવી અણનમ રહ્યા હતા.
હવે સેમીફાઇનલનો માર્ગ બન્યો મુશ્કેલ
ન્યૂઝીલેન્ડ સામે ભારતના પરાજય બાદ વિરાટ કોહલીનું આઈસીસીની ટ્રોફી જીતવાનું સપનું રોળાય શકે છે. હવે ભારતીય ટીમ આગામી ત્રણ મેચ જીતે તો પણ તેના છ પોઈન્ટ થઈ શકે છે. તેવામાં સેમીફાઇનલના સમીકરણો હવે ભારતના હાથમાં રહેશે નહીં. મહત્વનું છે કે ન્યૂઝીલેન્ડની ટીમે પણ હવે નામીબિયા, અફઘાનિસ્તાન અને સ્કોટલેન્ડ સામે રમવાનું છે. જો ન્યૂઝીલેન્ડની ટીમ બાકી ત્રણેય મેચ જીતી જાય તો તે સેમીફાઇનલમાં પહોંચી જશે.
પાવરપ્લે બાદ ભારતની ખરાબ બેટિંગ
ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક કર્યું હતું. ટીમ ઈન્ડિયા પોતાની ઈનિંગમાં માત્ર 2 સિક્સ અને 8 ચોગ્ગા ફટકારી શકી હતી. ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનનો અંદાજ તેના પરથી લગાવી શકાય કે ટીમે 7થી લઈને 15 ઓવર સુધી એકપણ બાઉન્ડ્રી ફટકારી નહીં. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માત્ર 38 રન બનાવી શકી હતી.
નવી ઓપનિંગ જોડી ફેલ
ભારતીય ટીમે આજે નવો પ્રયોગ કર્યો હતો. ટીમે મહત્વની મેચમાં રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલ અને ઈશાન કિશન સાથે ઈનિંગની શરૂઆત કરાવી હતી. પરંતુ વિરાટ કોહલીનો આ પ્લાન ફ્લોપ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાને ત્રીજી ઓવરમાં ઈશાન કિશન (4)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ ટીમે પાવરપ્લેની છેલ્લી ઓવરમાં કેએલ રાહુલ (18)ના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. ભારતે પાવરપ્લેમાં બે વિકેટે 35 રન બનાવ્યા હતા.
વિરાટ કોહલીની ધીમી બેટિંગ
પાવરપ્લે બાદ આઠમી ઓવરમાં રોહિત શર્મા (14) રન બનાવી ઇશ સોઢીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 48 રન હતો ત્યારે કેપ્ટન કોહલી માત્ર 9 રન બનાવી સોઢીનો શિકાર બન્યો હતો. કોહલીએ 17 બોલનો સામનો કર્યો હતો. રિષભ પંત (12)ના રૂપમાં ભારતે પાંચમી વિકેટ ગુમાવી હતી. પંત મિલ્નેની ઓવરમાં બોલ્ડ થયો હતો.
જાડેજાએ ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો
ભારતને છઠ્ઠો ઝટકો હાર્દિક પંડ્યાના રૂપમાં લાગ્યો હતો. હાર્દિક પંડ્યા24 બોલમાં 23 રન બનાવી બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. શાર્દુલ ઠાકુર શૂન્ય રન બનાવી બોલ્ટની ઓવરમાં આઉટ થયો હતો. જાડેજાએ અંતમાં 19 બોલમાં બે ફોર અને એક સિક્સ સાથે અણનમ 26 રન બનાવી ટીમનો સ્કોર 110 પર પહોંચાડ્યો હતો.
ન્યૂઝીલેન્ડની ઘાતક બોલિંગ
ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. બોલ્ટે 4 ઓવરમાં 20 રન આપી ત્રણ સફળતા મેળવી હતી. આ સિવાય ઈશ સોઢીએ 4 ઓવરમાં 17 રન આપી બે વિકેટ ઝડપી હતી. તો મિલ્ને અને ટિમ સાઉદીને પણ એક-એક વિકેટ મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે