IND vs SA: બીજી ટી20માં ભારતનો 4 વિકેટે પરાજય, આફ્રિકા સિરીઝમાં 2-0થી આગળ

India vs South Africa: બોલરોના શાનદાર પ્રદર્શન બાદ હેનરિક ક્લાસેનની ક્લાસિક ઈનિંગની મદદથી આફ્રિકાએ કટકમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ભારતને 4 વિકેટે પરાજય આપ્યો છે. 

IND vs SA: બીજી ટી20માં ભારતનો 4 વિકેટે પરાજય, આફ્રિકા સિરીઝમાં 2-0થી આગળ

કટકઃ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 સિરીઝના બીજા મુકાબલામાં આફ્રિકાએ ભારતને 4 વિકેટે પરાજય આપી શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. કટકના બારાબતી સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20માં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 148 રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકાએ 18.2 ઓવરમાં 6 વિકેટે 149 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 

ભુવનેશ્વર કુમારનો ઘાતક સ્પેલ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ભુવનેશ્વર કુમારે પ્રથમ ઓવરમાં રીઝા હેન્ડ્રિક્સ (4) ને બોલ્ડ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ત્યારબાદ ભુવીએ પોતાની બીજી ઓવરમાં પ્રિટોરિયસ 4ને આવેશ ખાનના હાથે કેચઆઉટ કરાવી આફ્રિકાને બીજો ઝટકો આપ્યો હતો. પ્રથમ મેચનો હીરો રાસી વાન ડર ડુસેન માત્ર 1 રન બનાવી ભુવીનો શિકાર બન્યો હતો. પાવરપ્લેમાં ભુવીએ 3 ઓવરમાં 10 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. 

કેપ્ટન બવુમા અને ક્લાસેને સંભાળી ઈનિંગ
29 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન બવુમા અને હેનરિક ક્લાસેને ઈનિંગ સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 64 રનની ભાગીદારી કરી હતી. બવુમા 30 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 35 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. 

ક્લાસેનની ક્લાસિક અડધી સદી
આ સિરીઝમાં પોતાની પ્રથમ મેચ રમી રહેલા હેનરિક ક્લાસેને પોતાના ટી20 કરિયરની ચોથી અડધી સદી ફટકારી હતી. ક્લાસેને 46 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગાની સાથે શાનદાર 81 રન બનાવ્યા હતા. ક્લાસેન હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. ડેવિડ મિલર 20 રન બનાવી અણનમ રહ્યો હતો. 

ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 13 રન આપી ચાર વિકેટ ઝડપી હતી. આ સિવાય હર્ષલ પટેલ અને ચહલને એક-એક સફળતા મળી હતી. 

ગાયકવાડ ફરી ફ્લોપ
બીજી ટી20માં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર રુતુરાજ ગાયકવાડ પ્રથમ ઓવરમાં રબાડાનો શિકાર બન્યો હતો. ગાયકવાડ 1 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાએ પાવરપ્લેમાં 1 વિકેટે 42 રન બનાવ્યા હતા. 

ટીમ ઈન્ડિયાને ઈશાન કિશન (34) ના રૂપમાં બીજો ઝટકો લાગ્યો હતો. કિશન 21 બોલમાં 3 સિક્સ અને 2 ચોગ્ગા સાથે 34 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રિષભ પંત માત્ર 5 રન બનાવી કેશવ મહારાજની ઓવરમાં મોટો શોટ્સ ફટકારવાના પ્રયાસમાં કેચઆઉટ થયો હતો. શ્રેયસ અય્યરે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. અય્યર 35 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારી પ્રિટોરિયસની ઓવરમાં પેવેલિયન પરત ફર્યો હતો. 

અંતમાં દિનેશ કાર્તિકની આક્રમક બેટિંગ
ભારતીય ટીમે 90 રનના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 9 રન બનાવી પાર્નેલની ઓવરમાં બોલ્ડ થયો હતો. ત્યારબાદ અક્ષર પટેલ માત્ર 10 રન બનાવી નોર્ત્જેનો શિકાર બન્યો હતો. અંતમાં દિનેશ કાર્તિકે 21 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 30 અને હર્ષલ પટેલ 12 રન બનાવી અણનમ રહ્યા હતા. 

આફ્રિકા તરફથી નોર્ત્જેએ 4 ઓવરમાં 36 રન આપી બે સફળતા મેળવી હતી. આ સિવાય રબાડા, પાર્નેલ, પ્રિટોરિયસ અને મહારાજને એક-એક વિકેટ મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news