KKRvsKXIP: રોમાંચક મેચમાં કોલકત્તા 2 રને જીત્યું, પંજાબે ટૂર્નામેન્ટમાં ગુમાવી છઠ્ઠી મેચ


આ હારની સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. સતત ખરાબ પ્રદર્શનને કારણે પંજાબે છઠ્ઠી મેચ ગુમાવી છે. 
 

KKRvsKXIP: રોમાંચક મેચમાં કોલકત્તા 2 રને જીત્યું, પંજાબે ટૂર્નામેન્ટમાં ગુમાવી છઠ્ઠી મેચ

દુબઈઃ KKR vs KXIP IPL 2020 match 24: ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના મુકાબલામાં કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ આમને-સામને હતી. આ મેચમાં કોલકત્તાએ કિંગ્સ ઇલેવન પંજાબને 2 રને પરાજય આપ્યો છે. આ હારની સાથે પંજાબની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ચુકી છે. પંજાબે અત્યાર સુધી કુલ સાત મેચ રમી છે અને આ તેનો છઠ્ઠો પરાજય છે. તો કોલકત્તાની ટીમે છ મેચમાં ચારમાં જીત મેળવી છે. કોલકત્તાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. કોલકત્તાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 162 રન બનાવી શકી હતી. 

પંજાબની ઈનિંગ
પંજાબની ટીમને ફરી એકવાર મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે દમદાર શરૂઆત અપાવી હતી. બંન્નેએ પ્રથમ 6 ઓવરમાં 47 રન બનાવ્યા હતા. ત્યારબાદ બંન્નેએ ફરી 100 રનની ભાગીદારી કરી હતી. રાહુલે 42 બોલમાં 5 ચોગ્ગાની મદદથી તો મયંકે 33 બોલ પર 6 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

પંજાબે મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને 56 રનના સ્કોર પર આઉટ કર્યો હતો. પાછલી મેચમાં ધમાકેદાર બેટિંગ કરનાર નિકોલસ પૂરન 16 રન બનાવી સુનીલ નરેનનો શિકાર બન્યો હતો. તો પ્રભસિમરન જીત માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલ 74 રનની શાનદાર ઈનિંગ રમી 19મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. 

7.6 ફૂટનો ક્રિકેટર, શૂઝની સાઇઝ 23.5, જાણો કોણ છે મુદસ્સર ગુજ્જર

ગિલ અને દિનેશ કાર્તિકની અડધી સદી
શરૂઆતી ઝટકા લાગ્યા બાદ કોલકત્તાએ શાનદાર વાપસી કરી હતી. કોલકત્તા માટે શુભમન ગિલએ અડધી સદી ફટકારી હતી. તેણે 42 બોલનો સામનો કરી 5 બાઉન્ડ્રી સાથે ટૂર્નામેન્ટમાં ત્રીજી અડધી સદી ફટકારી હતી. તો કેપ્ટન દિનેશ કાર્તિકે માત્ર 22 બોલમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અડધી સદી પૂરી કરી હતી. 

ટોસ જીતીને બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા માટે શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ ઈનિંગની શરૂઆત કરી હતી. શમીએ શાનદાર બોલ પર રાહુલ ત્રિપાઠીને બોલ્ડ કર્યો હતો. ત્રિપાઠી 10 બોલમાં ચાર રન બનાવી આઉટ થયો હતો. તો ગિલ અને નવા બેટ્સમેન નીતીશ રાણા વચ્ચે થયેલ ભૂલનો ફાયદો પંજાબને મળ્યો હતો. રાણા માત્ર બે રન બનાવી રનઆઉટ થયો હતો. 

રબિ બિશ્નોઈએ ઇયોન મોર્ગનની વિકેટ હાસિલ કરીને કોલકત્તાને ત્રીજો ઝટકો આપ્યો હતો. મોર્ગન 24 રન બનાવી આઉટ થયો હતો. પોતાની અડધી સદી ફટકાર્યા બાદ ગિલ 57 રન બનાવી આઉટ થયો હતો. તો આંદ્રે રસેલને યુવા બોલર અર્શદીપે પોતાનો શિકાર બનાવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news