ટીમ ઈન્ડિયાના 'સુપરફેન દાદી' ચારુલતા પટેલનું નિધન, BCCIએ કહ્યું-તમે હંમેશા અમારા હ્રદયમાં રહેશો

ટીમ ઈન્ડિયાના સુપરફેન તરીકે ફેમસ થયેલા 87 વર્ષના ચારુલતા પટેલનું નિધન થયું છે. 13 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો.

Updated By: Jan 16, 2020, 01:11 PM IST
ટીમ ઈન્ડિયાના 'સુપરફેન દાદી' ચારુલતા પટેલનું નિધન, BCCIએ કહ્યું-તમે હંમેશા અમારા હ્રદયમાં રહેશો
ડીએનએ ફાઈલ ફોટો

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના સુપરફેન તરીકે ફેમસ થયેલા 87 વર્ષના ચારુલતા પટેલ (Charulata Patel) નું નિધન થયું છે. 13 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગે તેમણે છેલ્લા શ્વાસ લીધા. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ તેમના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો. બીસીસીઆઈએ ટ્વીટ કરીને તેમને ભારતના સુપરફેન ગણાવ્યાં. આ સાથે જ કહ્યું કે ખેલ પ્રત્યે તમારું જૂનૂન અને અમને પ્રેરિત કરવાના કારણે તમે હંમેશા અમારા હ્રદયમાં રહેશો. ઈશ્વર તમારા આત્માને શાંતિ આપે. 

અત્રે જણાવવાનું કે ગત વર્ષે ઈંગ્લેન્ડજમાં રમાયેલા આઈસીસી વર્લ્ડ કપ દરમિયાન ચારુલતા પટેલ ખુબ ચર્ચામાં રહ્યાં હતાં. ચારુલતા પટેલ પોતાના પગ પર ઊંભા પણ રહી શકતા નહતાં અને આમ છતાં વ્હીલચેર પર બેસીને તેઓ સ્ટેડિયમ પહોંચ્યા હતાં તથા ટીમ ઈન્ડિયાનો જુસ્સો વધાર્યો હતો. એટલું જ નહીં મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીથી લઈને વાઈસ કેપ્ટન રોહિત શર્મા તેમને મળ્યા હતાં. વિરાટ અને રોહિતની તેમના આશીર્વાદ લેતી તસવીરો ખુબ વાઈરલ થઈ હતી. 

વર્લ્ડ કપ દરમિયાન લગભગ દરેક ક્રિકેટ ફેન તેમના અંગે જ વાત કરતા હતાં. ક્રિકેટ પ્રત્યે તેમનું જૂનૂન અને ઉત્સાહ જોઈને વિરાટ  કોહલી અને રોહિત શર્મા પણ સ્તબ્ધ થયા હતાં. વિરાટ અને રોહિતે બાંગ્લાદેશ સામેની મેચ પૂરી થયા બાદ તેમની સાથે સ્ટેડિયમની અંદર જ મુલાકાત કરી હતી. તેમના આશીર્વાદ લીધા હતાં. ચારુલતા પટેલના અધિકૃત ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પણ તેમના નિધનની પુષ્ટિ કરાઈ છે. કહેવાય છે કે આ પોસ્ટ તેમના કોઈ પરિજને કરી છે. પોસ્ટમાં લખાયું છે કે ખુબ જ દુ:ખ સાથે કહેવું પડે છે કે અમારા દાદીએ 13 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 વાગે છેલ્લા શ્વાસ લીધા. 

ક્રિકેટના દાદીના નામથી મશહૂર થયેલા ચારુલતા પટેલ ઈંગ્લેન્ડના હેડિંગ્લે અને લીડ્સમાં થયેલી ટીમ ઈન્ડિયાની મેચો દરમિયાન હાજર રહ્યાં હતાં. તેઓ ટીમ ઈન્ડિયાનું સમર્થન કરવા માટે સ્ટેડિયમ પહોંચ્યા હતાં. ચારુલતા શ્રીલંકા વિરુદ્ધ રાઉન્ડ રોબિન લીગ રાઉન્ડના મુકાબલામાં ટીમ ઈન્ડિયાનું સમર્થન કરવા પહોંચ્યા હતાં. ત્યારબાદ વિરાટ કોહલીએ તેમના માટે બાંગ્લાદેશ વિરુદ્ધની મેચ માટે ટિકિટની વ્યવસ્થા કરાવી હતી. વિરાટે તેમની ટિકિટ પર ખાસ સંદેશો પણ લખ્યો હતો. 

તેમની ક્રિકેટફેન તરીકેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ હતી. 87 વર્ષના ચારુલતા પટેલ લંડનમાં રહેતા હતાં પરંતુ તેમનો જન્મ તાન્ઝેનિયામાં થયો હતો. એક ઈન્ટરવ્યુમાં ચારુલતા પટેલે કહ્યું હતું કે તેઓ 1983ના વર્લ્ડ કપમાં પણ કપિલ દેવની મેચ જોવા માટે સ્ટેડિયમમાં હાજર રહ્યાં હતાં. અને તેમનો તે અનુભવ ફેન્ટાસ્ટિક હતો. તેમણે કહ્યું હતું કે ભોજન વગર ચાલી શકે પણ ક્રિકેટ વગર નહીં.