IPL ઈતિહાસઃ આ ટીમોના નામે છે આઈપીએલમાં સૌથી ઓછા રને આઉટ થવાનો શરમજનક રેકોર્ડ


આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં ઘણી એવી મેચ આવી જેમાં ટીમો 100 રન પણ બનાવી શકી નહીં. 
 

IPL ઈતિહાસઃ આ ટીમોના નામે છે આઈપીએલમાં સૌથી ઓછા રને આઉટ થવાનો શરમજનક રેકોર્ડ

નવી દિલ્હીઃ એક તરફ આઈપીએલના 12 વર્ષો પર નજર કરો તો એવા ઘણા મુકાબલા રહ્યાં છે, જ્યારે ટીમોએ મોટા-મોટા સ્કોર બનાવ્યા છે. તો બીજીતરણ એવી મેચ પણ થઈ છે, જ્યારે ટીમો 100નો આંકડો પણ પાર કરી શકી નથી. આ આધાર પર અમે આ લેખમાં ચર્ચા કરીશું, આઈપીએલમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમો વિશે. આ લિસ્ટમાં 4 એવી આઈપીએલ ટીમ રહી છે, જેના નામે સૌથી ઓછા સ્કોરનો શરમજનક રેકોર્ડ નોંધાયેલો છે. આવો જાણીએ પ્રથમ સ્થાન પર કઈ ટીમ છે. 

4- કોલકત્તા નાઇટ રાઇડર્સ- 67 રન
વર્ષ 2008 આઈપીએલની સીઝન ચાલી રહી હતી. જેમાં કોલકત્તા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે હતો. મુંબઈએ પોતાના ઘરેલૂ મેદાન પર ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ મુંબઈના ફાસ્ટ બોલરોએ દમદાર બોલિંગ કરતા કેકેઆરની ટીમને 15.2 ઓવરમાં 67 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. આ મેચમાં મુંબઈએ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. 

3- દિલ્હી કેપિટલ્સ (66 અને 67 રન)
આઈપીએલના ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી દિલ્હીની ટીમે એકવાર નહીં પરંતુ બે-બે વાર સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે. જે આઈપીએલ 2017 દરમિયાન આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તે સમયે દિલ્હી ડેયરડેવિલ્સે પોતાનો સૌથી ઓછો સ્કોર આઈપીએલ-10મા મુંબઈ વિરુદ્ધ ચેઝ કરતા 66 રનમાં ઓલઆઉટ થઈને બનાવ્યો હતો. આ પહેલા દિલ્હીની ટીમ તેજ સીઝનમાં કિંગ્સ ઇલેવન પંજાબની સામે 67 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

2- રાજસ્થાન રોયલ્સ (58 રન)
આઈપીએલની ચેમ્પિયન રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ 2009મા સાઉથ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનના મેદાન પર આરસીબી સામે 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં 139 રનના લક્ષ્યનો પીછો કરી રહેલા રાજસ્થાનની ટીમે આરસીબીના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. ટીમ 15.1 ઓવરમાં માત્ર 58 રનમાં આઉટ થઈ ગઈ હતી. 

1- રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (49 રન)
આઈપીએલ-10મા ઘણી એવી મેચ રહી જેમાં ટીમો 100થી વધુનો સ્કોર પણ ન બનાવી શકી. દેમાં આઈપીએલ-10 દરમિયાન ટૂર્નામેન્ટનો સૌથી ઓછો સ્કોર પણ સામે આવ્યો, જે આરસીબીએ કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ બનાવ્યો હતો. કેકેઆર તરફથી આપવામાં આવેલા 132 રનના ટાર્ગેટને જલદી હાસિલ કરવાના ચક્કરમાં આરસીબીની ટીમ ઢળી પડી અને 9.4 ઓવરમાં માત્ર 49 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે આરસીબીના નામે આઈપીએલના ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર કરવાનો શરમજનક રેકોર્ડ પણ નોંધાઈ ગયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news