UNSCમાં ચીને ચોથી વખત વાપર્યો વીટો, આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ નહીં લાગે

મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ રજૂ કરાયો હતો અને ચીને ચોથી વખત પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને પોતાની અવળચંડાઈ દેખાડી હતી

UNSCમાં ચીને ચોથી વખત વાપર્યો વીટો, આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ નહીં લાગે

સંયુક્ત રાષ્ટ્રઃ પાકિસ્તાનમાં સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર બુધવારે ફરીથી કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. ચીને પાકિસ્તાન સાથે દોસ્તી નિભાવતા ચોથી વખત પોતાની અવળચંડાઈ દેખાડી છે. ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને રદ્દ કરાવી દીધો છે. આ વખતે સૌની નજરો ચીન પર હતી, કેમ કે 2009 પછી ચીન ત્રણ વખત આ રીતે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી ચૂક્યો છે. 

ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય બુધવારે બપોરે (ન્યૂયોર્કના સમય અનુસાર 3 કલાકે) અને ભારતીય સમયાનુસાર રાત્રે 12 કલાકે પુરો થતો હતો. સમિતિ તમામ સબ્યોની સર્વસંમતીથી નિર્ણય લેતી હોય છે. 

છેલ્લા 10 વર્ષમાં ચોથી વખત કરાયો પ્રયાસ
મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે છેલ્લા 10 વર્ષમાં આ ચોથી વખત પ્રયાસ કરાયો છે, પરંતુ દરેક વખતે ચીનના વીટો ઉપયોગ કરવાને કારણે તેમાં સફળતા મળી નથી. ભારતે 2009માં પ્રથમ વખત પ્રસ્તાવ મુક્યો હતો. ત્યાર બાદ 2016માં ભારતે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને આ પ્રસ્તાવ મુક્યો હતો. ત્રીજી વખત પણ 2017માં ભારતે ત્રણ દેશો સાથે મળીને પ્રસ્તાવ મુક્યો હતો. આ વખતે પણ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકાએ સંયુક્ત રીતે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ મુક્યો હતો. 

1267 ISIL (Da’esh) & Al-Qaida Sanctions Committee
1267 અને અલ-કાયદા પ્રતિબંધ સમિતિની સ્થાપના 1988ના રોજ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સમિતિનું નામ બદલીને '1267 ISIL (Da’esh) અને અલ કાયદા પ્રતિબંધ સમિતિ' કરવામાં આવ્યું હતું. આ યાદીમાં કોઈ એક વ્યક્તિ કે સંસ્થાનું નામ સામેલ કરવા માટે પુરાવો આપવાનો રહે છે કે, "જે તે વ્યક્તિ અથવા સંસ્થા પોતે અથવા તો આડકતરી રીતે ISIL (Da’esh) અને અલ કાયદા સાથે સંકળાયેલી છે."

આ પ્રતિબંધિત યાદીમાં અત્યારે 162 વ્યક્તિના અને 83 સંસ્થાના નામ સામેલ કરાયેલા છે અને છેલ્લે 28 ફેબ્રુઆરી, 2019ના રોજ તેને અપડેટ કરાઈ હતી. હાફિઝ સઈદ, અલ-કાયદા, જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, બોકો હરામ તેમાંના કેટલાક જાણીતા નામ છે. 

જો આ સમિતિમાં મસૂદ અઝહર પર પ્રતિબંધ લાગી જાય તો તેની તમામ સંપત્તિ જપ્ત કરવાની પાકિસ્તાનને ફરજ પડે છે. આ ઉપરાંત તેના વૈશ્વિક પ્રવાસ પર પ્રતિબંધ લાગી જાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news