ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની શિખર વાટાઘાટો પહેલા ચીન રવાના થયા કિમ જોંગ, જાણો શું છે હેતુ!
કિમનો આ પ્રવાસ એવા અનુમાન વચ્ચે થઈ રહ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત શિખર વાટાઘાટો શરૂ થાય એ પહેલા કિમ ચીન સાથે પોતાનું વલણ સમન્વિત કરવાનો પ્રયાસ કરી શકે છે
Trending Photos
સેઉલઃ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન ચાર દિવાસના પ્રવાસ માટે ચીન રવાના થયા છે. ઉત્તર કોરિયાના મીડિયાએ મંગળવારે આ માહિતી આપી છે. કિમનો આ પ્રવાસ એવા અનુમાન વચ્ચે થઈ રહ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની સંભવિત શિખર વાટાઘાટો શરૂ થાય એ પહેલા કિમ ચીન સાથે પોતાનું વલણ સમન્વિત કરવાનો પ્રયાસ કરી શકે છે.
ચીનના રાષ્ટ્રપતિએ આપ્યું છે આમંત્રણ
'કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી'એ જણાવ્યું હતું કે, કિમ સોમવારે બપોરે પોતાની પત્ની રી સોલ-જૂ અને ટોચના અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે ચીન માટે રવાના થયા છે. તેણે જણાવ્યું કે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ બાદ કિમ ચીનની મુલાકાતે જઈ રહ્યા છે.
દ.કોરિયાના મીડિયાએ સોમવારે માહિતી આપી કે, શી જિનપિંગ સાથે વાટાઘાટો માટે કિમ વિશેષ ટ્રેનમાં બેસીને બિજિંગ જવા માટે રવાના થયા છે. કિમ જોંગ ઉનની આ વિશેષ ટ્રેન મંગળવારે સવારે 10 કલાકે બિંજિંગ પહોંચવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ ગયા વર્ષે પણ તેમના માટે બનાવવામાં આવેલી આ વિશેષ બૂલેટપ્રૂફ ટ્રેનમાં બેસીને જ ચીનની મુલાકાત લીધી હતી.
2018માં ત્રણ વખત કર્યો હતો ચીનનો પ્રવાસ
કિમ જોંગ ઉન વર્ષ 2018માં ત્રણ વખત ચીનના પ્રવાસે ગયા હતા. મંગળવારે કિમ જોંગ ઉનનો જન્મદિવસ પણ છે. એવું કહેવાય છે કે, ટ્રમ્પ અને કિમ વચ્ચે બીજી વાટાઘાટોના સ્થળ અંગે ચર્ચા માટે અમેરિકા અને ઉત્તર કોરિયાના અધિકારીઓએ વિયેટનામની મુલાકાત કરી હતી.
નવા વર્ષના ભાષણમાં આપી હતી ચેતવણી
ઉલ્લેખનીય છે કે, કિમ જોંગ ઉને તેના નવા વર્ષના ભાષણમાં જણાવ્યું હતું કે, તેઓ ટ્રમ્પ સાથે ગમે ત્યારે વાટાઘાટો કરી શકે છે અને કોરિયન ઉપખંડમાં પરમાણુ શસ્ત્રોના નાશ મુદ્દે ચર્ચા થઈ શકે છે. જોકે, આ સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે, જો ટ્રમ્પ તેમનાં પ્રતિબંધો લાદવાનું ચાલી રાખશે અને તેમના દેશ પર દબાણ બનાવાનું ચાલુ રાખશે તો તેમની પાસે વૈકલ્પિક માર્ગ પણ છે. આ ચેતવણીના ભાગરૂપે જ કિમ ટ્રમ્પ સાથેની શિખર વાટાઘાટો પહેલા ચીનની મુલાકાતે ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે