મુશર્રફના એક નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, તેમણે કહ્યું- 'ખુબ શક્તિશાળી છે ભારત, સાવધાન રહો'

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ આખરે સ્વીકારવું પડ્યું કે ભારત પાકિસ્તાન કરતા ઘણું શક્તિશાળી છે.

મુશર્રફના એક નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, તેમણે કહ્યું- 'ખુબ શક્તિશાળી છે ભારત, સાવધાન રહો'

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ આખરે સ્વીકારવું પડ્યું કે ભારત પાકિસ્તાન કરતા ઘણું શક્તિશાળી છે. રવિવારે અબુધાબીમાં તેમણે પાકિસ્તાન તરફથી ભારત પર પહેલો પરમાણુ હુમલો કરવા સંબંધી આશંકાઓને સંપૂર્ણપણે ફગાવી હતી. તેમણે પાકિસ્તાનને ભારતથી સાવધાન રહેવાનું જણાવતા કહ્યું કે જો પાકિસ્તાન ભારત પર એક પરમાણુ હુમલો કરશે તો ભારત તેના જવાબમાં 20 પરમાણુ બોમ્બ ફેંકીને પાકિસ્તાનને તબાહ કરી નાખશે. અત્રે જણાવવાનું કે પુલવામા એટેક પર ભારતે આકરું વલણ અપનાવ્યું છે અને આક્રોશ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું છે કે બરાબર જવાબ આપવામાં આવશે. 

પરેવેઝ મુશર્રફે એમ પણ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધ એકવાર ફરીથી ખતરનાક સ્તરે પહોંચી ગયા છે. ત્યારબાદ તેમણે કહ્યું કે જો પાકિસ્તાનને ભારતના 20 પરમાણુ બોમ્બથી બચવું હોય તો પાકિસ્તાને સૌથી પહેલા ભારત પર 50 પરમાણુ બોમ્બ ફેકવા પડશે. તો જ ભારત પાકિસ્તાન પર 20 પરમાણુ બોમ્બ ફેકીને હુમલો કરી શકશે નહીં. તેમણે પાકિસ્તાન સરકારને સવાલ કર્યો કે શું તમે સૌથી પહેલા ભારત પર 50 પરમાણુ બોમ્બ ફેંકવા માટે તૈયાર છો  ખરા?

અત્રે જણાવવાનું કે જમ્મુ અને કાશ્મીરમાં 14મી ફેબ્રુઆરીના રોજ થયેલા સીઆરપીએફના આતંકી હુમલામાં 40 બહાદુર જવાનો શહીદ થયા હતાં. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત તણાવ છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે પોતાના ભારતીય સમકક્ષ નરેન્દ્ર મોદીને 'શાંતિ લાવવા માટે એક તક' આપવાની વાત કરી અને તેમણે ભરોસો વ્યક્ત કર્યો કે તેઓ પોતાની જુબાન પર 'કાયમ' રહેશે અને જો ભારત પુલવામના હુમલા પર પાકિસ્તાનને 'કાર્યવાહી યોગ્ય ગુપ્ત જાણકારી' ઉપલબ્ધ કરાવે તો તેના પર 'તત્કાળ' કાર્યવાહી પણ કરવામાં આવશે. 

અત્રે જણાવવાનું કે રાજસ્થાનમાં પીએમ મોદીએ રેલી કરી હતી જેમાં તેમણે જે નિવેદન આપ્યું હતું ત્યારબાદ ઈમરાન ખાનની આ ટિપ્પણી આવી છે. પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ વિરુદ્ધ આખી દુનિયામાં સામાન્ય સહમતિ છે. આતંકવાદના દોષિતોને દંડિત કરવા માટે અમે મજબુતાઈથી આગળ વધી રહ્યાં છીએ. આ વખતે હિસાબ થશે અને બરાબર થશે. આ બદલાયેલું ભારત છે, આ દર્દને સહન કરાશે નહીં. અમે જાણીએ છીએ કે આતંકવાદને કેવી રીતે કચડવાનો છે. 

ટોંકમાં ચૂંટણી રેલી સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ ઈમરાન ખાન વિશે એમ પણ કહ્યું હતું કે જો તમે પઠાણ બચ્ચા હોય અને વાતનો પાક્કો હોય તો સાબિત કરો. તેમણે કહ્યું કે, આતંકવાદ સામે મુકાબલો કરવાનું હોય તો કોઇ પણ ભૂલ ન કરો. કાશ્મીરી પણ આતંકવાદ સામે લડી રહ્યા છે. 

નોંધનીય છે કે પાકિસ્તાનમાં જ્યારે ઈમરાન ખાન વડાપ્રધાન બન્યા હતાં ત્યારે તેમને અભિનંદન પાઠવવા માટે પીએમ મોદીએ પ્રોટોકોલ મુજબ ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે આપણે ગરીબી અને નિરક્ષરતા સામે લડત લડીએ અને આ નિવેદન પર ઈમરાન ખાને કહ્યું હતું કે મોદીજી હું પઠાણ બચ્ચો છું, સાચું બોલું છું, સાચું કરું છું. 

ઈમરાન ખાનના કાર્યાલય તરફથી જારી કરાયેલા એક  નિવેદન મુજબ 'વડાપ્રધાન ઈમરાન ખાન પોતાની જુબાન પર કાયમ છે અને જો ભારત કાર્યવાહી લાયક ગુપ્ત માહિતી આપશે તો અમે લોકો તત્કાળ કાર્યવાહી કરીશું.' નિવેદન મુજબ ઈમરાન ખાને કહ્યું છે કે વડાપ્રધાન મોદીએ શાંતિની એક તક આપવી જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news