પાછોતરા વરસાદે ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોની દિવાળી બગાડી, પલળી ગયો મબલખ પાક

Agriculture News: ખેતરમાં લણીને રાખેલો કપાસ અને મગફળીનો પાક પલળી ગયો છે. આ સાથે જુવાર, ડુંગળી જેવા પાકોને નુકસાન થતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. 

પાછોતરા વરસાદે ગુજરાતના આ જિલ્લાના ખેડૂતોની દિવાળી બગાડી, પલળી ગયો મબલખ પાક
  • ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી
  • ભારે વરસાદ પડતાં ખેતરોમાં તૈયાર પાકને ભારે નુકશાન
  • મગફળીના પાથરા પલળી જતા મોમાં આવેલો કોળિયો છીનવાયો
  • ખેતરોમાં ઉભો પાક ભારે પવન અને વરસાદમાં ઢળી પડ્યો
  • સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે તેવી ખેડૂતોની માંગ

નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર જિલ્લાના તમામ 10 તાલુકામાં ચોમાસાની સીઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ વરસ્યો છે. સારો વરસાદ પડતાં વાડી, ખેતરોમાં મગફળી, સરગવો, કપાસ, ડુંગળી, જુવાર જેવા પાકોમાં ખૂબ સારૂ ઉત્પાદન મળે એવી ખેડૂતોને આશા હતી, પરંતુ ચોમાસાના અંતિમ તબક્કામાં જિલ્લાના અનેક તાલુકામાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને દિવાળી પણ બગડે એવી સ્થિતિ સર્જાઈ છે. 

ભાવનગર જિલ્લામાં પડેલા પાછોતરા વરસાદે ખેડૂતોની દિવાળી બગાડી છે. ખેતરમાં લણીને રાખેલો કપાસ અને મગફળીનો પાક પલળી ગયો છે. આ સાથે જુવાર, ડુંગળી જેવા પાકોને નુકસાન થતા ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે. ખેડૂતોની દિવાળી બગડે અને તેઓ ધિરાણ પણ ન ભરી શકે તેવી સ્થિતિ થઈ છે. છેલ્લા બે દિવસથી સિહોર પંથકને મેઘો ઘમરોળી રહ્યો છે. જેમાં ભારે વરસાદ પડતાં ખેતરોમાં ઉભેલો કપાસ અને લણીને તૈયાર થયેલો મગફળીનો પાક પલળી ગયો છે. 

જેમાં પણ ખાસ કરીને ભાવનગરના સિહોર પંથકના સર, કાજાવદર, ખાંભા, ભડલી, દેવગણા, જાંબાળા, બોરડી સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં ઉભા પાકનો સોથ વળી ગયો છે. તેમજ ખેતરોમાં ખેડૂતોએ ખેંચીને રાખેલા મગફળીના પાથરા પણ પલળી જઈ કાળા પડી જતા આ પાક હવે પશુચારા માટે પણ કામનો ન રહેતા ખેડૂતોને ભારે નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. દિવાળી નજીક આવી રહી છે ત્યારે ખેડૂતોને તેના તૈયાર પાકને યાર્ડમાં વહેંચી સારી આર્થિક કમાણી કરવાની આશા પર પાણી ફરી વળતા ખેડૂતોએ સરકાર સામે મીટ માંડી છે. જેમાં સરકાર હવે ઝડપથી સર્વે કરાવી યોગ્ય વળતર ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news